Surendranagar: પ્રવેશોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિ, શાળાના શિક્ષકોની કામગીરીને બિરદાવી
Surendranagar: ગુજરાતમાં અત્યારે શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. જેને લઈને સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના થાન તાલુકાના સરોડી ગામની પ્રાથમિક શાળામાં આજે શાળા પ્રવેશોત્સવના અંતિમ દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendrabhai Patel) ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાવારે 10 કલાકે સરોડી પ્રાથમિક શાળાના બાલવાટિકા અને ધોરણ 01 ના બાળકોને પ્રવેશ અપાવી નામાંકન કરાવ્યું હતું. મળતી જાણકારી પ્રમાણે સરોડી પ્રાથમિક શાળામાં કુલ 37 બાળકો બાલવાટિકામાં, 46 બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજે સુરેન્દ્રનગરની મુલાકાતે
નોંધનીય છે કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ (CM Bhupendrabhai Patel) પટેલ આજે સુરેન્દ્રનગરની મુલાકાતે ગયા હતા. અહીં સરોડી ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવના અંતિમ દિવસ દરમિયાન તેમણે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પોતાનું આશીર્વચન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાળાના શિક્ષકોની કામગીરીને બિરદાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, 20-21 વર્ષે આજે પરિણામ મળ્યું છે. જે લોકો આગળ વધ્યા તેનું સન્માન કર્યુ હતું. નોંધનીય છે કે, આ દરમિયાન મુખ્યમંત્રીએ ડાંગના છેવાડાના ગામમાં પણ શાળાની સારી વ્યવસ્થા છે તેની વાત કરી હતી.
શિક્ષકો અભ્યાસ સાથે પ્રાકૃતિક ખેતીનું પણ જ્ઞાન પીરસે: CM
વધુમાં વાત કરવામાં આવે તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે શિક્ષકો અભ્યાસ સાથે પ્રાકૃતિક ખેતીનું પણ જ્ઞાન પીરસે છે તેવી વાત પણ જણાવી હતી. આ સાથે તેમણે કહ્યું કે, ‘આજે શિક્ષક બાળકોનું તમામ ધ્યાન રાખે છે. નાની મુશ્કેલીઓમાં પણ શિક્ષક સહભાગી થાય છે.’ વાલીઓ પણ હવે પોતાના બાળકો પ્રત્યે ધ્યાન આપવા લાગ્યા છે, તેમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી સાથે જીલ્લા કલેકટર કે.સી. સંપટ પણ રહ્યા ઉપસ્થિત
તમને જણાવી દઇએ કે, સુરેન્દ્રનગરના થાન તાલુકાના સરોડી ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, જીલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, જીલ્લા કલેકટર કે.સી. સંપટ સહિત વિધાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.