સુખદેવ સિંહ ગોગામેડી હત્યાકાંડ: મુખ્ય આરોપી રોહિત રાઠોડ અને નીતિન ફૌજી ચંડીગઢમાંથી ઝડપાયા, અત્યાર સુધી 3ની ધરપકડ
શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડી હત્યાકાંડ મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ મામલે દિલ્હી પોલીસે જણાવ્યું કે, ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાન પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન કરી સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસના મુખ્ય આરોપી રોહિત રાઠોડ અને નીતિન ફૌજી સહિત ત્રણ આરોપીઓની અટકાયત કરી છે. ત્રણેય આરોપીઓને પહેલા દિલ્હી અને ત્યાર બાદ જયપુર લઈ જવામાં આવશે એવી માહિતી છે.
દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે રાજસ્થાન પોલીસ સાથે મળી સ્પેશિયલ ઓપરેશન હેઠળ શનિવારે મોડી સાંજે બે હુમલાખોર રોહિત રાઠોડ અને નીતિન ફૌજીને ઝડપી પાડ્યા હતા. આ બંને હુમલાખોર ચંડીગઢમાં સેક્ટર 22 એ ખાતે આવેલ એક હોટેલના રૂમમાં છુપાયેલા હતા. શરૂઆતી પૂછપરછ પછી બંને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, આ પહેલા રોહિત અને નીતિનને ફરાર થવામાં મદદ કરનારા રામવીરની પોલીસે અટકાયત કરી હતી.
ચંડીગઢના સેક્ટર 22માંથી ધરપકડ
સુખદેવ સિંહ ગોગામેડી હત્યાકાંડમાં મુખ્ય આરોપી રોહિત રાઠોડ અને નીતિન ફૌજીને પોલીસે ઝડપી પાડ્યા છે. દિલ્હી પોલીસ અને રાજસ્થાન એસઆઈટીના સંયુક્ત ઓપરેશનમાં આ બંનેની ધરપકડ કરવામાં આવી છે. બંને રાજ્યોની પોલીસે સંયુક્ત ઓપરેશન હેઠળ ચંડીગઢના સેક્ટર 22 Aમાંથી આ બંને આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસ કમિશનર બિજુ જ્યોર્જ જોસેફે આ મામલાની માહિતી આપી છે. ડીજીપી ઉમેશ મિશ્રા, એડીજી ક્રાઈમ દિનેશ એમએન, જયપુર પોલીસ કમિશનર બિજુ જ્યોર્જ જોસેફના નિર્દેશ પર પોલીસને મોટી સફળતા મળી છે. હવે આ બંને આરોપીઓને દિલ્હીની ક્રાઇમ બ્રાંચ ઓફિસ ખાતે લવાયા છે, જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવી શકે છે.
5 ડિસેમ્બરે સુખદેવ સિંહની કરાઈ હતી હત્યા
જણાવી દઈએ કે, 5 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના જયપુરમાં સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કરવામાં આવી હતી. બંને હુમલાખોરો સુખદેવ સિંહ ગોગામેડીને મળવા માટે શ્યામનગર ખાતે આવેલા તેમના ઘરે પહોંચ્યા હતા અને લગભગ 10 મિનિટ સુધી વાતચીત કર્યા બાદ બંને હુમલાખોરોએ અચાનક તાબડતોડ ગોળીબાર કર્યો હતો અને સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કરી હતી. સુખદેવ સિંહનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હુમલાખોરોએ 17 વાર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાને અંજામ આપીને બંને આરોપી ફરાર થયા હતા.
આ પણ વાંચો - આજે ગૃહમંત્રી અમિત શાહ પટના જશે, સીએમ નીતિશ કુમાર સાથે મુલાકાત કરી આ મુદ્દાઓ પર કરશે ચર્ચા!