‘જાત મહેનત જિંદાબાદ’ સહકારથી સમૃદ્ધિ તરફ અગ્રેસર જામકંડોરણાના ધરતીપુત્રો
Jamkandorana: સહકારિતા ક્ષેત્રએ દેશના અર્થતંત્રનો સૌથી મજબૂત સ્તંભ છે. ભારત દેશમાં સહકારિતાએ કોઈ નવો વિચાર નથી. આજથી 125 વર્ષ પહેલા મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ગાડગીલજી, વૈકુંઠભાઈ મહેતા, ત્રિભોવનદાસ પટેલ જેવા અનેક મહાનુભાવોએ દેશમાં સહકારિતાની શરુઆત કરી હતી. પરંતુ એક સમય આવ્યો જ્યારે સહકારિતા અંદોલન મંદ પડી ગયું. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહકાર પ્રવૃત્તિને ફરી વેગવાન બનાવવા અલાયદા સહકારિતા મંત્રાલયની શરૂઆત કરીને સહકારી આંદોલનને ફરી વેગ આપ્યો છે.
ભારતમાં દરેક ક્ષેત્રમાં સહકારી મંડળીઓ કાર્યરત
આજે સહકારિતા આંદોલન ગ્રામીણ અને કૃષિ અર્થવ્યવસ્થા સહિત દેશમાં અનેક ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. સહકારથી સમૃદ્ધિ મેળવવા આજે ભારતમાં દરેક ક્ષેત્રમાં સહકારી મંડળીઓ કાર્યરત છે. અત્યારે રાજકોટ જિલ્લામાં જામકંડોરણા (Jamkandorana) તાલુકામાં આવેલા સાજડીયાળી ગામના ખેડૂતોએ શ્રીનાથજી સહકારી પિયત મંડળીની સ્થાપના કરી સહકારથી વિકાસનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. શ્રીનાથજી જળસિંચન સહકારી મંડળી લી. અંતર્ગત કુલ 3 પેટા મંડળીઓ કાર્યરત છે.
ગામના આશરે 237 જેટલા ખેડૂતો જોડાયેલા
આ મંડળીમાં સાજડીયાળી ગામના આશરે 237 જેટલા ખેડૂતો જોડાયેલા છે. આ મંડળીના ત્રણ યુનિટ દ્વારા આશરે 10 કિલોમીટર જેટલી લાંબી 19 પાઇપલાઇન બીછાવી, ફોફળ ડેમથી આ લાઈન મારફત આ ખેડૂતોને પોતાના ખેતરે જ સિંચાઈ માટે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. રૂપિયા 07.75 કરોડના સ્વખર્ચે, 237 ખેડૂતોએ મંડળીના નિર્માણમાં સક્રિય ફાળો આપ્યો છે. આ માટે એક લાઈન દીઠ બે ખેડૂતો સ્વેચ્છાએ પાણીની મોટર ચાલુ કરવાથી માંડી, ઈલેકટ્રીક કામ, લાઈનમાંથી કાપ કચરો કાઢવા અને પાણી પહોંચાડવા સુધીની તમામ પ્રક્રિયાઓમાં જોડાયેલા રહે છે. આ મંડળીના કારણે આજે સાજડીયાળી ગામની 589 હેકટર જમીનને ત્રણેય ઋતુમાં સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહ્યું છે.
હું ત્રણેય ઋતુના પાક લઉ છુંઃ ખેડૂત
જામકંડોરણા (Jamkandorana) તાલુકો વર્ષોથી પાણીની અછતનો ભોગ બની રહ્યું છે. કુદરતી રીતે ભૂગર્ભજળ પણ ખૂબ ઓછું હોવાને કારણે ખેડૂતો માત્ર ચોમાસાની એક ઋતુનો પાક પણ માંડ લઈ શકતા હતા. જ્યારે આજે આ મંડળીના કારણે ત્રણેય ઋતુના પાક લઈ ખેડૂતો સમૃદ્ધ બની રહ્યા છે. મંડળી સાથે જોડાયેલા ભીખાભાઈ બોઘરા કહે છે કે, ‘હું ગામમાં 17 વીઘામાં ખેતી કરું છું, જેમાં મને સિંચાઈ માટે આ મંડળી દ્વારા વારા મુજબ પાણી આપવામાં આવે છે. અમે સૌ ખેડૂતો ખૂબ સારૂ ઉત્પાદન કરીએ છીએ. પહેલા અમારે પાણીની લાઈન ન હતી ત્યારે ડેમની પાછળના ભાગમાં જમીન હોવાને કારણે ડેમના પાણીનો અમને કોઈ લાભ મળતો નહીં. આજે આશરે 10 કિલોમીટર લાંબી લાઈનથી મારા ખેતરે પાણી પહોંચે છે અને હું ત્રણેય ઋતુના પાક લઉ છું. ખાસ કરીને સૌની યોજનાથી અમારો ફોફળ ડેમ જોડાઈ જતા હવે પાણીની કોઈપણ મુશ્કેલી રહેતી નથી. ડેમ પૂરો ભરાયેલ રહેતો હોવાથી અમને પાણીનો પૂરો લાભ મળે છે જેથી આજે અમારો સૂકો વિસ્તાર પાણીદાર બન્યો છે.’
ખેડૂત પાણી માટે હંમેશા ચિંતિત હોય છે: ખેડૂત
જામકંડોરણા (Jamkandorana)ના સહકારી અગ્રણી અને મંડળીના પ્રમુખ ગોવિંદભાઈ રાણપરીયાએ જણાવ્યું હતું કે, ‘ખેડૂત પાણી માટે હંમેશા ચિંતિત હોય છે. ઘણીવાર માત્ર એક પિયત ન મળવાથી પણ પાક સુકાઈ જતા નિષ્ફળ જતો હોય છે. ત્યારે મંડળીના નિર્માણથી ખેડૂતોમાં પાણીનો પ્રશ્નનો કાયમી હલ મળ્યો છે. ખેડૂતોને ડેમ પરથી વારા મુજબ સાત વખત પાણી આપવામાં આવી રહ્યું છે. જેના કારણે વિસ્તારમાં ખેડૂતો ખૂબ સારી ખેતી કરી રહ્યા છે. ગામમાં આશરે ઘણા નાના અને સીમાંત ખેડૂતો પણ છે. જેઓને પાણીની જરૂરિયાત હોય છે પણ તેઓ મોટો ખર્ચ કરી શકતા નથી ત્યારે આ મંડળી સાથે જોડાઈને આવા નાના અને સીમાંત ખેડૂતોને પણ ખેતરે પાણી પહોંચતા એમાં ખૂબ લાભ થયો છે. મંડળીના નિર્માણથી ખેડૂત સારી રીતે ખેતી કરી શકતા પરિવારનો આર્થિક નિર્વાહ, બાળકોના શિક્ષણનો ખર્ચ અને સામાજિક નિર્વાહ માટે જરૂરી સગવડોનુ નિર્માણ શકય બન્યું છે.’
આશરે 325 થી વધુ સહકારી મંડળીઓ નોંધાયેલી
ગુજરાત રાજ્ય ઉદવહન પિયત સહકારી સંઘના ચેરમેન દેવશીભાઈ સવસાણીએ જણાવે છે કે, ‘રાજ્ય ઉદવહન પિયત સહકારી સંઘ અંતર્ગત ગુજરાતમાં સિંચાઈ માટેની આશરે 325 થી વધુ સહકારી મંડળીઓ નોંધાયેલી છે. જેમાં એકમાત્ર ફોફળ ડેમ પર જ અંદાજે 27 થી વધુ મંડળીઓ કાર્યરત છે. માત્ર રાજકોટ જિલ્લામાં જ અંદાજે 75 થી વધુ પિયત(સિંચાઈ) મંડળીઓ કાર્યરત છે. હાલ રાજ્યમાં 100 થી વધુ પિયત મંડળી બનાવવાની કામગીરી શરૂ છે. એક સહકારી પિયત મંડળી થકી એક ગામ સમૃદ્ધિના માર્ગે આગળ વધી રહ્યું છે. ગામના લોકો પણ ખેતી માટે પૂરતું પાણી મળતા હવે તેઓના બાળકો - યુવાપેઢી પણ ગામમાં રહી ખેતીને પ્રાધાન્ય આપી રહી હોવાથી હર્ષ વ્યક્ત કરે છે.’