Sabarkantha : કોલ્ડસ્ટોરેજમાં કામ કરતી મહિલા સાથે પ્રેમ કરનારને લોકોએ નગ્ન કરી ગામમાં વરઘોડો કાઢયો
- જાદર પોલીસ સ્ટેશનની હદમાં બનેલી ઘટનો વીડિયો વાયરલ
- પોલીસ સ્ટેશનની આઠ ટીમોએ તપાસ કરીને આઠ જણાને ઝડપી લીધા
- આડાસબંધનું કારણ ધરી વ્યક્તિને માર માર્યા બાદ વીડિયો વાયરલ થયો
ગુજરાતીમાં કહેવત છે કે પ્રેમ કોઈ નાત, જાત કે ઉંમર જોતો નથી તેવી એક ઘટના બે દિવસ અગાઉ સાબરકાંઠા જિલ્લાના જાદર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક કોલ્ડસ્ટોરેજમાં કામ કરતા શ્રમિક સાથે બની છે. જેમાં ચડાસણા ગામનો એક યુવકને કોલ્ડસ્ટોરેજમાં કામ કરતી ઈડર તાલુકાના નાની વાડોલ ગામની એક પરણિત મહિલા સાથે થોડાક સમય અગાઉ બંધાયેલા પ્રેમ સંબંધ રાખ્યો હતો. જેમાં મહિલાના પતિ સહિત અન્ય લોકોને જાણ થયા બાદ ત્રણ દિવસ અગાઉ ચડાસણા ગામના પરણિત પુરુષને નાની વાડોલ ગામના સાતથી વધુ લોકોએ આડાસબંધનું કારણ ધરી તેને પકડી માર માર્યા બાદ વાડોલ ગામમાં નગ્ન કરી વરઘોડો કાઢયો હતો.
પોલીસ સ્ટેશનની આઠ ટીમોએ તપાસ કરીને આઠ જણાને ઝડપી લીધા
ઘટના અંગેનો વીડિયો હોળીના દિવસે એટલે કે ગુરૂવારે સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ સમગ્ર જિલ્લાનું પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને જિલ્લા પોલીસવડાએ ઈડર અને જાદર પોલીસને આદેશ કરીને અધમકૃત્ય કરનારને ઝડપી લેવા માટે કરેલા આદેશ બાદ બંને પોલીસ સ્ટેશનની આઠ ટીમોએ તપાસ કરીને આઠ જણાને ઝડપી લીધા હતા. તેમજ 16 જણા વિરૂધ્ધ ઈડર પોલીસે ગુનો દાખલ કરવા માટે ભોગ બનનારના નિવેદન લીધા હતા અને ઈડર પોલીસે ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ એટ્રોસીટી એકટ સહિત વિવિધ કલમોને આધિન તપાસની કાર્યવાહીને તેજ કરી દેવાઈ હતી.
પત્નિ જયોત્સનાબેન અને સેંધાભાઈ ચેનવાની હરકતોથી નારાજ થઈ ગયા
આ અંગે ચડાસણા ગામના સેંધાભાઈ શંભુભાઈ ચેનવાએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ તેઓ જાદર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અને નેત્રામલી ગામના કોલ્ડસ્ટોરેજમાં કામ કરતા હતા ત્યારે તેઓ પોતાની પાસેની ઈકોની મદદથી કોલ્ડસ્ટોરેજમાં કામ કરતા મહિલા અને પુરુષ શ્રમિકોને લાવતો અને લઈ જતો હતો. દરમ્યાન 10 દિવસ અગાઉ સેંધાભાઈ ચેનવાને ઈકોમાં આવતા જ્યોત્સનાબેન સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. સૂત્રોના જણાવાયા મુજબ બંનેએ સાથે મોબાઈલમાં ફોટા પણ પાડયા હતા. ત્યારબાદ જયોત્સનાબેનના પતિ સંજયભાઈ ઈશ્વરભાઈ ઠાકોરને ખબર પડી હતી. જેથી તેઓ પત્નિ જયોત્સનાબેન અને સેંધાભાઈ ચેનવાની હરકતોથી નારાજ થઈ ગયા હતા.
વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ જિલ્લાનું સમગ્ર પોલીસ તંત્ર હરકતમાં આવ્યું
ત્યારબાદ તા.11 માર્ચની રાત્રે સંજયભાઈ ઠાકોર સહિત 10થી વધુ લોકોએ જાદર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ આદિત્ય અનમોલ કોલ્ડસ્ટોરેજમાં જઈ સેંધાભાઈ ચેનવાનું બાઈક પર અપહરણ કરી વાડોલ ગામે લઈ આવ્યા હતા. ત્યારબાદ સાતથી વધુ લોકોએ એકસંપ થઈને સેંધાભાઈ ચેનવાને ગડદાપાટુનો માર મારી અધમુઆ કરી દીધા હતા તે પછી સેંધાભાઈને નિવસ્ત્ર કર્યા બાદ ગામમાં તેજ હાલતમાં વરઘોડો પણ કાઢયો હતો. એટલુ જ નહીં પણ અપહરણકર્તાઓએ સેંધાભાઈ ચેનવા પાસે માફી પત્ર પણ લખાવી દીધુ હોવાની વિગતો ફોટા સાથે ગુરૂવારે સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ જિલ્લાનું સમગ્ર પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું.
ત્રણથી ચાર જણા વિરૂધ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરાઈ
સમગ્ર ઘટના અંગે જિલ્લા પોલીસવડા વિજય પટેલે જણાવ્યું છે કે આવા કૃત્યને ચલાવી લેવામાં આવશે નહીં અને ગુનેગારોને દાખલરૂપ સજા કરવા માટે જાદર અને ઈડર પોલીસ સ્ટેશનના અધિકારીઓ સહિત ઈડરના ડીવાયએસપીને તપાસ કરવાનો આદેશ કર્યો હતો. ત્યારબાદ પોલીસની આઠ ટીમોએ હોળીના દિવસે ખાનગી તપાસ કરીને આઠ જણાને ઝડપી લીધા બાદ તમામને ઈડર પોલીસ સ્ટેશનમાં લાવી દેવાયા હતા. જયાં સેંધાભાઈ ચેનવાનું નિવેદન લેવાયા પછી બાર નામ જોગ અને અન્ય ત્રણથી ચાર જણા વિરૂધ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરાઈ હતી.
કોની વિરૂધ્ધ ફરીયાદ નોંધાવાઈ
- સંજયભાઈ ઈશ્વરભાઈ ઠાકોર
- કિશન સેંધાજી ઠાકોર
- મનોજભાઈ ઉર્ફે માનાજી સોમાજી ઠાકોર
- નરેશભાઈ ઈશ્વરભાઈ ઠાકોર
- નુનો ઉર્ફે હરેશભાઈ ઠાકોર
- મંગાજી સોમાજી ઠાકોર
- અતુલજી વિનાજી ઠાકોર
- અરૂણ બાલકૃષ્ણભાઈ બારોટ
- ઉમેશ જીતેન્દ્રભાઈ બારોટ
- જયોત્સનાબેન (તમામ રહે.નાની વાડોલ)
- વિશાલ પેલાદભાઈ સુથાર (રહે.ચડાસણા)
- ચેતનભાઈ ઈશ્વરભાઈ નાયી (રહે.જાદર) તથા અન્ય ચાર