Russia-Ukraine War : યુક્રેને રશિયાની દુખતી નસ પર મુક્યો હાથ, અજમાવી રહ્યું છે યુદ્ધનીતિ
Russia-Ukraine War : આજના ઈકોનોમિક ડિપ્લોમેસી (Economic Diplomacy) ના યુગમાં કોઈને અસહાય બનાવવાનો શ્રેષ્ઠ ઉપાય તેને આર્થિક રીતે નબળો પાડવાનો માનવામાં આવે છે. મહિનાઓથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine war) ને પણ આ જ નિયમન લાગૂ પડી રહ્યો છે. જે રશિયાની દુઃખતી નસ પર હાથ મુક્યો હતો, તે જ યુદ્ધનીતિનો દાવ હવે યુક્રેન રશિયા પર અજમાવી રહ્યું છે.
રશિયાના સૌથી મોટા બંદર પર ડ્રોનથી હુમલો
યુક્રેનની કમર તોડવા માટે રશિયાએ સૌ પ્રથમ તેની ગેસ સપ્લાય ચેઈન તોડી. અને હવે યુક્રેન પણ એ જ તર્જ પર રશિયાને નબળું પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. આના પરિણામે, બ્લેક સીમાં સ્થિત રશિયાના સૌથી મોટા બંદર નોવોરોસિસ્ક પોર્ટ પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે. આ બંદરનું મહત્વ એ હકીકત પરથી સમજી શકાય છે કે તે તેલની નિકાસનું મુખ્ય હબ માનવામાં આવે છે. ડ્રોન હુમલા બાદ રશિયાએ થોડા સમય માટે બીચને લોકો માટે બંધ કરી દીધો હતો. જો કે બાદમાં આ ચેતવણી પાછી ખેંચી લેવામાં આવી હતી.
એક ખાનગી ન્યૂઝ એજન્સીએ બુધવારે સ્થાનિક વહીવટીતંત્રને ટાંકીને જણાવ્યું હતું કે યુક્રેનિયન મેરીટાઇમ ડ્રોન હુમલાના પ્રયાસ બાદ રશિયાના બ્લેક સી બંદર નોવોરોસિસ્ક પર કામ ફરી શરૂ થયું છે. સ્થાનિક પ્રશાસનના નિવેદનને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ હુમલા પછી કોઈ પ્રતિબંધ નથી. શિપિંગ સામાન્ય રીતે ચાલુ છે. નોવોરોસિસ્ક કાળા સમુદ્ર પરનું રશિયાનું સૌથી મોટું બંદર છે અને દક્ષિણ રશિયામાં ક્રૂડ તેલ અને તેલ ઉત્પાદનોની નિકાસ માટેનું મુખ્ય કેન્દ્ર છે. તે કઝાકિસ્તાન અને અઝરબૈજાનથી આવતા તેલને પણ લોડ કરે છે અને અનાજ, કોલસો, ખાતર, લાટી, કન્ટેનર, ખોરાક અને રાસાયણિક કાર્ગોનું સંચાલન કરે.
ડ્રોન હુમલાની અસર
નોવોરોસિસ્કના મેયર આન્દ્રે ક્રાવચેન્કોએ એક દિવસ પહેલા જ એક ચેતવણી જાહેર કરી હતી, જેમાં લોકોને દરિયાકિનારા પર નહીં જવા ચેતવણી આપી અને પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.. બાદમાં તેમણે કહ્યું કે તમામ પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ એક ડ્રોન હુમલામાં બે કોમર્શિયલ પ્રોપર્ટી અને એક રહેણાંક એપાર્ટમેન્ટને નજીવું નુકસાન થયું છે. આ હુમલામાં કોઈને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી. રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે સેનાએ નોવોરોસિસ્ક તરફ જઈ રહેલા બે મેરીટાઇમ ડ્રોનને નષ્ટ કરી દીધા છે. તમને જણાવી દઈએ કે રશિયાએ વારંવાર કહ્યું છે કે યુક્રેન બ્લેક સીના કિનારે તેના બંદરો પર હુમલો કર્યો છે, પરંતુ રશિયન અધિકારીઓ ઘણીવાર યુક્રેનના હુમલાથી થયેલા નુકસાન વિશે ઓછી માહિતી આપે છે.
મે મહિનામાં પણ બનાવ્યું હતું નિશાન
તમને જણાવી દઈએ કે મે મહિનામાં પણ પોર્ટ પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે અધિકારીઓએ અસ્થાયી રૂપે આઉટલેટ બંધ કરવું પડ્યું હતું. નોવોરોસિયસ્કથી યુરલ્સ, KEBCO અને સાઇબેરીયન લાઇટ ગ્રેડનું લોડિંગ જુલાઈમાં 1.7-1.8 મિલિયન મેટ્રિક ટન પર નિર્ધારિત છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ યુક્રેન દ્વારા રશિયન પ્રદેશ પર લોન્ચ કરાયેલા 10 એરિયલ ડ્રોનનો નાશ કર્યો હતો, જેમાં મોસ્કોના પણ એક વિસ્તારનો સમાવેશ થાય છે. બીજી બાજુ, યુક્રેન તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી ન હતી.
આ પણ વાંચો - ચીનનું રોકેટ લોન્ચ થવાની સાથે જ નષ્ટ, દુનિયાભરમાં ઉડ્યો ડ્રેગનનો મજાક, Video
આ પણ વાંચો - Kenya protesting: શું છે એ Tax Bill માં ? જેના કારણે કેન્યા સરકાર અને નાગરિકો વચ્ચે ખૂની ખેલ રચાયો