જાણીતા કેનેડિયન પંજાબી સિંગર 'Shubh' પર ખાલિસ્તાની વિચારધારાને સમર્થન કરવાનો આરોપ, ભારત પ્રવાસ રદ
કેનેડિયન પંજાબી ગાયક અને રેપર તરીકેની ઓળખ ધરાવનાર 'શુભ' તેના ગીતો માટે હંમેશા યુવાનોમાં ચર્ચામાં બની રહે છે. જોકે, આ વખતે તેના ચર્ચામાં આવવાનું કારણ અલગ છે. તેના પર ખાલિસ્તાની વિચારધારાને સમર્થન કરવાનો આરોપ છે. થોડા દિવસ પહેલા જ તેણે સોશિયલ મીડિયા પર ભારતનો વિવાદાસ્પદ નકશો પણ શેર કર્યો હતો, જેના પછી તેનો સતત વિરોધ થઈ રહ્યો છે. દેશમાં વિરોધ એટલો વધી ગયો કે મુંબઈમાં તેનો કોન્સર્ટ રદ કરવામાં આવ્યો.
ખાલિસ્તાની સમર્થનનો આરોપ
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. ટ્રુડોએ કેનેડાની સંસદમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. ભારત-કેનેડા વિવાદ વચ્ચે એક જાણીતી ટેક કંપનીએ સોશિયલ મીડિયા પર ભારતના વિવાદિત નકશા અને ખાલિસ્તાનીને સમર્થન કરનાર કેનેડિયન ગાયક પંજાબી સિંગર શુભનીત સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. 19 સપ્ટેમ્બરના રોજ, ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ boAt શુભની ઇવેન્ટમાંથી બહાર નીકળી ગઈ હતી. ત્યારથી શુભના કાર્યક્રમમાં ખતરો મંડરાઈ રહ્યો હતો. આ પછી ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ પણ શુભને સોશિયલ મીડિયા પર અનફોલો કરી દીધો હતો. ખાલિસ્તાની વિચારધારાને સમર્થન કરનાર સિંગર શુભનો મુંબઈનો કોન્સર્ટ રદ કરવામાં આવ્યો છે. ઓનલાઈન ટિકિટિંગ સાઈટ BookMyShow એ સમાચાર શેર કરતા કહ્યું કે સિંગર શુભનીત સિંહની ભારત માટેની 'સ્ટિલ રોલીન' ટૂર રદ કરવામાં આવી છે.
Online ticketing site BookMyShow says Canadian singer Shubhneet Singh’s 'Still Rollin' tour for India stands "cancelled" pic.twitter.com/9WpaqYg57I
— ANI (@ANI) September 20, 2023
સિંગર શુભે પંજાબ અને જમ્મુ-કાશ્મીરને ભારતના નકશામાંથી હટાવતો દર્શાવ્યો
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા શુભે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. તે પોસ્ટમાં પંજાબ અને જમ્મુ-કાશ્મીરને ભારતના નકશામાંથી હટાવતો દર્શાવવામાં આવ્યો હતો. આ પોસ્ટને લઈને તેને ભારતમાં ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ભાજપ યુવા મોરચાએ પણ મુંબઈમાં તેના કોન્સર્ટનો વિરોધ કર્યો હતો અને તેના તમામ પોસ્ટરો ફાડી નાખ્યા હતા. આ ઉપરાંત તેના ફોટા કાળા કરીને વિરોધ કરવાની પણ ધમકી આપી હતી.
ભારતીય ક્રિકેટર્સે શુભને કર્યો અનફોલો
શુભની લોકપ્રિયતાની જો વાત કરીએ તો તેને ભારતના દિગ્ગજ ક્રિકેટર્સ ફોલોવ કરે છે. જો કે, શુભના વિવાદોમાં આવ્યા બાદ વિરાટ કોહલી, કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાએ તેને અનફોલો કરી દીધો છે. મુંબઈમાં 23-25 સપ્ટેમ્બરે તેનો શો આયોજિત કરવામાં આવી રહ્યો હતો, પરંતુ તે પહેલા જ શુભને લઈને સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ boAT એ શોની સ્પોન્સરશિપ પાછી ખેંચી લીધી છે. હવે સમાચાર છે કે BookMyShow એ તેના શોની ટિકિટ પણ કેન્સલ કરી દીધી છે. લોકોને તેમના પૈસા 7-10 દિવસમાં પરત કરવામાં આવશે.
આ પણ વાંચો - India vs Canada : કેનેડામાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓનું શું થશે.. ? વાંચો આ અહેવાલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે