Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાધાષ્ટમી : આજે ભાદરવા સુદ આઠમ, રાધે રાધે રટો ચલે આયેંગે બિહારી, રાધે રાધે રાધે શ્યામ સે મિલાદે...

ભાદરવા સુદ આઠમના શુભદિને શુક્લ પક્ષના મધ્યાહને ચોર્યાસી કોશ વ્રજમંડલમાં બરસાનાથી નજીક રાવલ ગામમાં ધનાઢ્ય ગોપાધિપતિ દંપતી વૃષભાણજી અને કીર્તિદાદેવીને ત્યાં માતા પિતાનું સદભાગ્ય અર્પવા અને ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓના વિસ્તાર અર્થે દિવ્ય ગૌરાંગી કન્યારૂપે શ્રીકૃષ્ણના હૃદયની અધિષ્ઠાત્રી શ્રીરાધિકાજીનો જન્મ થયો...
રાધાષ્ટમી   આજે ભાદરવા સુદ આઠમ  રાધે રાધે રટો ચલે આયેંગે બિહારી  રાધે રાધે રાધે શ્યામ સે મિલાદે

ભાદરવા સુદ આઠમના શુભદિને શુક્લ પક્ષના મધ્યાહને ચોર્યાસી કોશ વ્રજમંડલમાં બરસાનાથી નજીક રાવલ ગામમાં ધનાઢ્ય ગોપાધિપતિ દંપતી વૃષભાણજી અને કીર્તિદાદેવીને ત્યાં માતા પિતાનું સદભાગ્ય અર્પવા અને ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓના વિસ્તાર અર્થે દિવ્ય ગૌરાંગી કન્યારૂપે શ્રીકૃષ્ણના હૃદયની અધિષ્ઠાત્રી શ્રીરાધિકાજીનો જન્મ થયો હતો. ત્રેતાયુગમાં જાનકી, દ્વાપરમાં શ્રીરાધા અવતારે અવતર્યા બાદ ત્રણ વર્ષ પછી ભગવાન વિષ્ણુના આઠમા અવતારરૂપે આ ધરતી પર શ્રીકૃષ્ણાવતાર સંપન્ન થયો હતો. આમ શ્રીકૃષ્ણથી રાધિકાજી ઉંમરમાં ત્રણ વર્ષ મોટાં હતાં.

Advertisement

જો વ્રજેશ્વરી, રાસેશ્વરી, શ્યામસખી શ્રીરાધાએ વ્રજભૂમિમાં અવતાર ના લીધો હોત તો આપણને બંસીધર, બાંકેબિહારી, શ્રીકૃષ્ણ કનૈયાની બાળલીલાઓની ઝાંખી કદાપિ ન થઇ હોત! આપણને મળ્યા હોત પાર્થસારથિ, દ્વારિકાધીશ, યોગેશ્વર શ્રીકૃષ્ણ! શ્રીરાધિકાજીનો ઉલ્લેખ બ્રહ્મવૈવર્તપુરાણ, હરિવંશપુરાણ, વાયુપુરાણ, ગર્ગસંહિતા અને સુરસાગરમાં ગુપ્તરીતે દર્શાવ્યો છે. સંતો, મહંતો અને ભાગવતકારો જણાવે છે કે શ્રીરાધાજી અને શ્રીકૃષ્ણ એક જ પરમતત્ત્વ છે. આ પૃથ્વી ઉપર માત્ર લીલાઓ માટે જ તેઓ જુદા બન્યાં છે.

Advertisement

શ્રીરાધા અને શ્રીકૃષ્ણનું અભિન્ન સ્વરૂપ એટલે શ્રીરાધા-માધવ યુગ્મ સ્વરૂપ! આપણાં પુરાણોએ અને ધર્મગ્રંથોએ રાધાને ભગવાન શ્રીકૃષ્ણની આહલાદિની શક્તિ કહ્યાં છે. શ્રીરાધિકાજીના માનવ અવતારનું આધ્યાત્મિક અર્થઘટન અને મૂલ્યાંકન કરનાર અનેક સંતોએ પણ શ્રીકૃષ્ણના શ્રીરાધા સાથેના અદૈહિક સંબંધોને અત્યંત ઉચ્ચકોટિના અને મહાભાવ સ્વરૂપા દર્શાવ્યા છે. શ્રીરાધા આજીવન કૃષ્ણ વિયોગીની જ નથી રહ્યાં, ઉગ્ર તપસ્વિની અને દિવ્યયોગિની રૂપે સંયમી જીવન જીવીને પ્રેમલક્ષણા ભક્તિની સાક્ષાત્ મૂર્તિ સ્વરૂપા છે. એ એમના અવતારની આગવી વિશેષતા છે. શ્રીરાધા તો સર્વોત્તમ આનંદ - પરમાનંદના પ્રતીકરૂપે વિદ્યમાન છે. જે સર્વોચ્ચ આધ્યાત્મિક સ્તરેથી અવતરિત થઇને શરીરના કણ કણમાં વ્યાપ્ત છે.

Advertisement

શ્રીરાધા ન તો સાહિત્યકારો યા કવિઓની કલ્પના છે. ન તો શ્રદ્ધાળુ ભક્તોના ભક્તિભાવથી નિર્મિત થયેલી કોઇ વ્યક્તિ વિશેષ છે. શ્રીરાધા તો નિત્ય, સત્ય, સનાતન ભગવાનની અભિન્ન આનંદશક્તિ છે. શ્રીરાધાજી તો સચ્ચિદાનંદ સ્વરૂપા અને લક્ષ્મી-સરસ્વતી આદિ સમસ્ત દેવીઓથી પણ પ્રાચીન મૂળસ્વરૂપા દિવ્યગુણ-શક્તિમય મહાશક્તિ છે. એટલું જ નહીં તેઓ તો એક એવા અનુપમ અને અનંત સૌંદર્ય સાગર સ્વરૂપા છે કે જે સર્વને આકર્ષિત કરે છે.

વસ્તુતઃ શ્રીકૃષ્ણ અને શ્રીરાધાજી વચ્ચે તો પદાર્થ અને પડછાયા જેવો, દૂધ અને એની ધવલતા જેવો, અગ્નિ અને એની દાહક શક્તિ જેવો, જળ અને એની શીતળતા જેવો, પુરુષ અને પ્રકૃતિ જેવો, શક્તિ અને શક્તિમાન જેવો, અરે! આત્મા અને પરમાત્મા જેવો અભેદ, અભિન્ન, અદ્વૈત, અલૌકિક સંબંધ છે. શ્રીકૃષ્ણની ભક્તિ કરનાર નરસિંહ મહેતા, મીરાંબાઇ, પાનબાઈ અને અર્જુન આ બધા જ ભક્ત શ્રીકૃષ્ણનાં ગુણગાન ગાતા થાકતાં ન હતાં અને તેથી જ શ્રીકૃષ્ણે નરસિંહ મહેતાની લાજ રાખી. મીરાંબાઇ ના ઝેરના કટોરા ને અમૃત બનાવ્યો. પાનબાઇનું સતીત્ત્વ જાળવ્યું. અર્જુનને યુદ્ધના સમયે રણ મેદાનમાં ગીતાજ્ઞાનનું રસપાન કરાવીને યુદ્ધ માટે યોગ્ય અને સચોટ માર્ગ બતાવ્યો. આ બધા જ ભક્તોમાં કૃષ્ણભક્તિ માટે સૌથી મોટું સ્થાન કે ભક્તિનું સ્વરૂપ છે રાધાજી જેમણે ભક્તિમાં પોતાનું સર્વસ્વ જીવન શ્રીકૃષ્ણને અર્પણ કરી દીધું.

ભક્તિ, સમર્પણ, શ્રમ, સેવા, ત્યાગ, બલિદાન અને નિઃસ્વાર્થ ભક્તિથી રાધાજીએ શ્રીકૃષ્ણનું બિરુદ પ્રાપ્ત કર્યું છે. શ્રીકૃષ્ણને સ્વયં એમની આઠ જ્યેષ્ઠ રાણીઓ રુકિમણી, સત્યભામા, રોહિણી, ભદ્રા, લક્ષ્મણા, કાલિંદી, મિત્રવિન્દા અને સોળ હજાર એકસો ગોપાંગનાઓની વચ્ચે શ્રીરાધા છે. પરંતુ શ્રીકૃષ્ણને તો અતિવહાલી રાધા જ છે. રાધા એ કૃષ્ણની પ્રાણપ્રિયા જ નહીં પ્રાણપ્રેરક, પ્રેરણાસ્રોત, શક્તિ આરાધના છે. માટે જ શ્રીકૃષ્ણે રાધાને પોતાની સાથે જનપૂજ્ય બનાવી દીધી છે. તેથી જ તો કહેવાય છે કે રાધા બિના શ્યામ આધા! પ્રથમ રાધાકૃપાને પછી જ કૃષ્ણ કૃપા ઊતરે એટલે કે ભક્તિની ઉપાસના પ્રથમ કરો પછી ભગવાનની ઉપાસના, ભક્તિથી ભક્ત થયા પછી જ ભગવાન મળે. કૃષ્ણ રાધાથી આવૃત્ત છે.પુરુષ પ્રકૃતિથી આવૃત્ત છે.

રાધાસંહારશક્તિ પણ છે. અંદર રહેલા ભક્તિ અવરોધક પરિબળોનો તથા વિકારોનો નાશ કરે છે. શ્રીરાધાને આધીન છે. પરમશક્તિ. તેથી શ્રીકૃષ્ણને સરળતાથી પામવા હોય, મનાવવા હોય તો શ્રીરાધાજીનું સતત સ્મરણ કરીએ. તેથી જ તો કહેવાય છે કે, રાધે રાધે રટો ચલે આયેંગે બિહારી...! રાધાજીના સ્મરણ માત્રથી કળિયુગના જીવાત્માઓનો ઉદ્ધાર થાય છે. આજે પણ વૃંદાવનમાં શ્રીરાધેનું ખૂબ જ મહત્ત્વ છે. જગતના મહાપુરુષો ચૈતન્યજી, જયદેવજી, સુરદાસજી, વૈરાગીબાબા, શ્રી હિત હરિવંશ મહાપ્રભુજી અને સેવકજી મહારાજ વગેરે શ્રી રાધેના નામમાં મસ્ત બનીને નાચતા હતા.

શ્રીકૃષ્ણને અનેક પટરાણીઓ હતી પણ શ્રીરાધાજી સાક્ષાત્ લક્ષ્મીનો અવતાર હતાં એટલે જ ભગવાન શ્રીકૃષ્ણ સાથે રાધા-કૃષ્ણ બોલાય છે. રાધાકૃષ્ણની રાસલીલાનો કોઇ પર્યાય નથી. રાસલીલામાં પ્રવેશ અંગે એવી માન્યતા છે કે આ દિવ્યલીલા જેને દેખાય તેનો આ અંતિમ જન્મ હોય છે. શુકદેવજીનો બ્રહ્મસંબંધ રાધાજી એ કરાવ્યો હતો. પોપટ રૂપે રાધા નિકુંજમાં પૂર્વજન્મમાં શુકદેવ રહેતા તે નિકુંજમાં શુક્ર પોપટ રૂપે શ્રીરાધેનો જપ જપતા હતા.

શ્રીરાધાની કૃપા શુક્ર પર થઇ. શ્રી શુક્ર પ્રભુચરણના અધિકારી બન્યા. શ્રીકૃષ્ણનો આધાર શ્રીરાધાજી છે. જગતનો આધાર શ્રીકૃષ્ણ છે. ઝાડ ઉપર પોપટ શુક્ર સ્વરૂપે રાધે રાધે બોલે છે. રાધાજી પોપટ શુક્રને કહે છે કે તું કૃષ્ણ કૃષ્ણ બોલ! રાધાજી કૃષ્ણ બોલવાનું વારવા૨ સમજાવે છે. રાધાજી શ્રીકૃષ્ણ મંત્રની દીક્ષા આપે છે. આ જ વખતે શ્રીકૃષ્ણ નિકુંજમાં પધારે છે.પોપટ શ્રીકૃષ્ણના હાથમાં આવે છે. પછી રાધે રાધે બોલે છે. શુકદેવજીના ગુરુ શ્રીરાધાજી બન્યાં.આમ શ્રીરાધાજી પરમાત્માની દિવ્ય ભક્તિ છે એટલે જ તેમના નામ થકી મોક્ષ અને વ્રજ સુખ મળે છે. જય જય શ્રીરાધે...!!!

અહેવાલ : સુનિલ. એ. શાહ, શિક્ષણવિદ્ લેખક અને પત્રકાર

આ પણ વાંચો : ભાવનગરમાં ગણપતિના એકસાથે 8 સ્વરૂપના દર્શન

Tags :
Advertisement

.