PM Modi Speech : સંસદીય દળની બેઠકમાં PM મોદીએ જણાવ્યું શું છે NDA નો અર્થ...?
PM Modi Speech : લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) ની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પ્રથમ વખત NDAની બેઠકને સંબોધિત કરી હતી. PM મોદીએ આજે જૂની સંસદના સેન્ટ્રલ હોલમાં NDAના ઘટકોની બેઠક દરમિયાન ગૃહમાં હાજર તમામ લોકોનો હ્રદયપૂર્વક આભર વ્યક્ત કર્યો. તેમણે આ દરમિયાન NDA નો અર્થ સમજાવતા કહ્યું કે, New India, Developed India, Aspirational India. તેમણે પોતાના સંબોધનમાં આગળ કહ્યું કે, મારા માટે આનંદની વાત છે કે મને આટલા મોટા સમૂહને આવકારવાની તક મળી છે. જે મિત્રો વિજયી થયા છે તેઓ અભિનંદનના પાત્ર છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ શું કહ્યું આવો જાણીએ આ આર્ટિકલમાં...
PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું શું છે NDAનો અર્થ?
એકવાર ફરી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે. NDA ના તમામ પક્ષોએ એક સ્વરમાં નરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાન બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આજે જ્યારે ચૂંટણી પરિણામ બાદ નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત NDAની બેઠકને સંબોધિત કરી તો આ દરમિયાન તેમણે પોતાના ગઠબંધનનો શું અર્થ છે તે જણાવ્યું હતું. તેમણે NDA ને New India, Developed India, Aspirational India ગણાવ્યું. આ ઉપરાંત તેમણે સેન્ટ્ર્લ હોલમાંથી સંવિધાન ગૃહના સખત મહેનત કરનારા લાખો કાર્યકરોને માથું નમાવીને પ્રણામ કર્યું હતું. તેમણે આગળ કહ્યું કે, હું ભાગ્યશાળી છું કે NDAના નેતા તરીકે, તમે બધા મિત્રોએ મને સર્વસંમતિથી ચૂંટ્યો અને મને નવી જવાબદારી સોંપી. આ માટે હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. મારા અંગત જીવનમાં હું જવાબદારીની લાગણી અનુભવું છું. 2019માં જ્યારે હું ગૃહમાં બોલી રહ્યો હતો ત્યારે મેં એક વાત પર ભાર મૂક્યો હતો - વિશ્વાસ. આજે, જ્યારે તમે મને ફરી એકવાર આ જવાબદારી સોંપી છે, તો તેનો અર્થ એ છે કે અમારી વચ્ચે વિશ્વાસનો સેતુ મજબૂત છે. આ અતૂટ સંબંધ વિશ્વાસના મજબૂત પાયા પર આધારિત છે અને તે સૌથી મોટી સંપત્તિ છે. તેથી, આ ક્ષણ મારા માટે ભાવનાત્મક છે અને હું તમારા બધાનો જેટલો આભાર વ્યક્ત કર્યું તેટલો ઓછો છે.
NDA એ નેશન ફર્સ્ટ માટે પ્રતિબદ્ધ જૂથ : PM નરેન્દ્ર મોદી
PM નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં વિપક્ષ પર પણ નિશાન સાધવાનું ચુંક્યા નહોતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ 10 વર્ષમાં પણ 100ના આંકડાને સ્પર્શી શકી નથી. જો હું 2014, 2019 અને 2024ને જોડી દઉં તો આ ત્રણેય ચૂંટણીમાં જે બેઠકો મળી છે તેના કરતાં આ ચૂંટણીમાં અમને વધુ બેઠકો મળી છે. હું સ્પષ્ટપણે જોઈ શકું છું કે INDIA ગઠબંધનના લોકોને કોઈ ખ્યાલ નથી અને હવે તેઓ ઝડપી ગતિએ મુશ્કેલીમાં મુકાઈ જશે. તેમણે કહ્યું કે, NDA એ સત્તા મેળવવાની પાર્ટીઓનો મેળાવડો નથી. ભારતના રાજકીય ઈતિહાસમાં અને ભારતીય રાજનીતિમાં ગઠબંધનના ઈતિહાસમાં, ચૂંટણી પહેલાનું ગઠબંધન ક્યારેય એટલું સફળ રહ્યું નથી જેટલું NDAને મળ્યું છે. NDA માટે સત્તા મેળવવા કે સરકાર ચલાવવા માટે કેટલાક પક્ષોનો મેળાવડો નથી. આ નેશન ફર્સ્ટની મૂળ ભાવના સાથે નેશન ફર્સ્ટ માટે પ્રતિબદ્ધ જૂથ છે. NDA સરકારે દેશને સુશાસન આપ્યું છે અને એક રીતે NDA શબ્દ ગુડ ગવર્નન્સનો પર્યાય બની ગયો છે. ગરીબ કલ્યાણ અને સુશાસન આપણા બધા માટે સર્વોચ્ચ મહત્વ ધરાવે છે.
અમે દેશને સર્વસંમતિથી આગળ લઇ જઇશું : PM મોદી
PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતના આટલા મહાન લોકતંત્રની તાકાત જુઓ કે 22 રાજ્યોમાં લોકોએ તેમને સરકાર બનાવવાની તક આપી છે. ભારતના મૂળમાં જે સમાયેલું છે તેનું તે પ્રતિબિંબ છે. હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે જો તમે એક નજર નાખો તો આપણા દેશમાં આવા 10 રાજ્યો છે જ્યાં આદિવાસી લોકોની સંખ્યા પ્રભાવશાળી છે. NDA 10 માંથી 7 રાજ્યોમાં સેવા આપી રહ્યું છે જ્યાં આદિવાસી વસ્તી વધારે છે. જ્યાં ખ્રિસ્તી ભાઈ-બહેનો છે ત્યાં પણ અમને સેવાની તક મળી રહી છે. ભારતીય રાજકારણમાં ગઠબંધનના ઈતિહાસમાં, પ્રીપોલ એલાયન્સ ક્યારેય NDA જેટલું સફળ રહ્યું નથી. આ મહાગઠબંધનની જીત છે, અમે બહુમતી હાંસલ કરી છે અને મેં ઘણી વખત કહ્યું છે કે સરકાર ચલાવવા માટે બહુમતી જરૂરી છે, એ લોકશાહીનો સિદ્ધાંત છે, પરંતુ દેશ ચલાવવા માટે સર્વસંમતિ ખૂબ જ જરૂરી છે. હું દેશવાસીઓને આશ્વાસન આપવા માંગુ છું કે જે રીતે તમે અમને બહુમતી આપીને સરકાર ચલાવવાની જવાબદારી સોંપી છે, અમે દેશને સર્વસંમતિથી આગળ લઈ જવામાં કોઈ કસર છોડીશું નહીં.
આ પણ વાંચો - એકનાથ શિંદેએ PM મોદીના સમર્થનમાં કહ્યું- ‘આ ફેવિકોલનું મજબૂત જોડાણ છે, તૂટશે નહીં…’
આ પણ વાંચો - NDA : આજે નીતિશ અને ચન્દ્રાબાબુએ શું કહ્યું પીએમ મોદીને..?