ઉત્તર ભારત થયું જળમગ્ન, 90થી વધુ લોકોના મોત, કેદારનાથ યાત્રા રોકાઈ
છેલ્લા એક અઠવાડિયામાં દેશભરમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે. ઘણા રાજ્યો એવા છે કે જ્યા મેઘાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જેના કારણે ગરમીથી લોકોને રાહત પણ મળી છે. જોકે, દેશના હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં વરસાદ આફતની જેમ વરસી રહ્યો છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં છેલ્લા બે દિવસથી એવા વીડિયો સામે આવ્યા છે જેણે સૌ કોઇને ચોંકાવી દીધા છે. કુદરતનું આવું રૌદ્ર સ્વરૂપ જોઇ ભલ ભલા ડરી ગયા છે. વળી માહિતી એ પણ મળી છે કે, ભારે વરસાદના કારણે કેદારનાથ યાત્રાને પણ રોકી દેવામાં આવી છે.
હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે પ્રવાસીઓ ફસાયા
હિમાચલ પ્રદેશમાં વરસાદની સાથે લેન્ડસ્લાઈડિંગની ઘટનાઓ પણ જોવા મળી છે, જેના કારણે લોકોને અને જાન-માલનું પણ ઘણું નુકસાન થયું છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે પ્રદેશના ઘણા મુખ્યમાર્ગો પર વાહનવ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત થયો છે. પહાડી રાજ્યોમાં ભારે વરસાદને કારણે અનેક પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા. મળતી માહિતી અનુસાર, હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિ જિલ્લાના ચંદ્રતાલ તળાવમાં ભારે વરસાદ અને હિમવર્ષાના કારણે 300 પ્રવાસીઓ ફસાયા છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી આફતમાં 31 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે મંડી, કાંગડા અને લાહૌલ સ્પીતિમાં 4 લોકો ગુમ થયા છે. વળી, ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મંગળવારે ભૂસ્ખલનમાં 5 પ્રવાસીઓના મોત થયા હતા અને અન્ય 8 લોકો ઘાયલ થયા હતા. પંજાબ અને હરિયાણામાં પણ પૂરની સ્થિતિ છે, જેના કારણે પ્રવાસીઓ વિવિધ સ્થળોએ ફસાયેલા છે.
દેશમાં વરસાદ અને પૂરથી 90થી વધુ લોકોના મોત
ઉત્તર ભારત સહિત દેશના અન્ય રાજ્યોમાં વરસાદ અને પૂર સંબંધિત ઘટનાઓમાં 90 થી વધુ લોકોના મોત થયા છે. તેમાંથી સૌથી વધુ 80 લોકોના મોત હિમાચલ પ્રદેશમાં થયા છે. પહાડી રાજ્ય સહિત ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં ગયા અઠવાડિયે વરસાદ શરૂ થયો હતો, જેના કારણે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટા પાયે નુકસાન થયું હતું. ઘણી નદીઓ ખતરાના નિશાનથી ઉપર છે.
અચાનક પૂરને કારણે ઘરો, જમીન અને બગીચા નાશ પામ્યા
હિમાચલ પ્રદેશના મંત્રી જગત સિંહ નેગીએ કહ્યું કે મનાલી વિધાનસભાને વૃક્ષો પડવાથી અને રસ્તાઓને નુકસાન થવાથી ઘણું નુકસાન થયું છે. અચાનક પૂરને કારણે ઘરો, જમીન અને બગીચા નાશ પામ્યા છે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગને નુકસાન થયું છે. બાજુમાં આવેલ લિંક રોડ બ્રિજને પણ ખરાબ રીતે નુકસાન થયું છે. નેટ કનેક્ટિવિટી, વીજળી અને પાણી નથી. અમે ફસાયેલા સ્થાનિક પ્રવાસીઓને ભોજન આપવાની વ્યવસ્થા કરી છે.
કેદારનાથ યાત્રા સ્થગિત
ઉત્તરાખંડમાં સતત ભારે વરસાદને કારણે કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને સોનપ્રયાગ અને ગૌરીકુંડ ખાતે મુસાફરોને રોકી દીધા છે. સ્થિતિને જોતા વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે.
UP માં આગામી 5 દિવસ સુધી વરસાદનું એલર્ટ
ઉત્તરપ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનો વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ સંબંધિત ઘટનાઓમાં 3 લોકોના મોત થયા છે. લખનૌના હવામાન કેન્દ્રના અહેવાલ મુજબ, આગામી 15મી જુલાઈ સુધી ઉત્તર પ્રદેશમાં લગભગ તમામ સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે. આ દરમિયાન, રાજ્યના પશ્ચિમ ભાગોમાં ઘણી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો - શું તમે જાણો છો ઉત્તર ભારતના રાજ્યોમાં કેમ આટલો બધો વરસાદ પડી રહ્યો છે? આ છે કારણ
આ પણ વાંચો - દેશમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને વાદળ ફાટવાથી 34 ના થયા મોત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ