Rajkot : કરમાળ-પીપળીયા ગામમાં ફસાયેલા 25 લોકોને સલામત સ્થળે ખસેડતી NDRF અને ફાયર ટીમ
રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની વિપત્તિ વખતે વહીવટી તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. કોટડાસાંગાણી તાલુકાના પીપળીયા ડેમમાં પાણીની આવકના કારણે ડેમના દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આથી, જસદણ મામલતદાર સંજયભાઈ અશવાર તથા કોટડાસાંગાણી મામલતદાર રોનકભાઈ થોરીયા દ્વારા ત્વરિત નિર્ણય લઈને NDRF ની ટીમ તેમજ જસદણ - ગોંડલ ફાયર ટીમ નો સહયોગ લેવામાં આવ્યો હતો.
મામલતદારઓના માર્ગદર્શન મુજબ જસદણ નગરપાલિકાની NDRF ટીમ દ્વારા ઈશ્વરીયા ગામના પાણીમાં અટવાયેલા 15 લોકોને તથા કરમાળ-પીપળીયા ગામના નદીકાંઠે પાણીમાં ફસાયેલા ગ્રામજનોને સલામતસ્થળે ખસેડવામાં આવ્યા હતા.
પાણીમાં ફસાયેલ વૃધ્ધો બાળકો તેમજ મહિલાઓને સલામત સ્થળે ખસેડાયા
કોટડા સાંગાણી તાલુકા કરમાળ પીપળીયા ગામના નદીકાંઠે લોકો ફસાયા ની જાણ ગોંડલ પ્રાંત અધિકારી રાજેશકુમાર આલને થતા NDRF તેમજ ફાયર ટીમ ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીમાં ફસાયેલ મહિલાઓ, બાળકો, વૃદ્ધોને જરૂર પડ્યે ખભે ઊંચકી સુરક્ષિત રીતે પાણીમાંથી બહાર લાવ્યા હતા. આમ, વહીવટી તંત્રે ભારે વરસાદની સ્થિતિમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી.
અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ તૈયાર કરાયા
સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા એ જણાવ્યું હતું કે જુનાગઢ ઉપર વરસાદી આફત આવી પડી છે અનેક લોકોને જેના કારણે પરેશાની વેચવાનો વારો આવ્યો છે જેને અનુલક્ષી માર્કેટિંગ યાર્ડ ની ટીમ ગોંડલ ભાજપ અને ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા યુવા આગેવાન ગણેશસિંહ જાડેજા ની આગેવાનીમાં ફૂડ પેકેટ તૈયાર કરી જુનાગઢ ખાતે મોકલવામાં આવ્યા છે આ ઉપરાંત જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ત્યાં પણ વધુ ફૂટ પેકેટ મોકલવા ગોંડલ આગેવાનો દ્વારા કમર કસવામાં આવી છે
શ્રી અક્ષર મંદીર,ગોંડલ દ્વારા જૂનાગઢમાં રાહતકાર્ય શરૂ
જુનાગઢમાં અનરાધાર વરસાદે તબાહીનું તાંડવ સર્જી દીધું છે. ધસમસતા જળબંબાકારે લોકોની મુશ્કેલીમાં પણ સતત વધારો કર્યો છે. ત્યારે પારાવાર પ્રશ્નો સામે લોકોને રાહત પ્રાપ્ત થાય તે હેતુથી શ્રી અક્ષર મંદીર,ગોંડલ દ્વારા તાત્કાલિક ધોરણે અંદાજીત ૧૦ હજાર જેટલા ફુડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે.આ સેવાયજ્ઞમાં મોટી સંખ્યામાં ગોંડલ શહેરના સ્વયંસેવકો અને સ્વયંસેવિકાઓ જોડાયા અને શુદ્ધ તેમજ પૌષ્ટિક વાનગીથી સભર ફુડ પેકેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. જેને સ્થાનિક તંત્રના માર્ગદર્શન મુજબ અસરગ્રસ્તો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં આવા કોઈપણ વિપરિત પરિસ્થિતિ કે સંજોગોમાં વિશેષ સેવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે પણ બી.એ.પી.એસ સંસ્થા દ્વારા સેવાયજ્ઞ અવિરત ચાલુ રહેશે.
ભક્તની આસ્થાને સમ્માન આપી પોલીસે પોતાની ફરજ બજાવી
ગઇકાલે મૂશળધાર વરસાદમાં પોલીસ જવાનોએ જીવ જોખમમાં મૂકીને બચાવકાર્ય હાથ ધર્યું હતું. જૂનાગઢના વંથલીમાં એક મહિલા પોતાના ઘરમાં રાખેલી કુળદેવીની મૂર્તિ છોડવા તૈયાર ન હતી, જેથી પોલીસે માતાની મૂર્તિ સાથે મહિલાને બચાવી લીધી હતી. જેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. એક ભક્તની આસ્થાને ઠેસ ન પહોંચે એટલે તેમની સાથે માતાજીની મૂર્તિનું પણ જૂનાગઢ પોલીસના જવાનો દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. મહિલાએ પોતાની સાથે માતાજીની મૂર્તિ પણ સાથે લેવા કહ્યું હતું. મહિલાની આસ્થા જોઇ જવાનોએ મહિલાની સાથે એ મૂર્તિને પણ કેડસમા પાણીમાંથી રેસ્ક્યૂ કરીને લાવ્યા હતા.
સરદાર સરોવર ડેમ
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 128 મીટર પાર થઈ. મહત્તમ સપાટી – 138.68 મીટર છે. હાલ પાણીની આવક – 1,85,484 ક્યુસેક છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી કેનાલમાં જાવક – 5,311 ક્યુસેક છે. છેલ્લા 24 કલાકમાં સપાટીમાં 61 સે.મી.નો વધારો થયો.
ભાદર-1 ડેમ ઓવરફલો
સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર-1 ડેમ ઓવરફલો થયો છે. આ સિઝનમાં ભાદર-1 ડેમ પહેલીવાર ઓવરફ્લો થયો છે. ડેમના 10 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને ડેમના 3 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાં 38,000 હજાર ક્યુસેક આવક સામે 9,000 હજાર ક્યુસેક જાવક છે.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો : રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો? આ રહ્યાં આંકડા, જાણો તમારા જિલ્લામાં કેટલો વરસાદ પડ્યો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.