NCP ના વડા શરદ પવારને મળી જાનથી મારી નાખવાની ધમકી, મુંબઈ પોલીસ કમિશનરને મળ્યા સુપ્રિયા સુલે
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારને વોટ્સએપ પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ત્યારબાદ એનસીપીના સાંસદ અને પવારના પુત્રી સુપ્રિયા સુલેના નેતૃત્વમાં પાર્ટીનું પ્રતિનિધિમંડળ મુંબઈ પોલીસ કમિશનરને મળવા પહોંચ્યું હતું. આ મામલે ધમકી આપનારા સામે કાર્યવાહીની માંગ કરી હતી
શરદ પવારને મળેલી ધમકી વિશે જાણકારી આપતા NCP સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું હતું કે તેમને વોટ્સએપ પર શરદ પવાર માટે એક મેસેજ મળ્યો હતો. તેમને એક વેબસાઈટ મારફતે ધમકી આપવામાં આવી હતી. અમે પોલીસ પાસે ન્યાયની માંગ કરવા આવ્યા છીએ. હું મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અને કેન્દ્રીય ગૃહ પ્રધાનને આ તરફ ધ્યાન આપવાની માંગણી કરું છું. આ પ્રકારની હરકતો ગંદુ રાજકારણ છે અને તે બંધ થવું જોઈએ.
સુલેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ગુનાખોરી વધી રહી છે. હું અમિત શાહને વિનંતી કરું છું કે કૃપા કરીને મહારાષ્ટ્ર પર ધ્યાન આપો, અહીં શું થઈ રહ્યું છે.