Navsari: ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી, લાખો રૂપિયાનું ભેળસેળ વાળું ઘી ઝડપાયું
Navsari: લોકો અત્યારે પૈસા કમાવા માટે તમામ હદો વટાવી રહ્યા છે. રાજ્યમાં ક્યાંક ખાદ્ય પદાર્થોમાં જીવજંતુઓ નીકળી રહ્યા છે તો ક્યાક ખાદ્ય પદાર્થો જ નકલી મળી રહ્યા છે. પૈલાની લાલચે લોકોને ભેળસેળ વાળા ખાદ્ય પદાર્થો પધરાવી દેવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ભેળસેળ વાળું ઘી પકડી પાડવામાં આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે મે. શિવ ફૂડ પ્રોડક્ટ્સ, નવસારી (Navsari) ખાતેથી ભેળસેળ વાળા ઘી ના કુલ 8 નમુના લેવામાં આવ્યા હતા.
રૂપિયા 14 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો
નમુનીની તપાસમાં પેઢી દ્વારા ઘી માં પામોલિન તેલની ભેળસેળ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. ઘી નો અને પામોલીન તેલનો આશરે 3000 કિગ્રા જથ્થો કે જેની અંદાજીત કિંમત રૂપિયા 14 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે વિગતો આપતા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્યના કમિશનર ડૉ. એચ. જી કોશિયા કહ્યું કે, રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં લેભાગુ તત્વો સામે કાયદાકિય કાર્યવાહી કરવામાં આવે છે.
ઘી નો શંકાસ્પદ જથ્થો પકડી પાડવામાં આવ્યો
વધુમાં તેમણે જણાવ્યું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નવસારી (Navsari) અને લોકલ ક્રાઈમ બ્રાંચ નવસારી દ્વારા કરવામાં આવેલ સંયુક્ત રેડમાં મે. શિવ ફૂડ પ્રોડક્ટ્સ, હાઉસ નંબર-375/5 (શેડ નબર-5), પ્રોપર્ટી નંબર-389, બ્લોક નંબર-226, ખાતા નંબર-296, ડાન્ડેશ્વર પાટિયા, બારડોલી રોડ, ગામ-ઓંચી, જિલ્લો-નવસારી ખાતે સુખવંત બ્રાન્ડના ભેળસેળ વાળા ઘીનું ઉત્પાદન અને વેચાણ થાય છે તેવી મળેલ બાતમીના આધારે દરોડો પાડવામાં આવેલ હતો. તપાસમાં સુખવંત બ્રાન્ડનાં 100 મિલી, 500 મિલીના પાઉચ તથા ડબ્બા અને 15 કિગ્રાના ડબ્બાનો શંકાસ્પદ જથ્થો પકડી પાડવામાં આવેલ હતો.
ઘી માં ભેળસેળ માટે થતો હોવાનું જાણવા મળ્યું
વધુમાં ઝીણવટભરી તપાસ હાથ ધરતા પેઢીમાંથી પામોલિન તેલના 10 ડબ્બા પણ મળી આવેલ હતા. જેનો ઉપયોગ ઘી માં ભેળસેળ માટે થતો હોવાનું જાણવા મળેલ છે. પેઢીના માલિક વિકી રાજેશભાઇ ચોખાવાલાની હાજરીમાં તેમની પાસેથી કૂલ 8 નમુના લેવામાં આવેલ જ્યારે બાકીનો આશરે 3000 કિગ્રા જથ્થો કે જેની અંદાજીત કિંમત આશરે રૂ. 14 લાખ થવા જાય છે તે શંકાસ્પદ જથ્થો જાહેર આરોગ્યનાં હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ છે. લીધેલા તમામ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપેલ છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે.