NIOS Scam : બોર્ડ એક્ઝામમાં "પૈસા ફેંકો, પરીક્ષા પાસ કરો" કૌભાંડનો પર્દાફાશ
NIOS Scam : દેશની ખ્યાતનામ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઑપન સ્કૂલીંગનું એક પરીક્ષા કૌભાંડ (NIOS Exam Scam) ગુજરાતમાં સામે આવ્યું છે. ધો.10 અને ધો.12ની પરીક્ષામાં "પૈસા ફેંકો, પાસ થાઓ"નું રેકેટ રાષ્ટ્રીય સંસ્થામાં ચાલતું હોવાનો પૂરાવો એક લાંચ કેસમાં સામે આવ્યો છે. ગુજરાત એસીબી (Gujarat ACB) એ કરેલા એક લાંચ કેસમાં શાળા સંચાલક અને તેની બે મહિલા કર્મચારીઓની ધરપકડ બાદ ત્રણેય આરોપીને જેલ હવાલે કરાયા છે. લાંચ કેસમાં સામે આવેલી હકિકત NIOS Scam પર સવાલ પેદા કરી રહી છે. શું છે સમગ્ર મામલો અને એસીબીની કાર્યવાહી. વાંચો આ અહેવાલમાં...
લાંચ કેસમાં સ્કૂલ સંચાલક સહિત 3ની ધરપકડ
નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઑપન સ્કૂલીંગના ઈડર પરીક્ષા કેન્દ્ર (NIOS Exam Centre) માં બેસનારા 22 વિદ્યાર્થીઓના અસાઈન્મેન્ટ ઑનલાઈન સબમીટ કરવા અને ઊંચી ટકાવારીથી પાસ કરી આપવા 1.60 લાખની લાંચ માગવામાં આવી હતી. ઈડરના સ્થાનિક શાળા સંચાલક કમલેશ ગીરધરભાઇ પટેલ (Kamlesh G Patel) ને કેટલાંક વિદ્યાર્થીઓના વાલી લાંચ આપવા માગતા ન હતા. આથી તેમણે એસીબી અધિકારીનો સંપર્ક કર્યો હતો અને આ મામલે ફરિયાદ આપી હતી. Team ACB એ લાંચનું છટકું ગોઠવી ઈડર અંબિકા કોમ્પલેક્ષમાં આવેલી શ્રી કન્સલ્ટીંગ એકેડમી ખાતેથી કમલેશ પટેલને તેમજ કમલેશ વતી રૂપિયા 1.60 લાખની લાંચ સ્વીકારનાર કાજલ ત્રિવેદી તથા ઈશુ પટેલની 24 ઑગસ્ટના રોજ ધરપકડ કરી હતી.
આ પણ વાંચો - ACB Trap : લાંચ કેસના આરોપી વકીલની કેમ 24 કલાક બાદ થઈ ધરપકડ ?
કેમ થઈ 5 હજારના પગારદારોની ધરપકડ ?
શૈક્ષણિક સંસ્થાઓ ચલાવતા કમલેશ પટેલની ઑફિસમાં બે યુવતીઓ કાજલ ત્રિવેદી અને ઈશુ પટેલ ફરજ બજાવતી હતી. એસીબીના ફરિયાદી કમલેશ પટેલને લાંચની રકમ આપવા માટે સંપર્ક કર્યો તો તેમણે 1.60 લાખની રોકડ ઑફિસમાં આપવા કહ્યું હતું. લાંચ પેટે 1.60 લાખ રોકડા ફરિયાદીએ આપતા તે રકમ બંને યુવતીઓએ સ્વીકારી તેની ગણતરી કરી તેમજ કમલેશ પટેલેને રકમ સ્વીકાર્યાની જાણ પણ કરી હતી. અત્રે નોંધનીય છે કે, એસીબીના સકંજામાં આવેલી બંને યુવતી 5-5 હજાર રૂપિયાની પગારદાર છે.
કેવી રીતે NIOS માં થાય છે પ્રવેશ અને પરીક્ષા
ધોરણ 6 પછી અભ્યાસ છૂટી ગયો હોય તો NIOS માં ઑનલાઈન પ્રવેશ મેળવીને દેશના જુદાજુદા રાજ્યોમાં આવેલા નિર્ધારિત સેન્ટર પરથી બોર્ડની પરીક્ષા આપી શકાય છે. નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઑપન સ્કૂલીંગ સંસ્થા એક વિદ્યાર્થી દીઠ 500 રૂપિયા જે-તે સ્થાનિક સેન્ટરને ચૂકવે છે. સ્થાનિક સ્કૂલ-સેન્ટરને NIOS માં નોંધાયેલા વિદ્યાર્થી પાસેથી એકપણ રૂપિયો વસૂલવાનો હોતો નથી. અત્રે નોંધનીય છે કે, મોટાભાગના નેશનલ પ્લેયર્સ (National Players) આવી રીતે જ પરીક્ષા આપીને ધોરણ-10 અને ધોરણ-12માં પાસ થયા છે.
બબ્બે સ્કૂલનો સંચાલક ચલાવતો હતો NIOS Scam
એસીબીના લાંચ કેસ (Bribery Case) નો આરોપી કમલેશ ગીરધરભાઇ પટેલ ઈડર તાલુકામાં સી. જી. મહેતા વિદ્યામંદિર (C G Mehta Vidyamandir) અને ડીજીઈએસ સ્કૂલ (DGES School) ચલાવે છે. NIOS ના લેખિત પરીક્ષા કેન્દ્ર તરીકે સી. જી. મહેતા વિદ્યામંદિર અને પ્રેક્ટિકલ માટે ડીજીઈએસ સ્કૂલને પસંદ કરાઈ છે. સી. જી. મહેતા વિદ્યામંદિર રાજ્ય સરકારની ગ્રાન્ટેડ સ્કૂલ છે.
આ પણ વાંચો - PI PSI Transfer ની ભલામણો અટકાવવા સરકારે મીડિયાનો ઉપયોગ કર્યો ?
લાંચનું ઑનલાઈન પેમેન્ટ કોને થતું હતું ?
એન્ટી કરપ્શન બ્યૂરો (Anti Corruption Bureau) ની તપાસમાં અનેક ચોંકાવનારી માહિતીઓ સામે આવી છે. 33 વિદ્યાર્થીઓની ગત બેચ પાસેથી પણ કમલેશ પટેલે 2.60 લાખ રૂપિયા રોકડા મેળવ્યા અને 25 હજાર રૂપિયા ઑનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. કમલેશ પટેલે આ વખતે પણ 22 વિદ્યાર્થીઓને પરીક્ષામાં પાસ કરવા પેટે એક મોબાઈલ નંબર પર 25 હજાર રૂપિયા ઑનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હોવાની પણ એક વાત સામે આવી છે. ઑનલાઈન પેમેન્ટ કોને અને શા માટે કમલેશ પટેલે બારોબાર મોકલાવ્યું તેની જાણકારી એસીબી આગામી દિવસોમાં એકઠી કરશે.
દેશવ્યાપી NIOS Scam નો થયો હતો ભાંડાફોડ
નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઑપન સ્કૂલીંગ સંસ્થા અગાઉ પણ મોટા વિવાદમાં આવી ચૂકી છે. વ્યાપમ ગોટાળા બાદ મધ્યપ્રદેશ ખાતે વર્ષ 2017માં NIOS Scam ખૂબ ગાજ્યું હતું. હજારો વિદ્યાર્થીઓ ધો.10 અને ધો.12ની પરિક્ષા આપ્યા વિના ઊંચી ટકાવારી મેળવી હતી. CBI ની ટીમોએ દેશવ્યાપી દરોડા પાડી એક મોટા પરીક્ષા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. 20થી વધુ રાજ્યોમાં થયેલી તપાસમાં વિદ્યાર્થીઓ, સંસ્થાના અધિકારી-કર્મચારી અને વચેટીયાઓની સંડોવણી સામે આવી હતી. આ ઉપરાંત National Institute of Open Schooling ના અસમ ગુવાહાટી ખાતેના એક કર્મચારીના ખાતામાં લાખો રૂપિયા મોકલવાના પૂરાવા Team CBI ને હાથ લાગ્યા હતા.
આ પણ વાંચો -Khanjan : બુકી બજારમાં ચર્ચા, કરોડપતિ ખંજનને CID એ કેમ ઉઠાવ્યો?