મુંબઈની હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, સુરક્ષામાં કરાયો વધારો
Mumbai Hospital Bomb Threat : મુંબઈની એક હોસ્પિટલને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. જેમા હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ હોસ્પિટલ સહિત વિસ્તારમાં હડકંપ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થયા બાદ બોમ્બ સ્કવોડની ટીમ અને મોટી સંખ્યામાં પોલીસ દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હોસ્પિટલની સુરક્ષા વધારી દેવામાં આવી છે. દરેક ખૂણે તપાસ કરવામાં આવી રહી છે.
મીરા રોડની હોસ્પિટલમાં પોલીસની તપાસ
છેલ્લા ઘણા દિવસોથી ભારતમાં આતંકી ગતિવિધિઓમાં વધારો થયો છે. જમ્મુ કાશ્મીરમાં એક પછી આતંકી હુમલા બાદ હવે અયોધ્યામાં રામ મંદિર પર હુમલો કરવાની ધમકી અને હવે મુંબઈની એક હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જણાવી દઇએ કે, આતંકવાદી સંગઠનોની ભારતની હોસ્પિટલો અને શાળાઓ પર ખરાબ નજર છે. સમયાંતરે તેઓ ઈમેલ દ્વારા બોમ્બની ધમકીઓ મોકલી રહ્યા છે. તેમનો હેતુ સમાજમાં ભય અને અસ્થિરતા ફેલાવવાનો છે. આ શ્રેણીમાં સોમવારે મુંબઈના મીરા રોડ સ્થિત એક હોસ્પિટલને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. વસઈ-વિરાર (MBVV) પોલીસ મીરા-ભાઈંદરના જણાવ્યા અનુસાર, બોમ્બની ધમકી મળ્યા બાદ, પોલીસે લોકોની અવરજવરને રોકવા માટે બેરિકેડ લગાવ્યા હતા. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્ક્વોડ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ ધમકીથી સુરક્ષા એજન્સીઓ અને લોકોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે.
- મુંબઈની હોસ્પિટલને ધમકીભર્યો ઈમેલ
- બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળતાં હડકંપ
- મીરા રોડની હોસ્પિટલમાં પોલીસની તપાસ
- બોમ્બ સ્ક્વોડ, પોલીસ કાફલો ઘટના સ્થળે
- હોસ્પિટલમાં લોકોની અવરજવર રોકાઈ
અયોધ્યામાં રામ મંદિર ઉડાવી દેવાની મળી ચુકી છે ધમકી
ઉલ્લેખનીય છે કે, આતંકીઓ થોડા દિવસો પહેલા અયોધ્યામાં રામ મંદિર પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા. આ અંગે જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammed) નો એક ઓડિયો (Audio) સામે આવ્યો હતો. આ ઓડિયોમાં આતંકીઓ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપે છે. આ સમાચાર સામે આવ્યા બાદ રાજ્યની સરકારે અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી હતી. ઓડિયો વાયરલ થયા બાદથી રામનગરીમાં શકમંદો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે અને ભીડવાળા વિસ્તારોમાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. જણાવી દઇએ કે, આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદની ધમકી બાદ અયોધ્યા એલર્ટ મોડ પર છે.
આ પણ વાંચો - જમ્મુ-કાશ્મીર બાદ હવે આતંકીઓના નિશાના પર Ram Mandir ? આ સંગઠને ઉડાવી દેવાની આપી ધમકી
આ પણ વાંચો - Ahmedabad : બોમ્બની ધમકી મળતાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ