મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની આતંકવાદી પરમજીત સિંહ પંજવડની પાકિસ્તાનમાં હત્યા
મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની આતંકવાદી પરમજીત સિંહ પંજવડની પાકિસ્તાનના લાહોરમાં હત્યા કરી દેવામાં આવી છે. પરમજીત સિંહ પંજવડ પાકિસ્તાનમાં નામ બદલીને રહેતો હતો અને તે ત્યાંથી ખાલિસ્તાન સમર્થિત ગતિવિધિઓને અંજામ અપાવતો હતો.
પરમજીત સિંહ પંજવડને લાહોરમાં કેટલાક સવારોએ ટાર્ગેટ બનાવ્યો હતો. તેને બાઈક પર આવેલા બે હુમલાખોરોએ લાહોરમાં જોહર નગર હેઠળની સનફ્લાવર સોસાયટીની અંદર ઘૂસી ગયા અને અનેક ગોળીઓ ચલાવી. જે બાદ હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પંજવાડનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયુ હોવાનું માહિતી મળી રહી છે.
ખાલિસ્તાન કમાન્ડો ફોર્સનો ચીફ હતો પંજવડ
પરમજીત સિંહ પંજવડ ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ (KCF)નો નેતા હતો જે એક આતંકવાદી સંગઠન છે. પંજવડે 90ના દાયકાથી પાકિસ્તાનમાં આશ્રય લીધો હતો. તે પાકિસ્તાનમાં મલિક સરદાર સિંહના નામથી રહેતો હતો. તે 90ના દાયકા પહેલા પણ ભારત વિરોધી ગતિવિધિઓમાં સક્રિય હતો. કહેવાય છે કે, તે 1986માં પાકિસ્તાન ગયો હતો જ્યાં તેણે લાહોર સહિત ઘણી જગ્યાઓ બદલી હતી.
1999માં ચંડીગઢમાં બોમ્બ બ્લાસ્ટ કરાવ્યો હતો
ભારતીય એજન્સીઓના જણાવ્યા પ્રમાણે 30 જૂન, 1999ના રોજ ચંદીગઢમાં પાસપોર્ટ ઓફિસ પાસે જે બોમ્બ બ્લાસ્ટ થયો હતો તે ખાલિસ્તાન કમાન્ડો ફોર્સના ચીફ પરમજીત સિંહ પંજવડે જ કરાવ્યો હતો. તે બોમ્બ વિસ્ફોટમાં 4 લોકો ઘાયલ થયા હતા જ્યારે ઘણા વાહનોને નુકસાન પણ થયું હતું.
આ 9 આતંકવાદીઓના લિસ્ટમાં સામેલ હતો
ભારત સરકારના ગૃહ મંત્રાલયે વર્ષ 2020માં 9 આતંકવાદીઓની યાદી જાહેર કરી હતી જેમાં પંજવડનું નામ સામેલ હતું. તે યાદીમાં પંજવડ સિવાય બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI)ના ચીફ વધવા સિંહ બબ્બરનું નામ પણ હતું જે તરનતારનના જ દાસુવાલ ગામનો રહેવાસી છે.
આ પણ વાંચો-જયશંકરે પાકિસ્તાનને ઝાટક્યું, કહ્યું, બિલાવલ ભુટ્ટો આતંકવાદ ઉદ્યોગના પ્રમોટર અને પ્રવક્તા