Mohammed Shami : 'તે અલગ જ ક્ષણ હતી જ્યારે PM MODI અમને મળ્યા'..!
જ્યારે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ ત્યારે ભારતીય ક્રિકેટ ખેલાડીઓ તેમજ રમતપ્રેમીઓ માટે તે ભાવનાત્મક ક્ષણ હતી. ફાઈનલ મેચમાં હાજરી આપવા માટે પીએમ નરેન્દ્ર મોદી પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા. ભારતની હાર બાદ પીએમ મોદીએ ડ્રેસિંગ રૂમમાં જઈને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ગળે લગાવ્યો હતો અને બધાની સામે તેની પ્રશંસા કરી હતી. મોહમ્મદ શમીએ આ વિશે પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે પીએમ તેમને વિશ્વાસ આપે છે, તે એક અલગ ક્ષણ છે.
જો તમારા પીએમ તમારી સાથે હોય તો આત્મવિશ્વાસ વધે છે
પત્રકારો સાથે વાત કરતા મોહમ્મદ શમીએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત અંગે કહ્યું, "તે સમયે અમે મેચ હારી ગયા હતા, આવી સ્થિતિમાં જ્યારે વડાપ્રધાન તમને વિશ્વાસ આપે છે, તે એક અલગ ક્ષણ છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે મનોબળ ઘટી જાય ત્યારે જો તમારા પીએમ તમારી સાથે હોય તો આત્મવિશ્વાસ વધે છે."
શમી તેની માતાને મળવા અમરોહા આવ્યો
શમી ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 પૂરો થયા બાદ પોતાના ઘરે પહોંચી ગયો છે. અઠવાડિયા પછી જ્યારે તે તેની માતાને મળ્યો ત્યારે તે ભાવુક થઈ ગયો. તેની માતા અંજુમ આરાની તબિયત વર્લ્ડ કપ ફાઈનલના દિવસે (19 નવેમ્બર) બગડી હતી. સવારથી જ તેમનો તાવ વધી ગયો હતો અને તેમની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
શમીનો પરિવાર ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના સહસપુર ગામમાં રહે છે
તમને જણાવી દઈએ કે શમીનો પરિવાર ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના સહસપુર ગામમાં રહે છે. તેની માતાને મળ્યા બાદ શમીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી. શમીએ એક તસવીર શેર કરી છે, જેમાં તે તેની માતાને ગળે લગાવતો જોવા મળી રહ્યો છે. તેણે ફોટો સાથે કેપ્શનમાં લખ્યું છે કે, "મારા માટે તમે ખુબ અગત્યના છો. આશા છે કે તમે જલ્દી સારું અનુભવશો.
શમીની બોલિંગ શાનદાર હતી
શમીએ વર્લ્ડ કપમાં કાતિલ બોલિંગ કરી હતી. તેને પ્રથમ ચાર મેચમાં બહાર બેસવું પડ્યું હતું પરંતુ તે પછીની 7 મેચમાં તેણે શાનદાર છાપ છોડી હતી. તેણે કુલ 24 વિકેટ લીધી હતી. ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં તે ટોચ પર હતો. ઉલ્લેખનીય છે કે ભારતે સતત 10 મેચ જીતીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો પરંતુ રોહિત બ્રિગેડ ઓસ્ટ્રેલિયાને પછાડી શક્યું ન હતું. ભારતને ટાઈટલ મેચમાં 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત ODI વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી.
આ પણ વાંચો----VIDEO : પીએમ મોદીનો ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમની મુલાકાતનો વીડિયો આવ્યો સામે, દરેકને દિલ્હી આવવાનું આમંત્રણ