ચમત્કાર ! અયોધ્યાના રામલલા જેવી આબેહૂબ દેખાતી 1000 વર્ષ પૌરાણિક ભગવાન વિષ્ણુની મૂર્તિ મળી આવી
અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન રામલલાની મૂર્તિ એટલી મનમોહક છે કે તેના ફક્ત ઘડીભરના દર્શન માત્રથી જ મન એકદમ રામમય બની જાય. હવે આ ને ચમત્કાર કહો, શ્રદ્ધા કહો, વિશ્વાસ કહો કે પછી માત્ર એક સંયોગ પરંતુ હવે તેલંગાણાની સરહદ પાસે કર્ણાટકની કૃષ્ણા નદીમાંથી ભગવાન વિષ્ણુની સદીઓ જૂની મૂર્તિ મળી આવી છે, જે બિલકુલ રામલલા જેવી છે. આ નદીમાંથી ભગવાન વિષ્ણુની મૂર્તિની સાથે શિવલિંગ પણ મળી આવ્યું છે. બંને પ્રતિમાઓ સેંકડો વર્ષ જૂની હોવાનું કહેવાય છે.
રામલલાની મૂર્તિ સાથે છે ઘણી સમાનતાઓ
કૃષ્ણા નદીમાંથી મળી આવેલ આ મૂર્તિ ખૂબ જ ખાસ છે, કેમ કે ભગવાન રામની મળી આવેલ આ મૂર્તિ સાથે ચમત્કારિક તથ્ય સંકળાયેલું છે. આ મૂર્તિ અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ મંદિરમાં તાજેતરમાં જ પવિત્ર કરાયેલી બાળ સ્વરૂપ 'રામલલા'ની મૂર્તિ જેવી આબેહૂબ છે. વિષ્ણુની મૂર્તિ સ્થાયી સ્થિતિમાં છે, તેની આસપાસ પ્રભામંડળ છે. શિલ્પ પર રચાયેલ આ કૃતિઓમાં મત્સ્ય, કુર્મ, વરાહ, નરસિંહ, વામન, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી સહિત ભગવાન વિષ્ણુના દસ અવતારોની રજૂઆતો સમાવવામાં આવી છે.
અયોધ્યામાં રામલલાની મૂર્તિ બનાવનાર યોગીરાજ અરુણે જણાવ્યું હતું કે મૂર્તિ બનાવવા માટે તેણે પોતાને 7 મહિના માટે દુનિયાથી અલગ કરી દીધા હતા. તે ભગવાન રામના બાળ સ્વરૂપ વિશે સતત વિચારતો હતો. તેમના મનમાં જે પણ પ્રેરણા આવતી તે મુજબ તે મૂર્તિનું કોતરકામ કરતો. તેમના દ્વારા બનાવવામાં આવેલી ભગવાન રામની પ્રતિમાને લોકોએ ખૂબ વખાણી છે. હવે આવી જ સદીઓ જૂની મૂર્તિ મળ્યા બાદ લોકો તેને ચમત્કાર તરીકે જોઈ રહ્યા છે.
1000 વર્ષ પૌરાણિક છે આ મૂર્તિ
ભગવાન વિષ્ણુની મૂર્તિ વિશે વિગતવાર માહિતી સામે આવી છે. આ મૂર્તિ કોઈપણ મંદિરના ગર્ભગૃહની નહીં હોય. એવી સંભાવના છે કે આ મૂર્તિ અને પ્રાચીન શિવલિંગ કોઈ મંદિરને તોડીને નદીમાં ફેંકવામાં આવ્યું હશે.
એવું માનવામાં આવે છે કે નદીમાંથી મળેલી આ મૂર્તિ અને શિવલિંગ ઓછામાં ઓછા 1,000 વર્ષ જૂના હોઈ શકે છે. પુરાતત્વવિદોનું માનવું છે કે આ પ્રતિમા 11મી કે 12મી સદીની છે. વિષ્ણુની મૂર્તિ અને શિવલિંગ હવે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના કબજામાં છે. તેની ઉંમર જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો -- Lok Sabha: PM Modi એ અનામતને લઈને નહેરુ અને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો