Mehsana News : શક્તિપીઠ બહુચરાજીમાં ગંદકીનું સામ્રાજ્ય, ઠેરઠેર ભૂગર્ભ ગટર લાઈનો ઉભરાતા રોગચાળાની ભીતિ
શક્તિપીઠ બહુચરાજીમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાથી નરકાગાર સમાન બન્યું છે. ઠેરઠેર ભૂગર્ભ ગટર ઉભરાતા રોગચાળાની ઝપટમાં આખું બહુચરાજી આવે તેવી સ્થિતિ વચ્ચે સ્થાનિકો જીવવા મજબૂર બન્યા છે. પનામા નગર સોસાયટી, હરગોવનપુરા, નર્મદાનગર સોસાયટી, સાસ્વત, ઉમિયા પાર્કમાં ઉભરાઈ રહી છે ભૂગર્ભ ગટર લાઈનો. સ્થાનિકોના ઘરના આંગણે પાણી પહોંચી જતા બાળકોને નિશાળ આવતા જતા પણ આ ગટરના ગંદા પાણીમાં થઈને સ્કૂલે જવું પડી રહ્યું છે.
શક્તિપીઠ બહુચરાજીમાં વિકાસની પોકળ વાતો
યાત્રાધામ બહુચરાજીના સર્વાંગી વિકાસની પોકળ વાતો વચ્ચે વાસ્તવિકતા સાવ અલગ જ છે. યાત્રાધામ બહુચરાજીમાં છેલ્લા 2 મહિનાથી ભૂગર્ભ ગટર લાઈનો ઉભરાઈ રહી છે. શ્યામા પ્રસાદ રુર્બન પ્રોજેકટ અંતર્ગત યાત્રાધામ બહુચરાજીને 35 કિમિ ગટર લાઇન છેલ્લા 7 વર્ષથી ફાળવવામાં આવી છે. અને બાદમાં તેની મેઇન્ટનન્સની જવાબદારી બહુચરાજી ગ્રામ પંચાયતના શિરે આપી દેવામાં આવી. પરંતુ આ જવાબદારી સાથે તેને વેલ મેઇન્ટેન માટે જરૂરી સાધનોની ફાળવણી કરવાનું તંત્રએ આયોજન કર્યું જ નહીં જેથી ગટરની સફાઈની અઘરી જવાબદારીના ભારે ભાર વચ્ચે યોગ્ય સાધન સામગ્રી વિના બહુચરાજી ગ્રામ પંચાયતની હાલત કફોડી થઈ ઉઠી છે.
બહુચરાજીની જન સંખ્યાની જો વાત કરીએ તો 16,000 સરકારી ચોપડે બોલે છે. તેની સામે બહુચરાજીમાં ઓટોહબ બનતા હાલમાં વસ્તી વધી 45,000 પર પહોંચી છે. અને સાથે નવી કન્સ્ટ્રક્શન સાઈડો પણ વધી છે અને આ સાઈડો પોતાના ગેરકાયદેસર જોડાણો પણ આપી રહી છે ત્યારે આ બધા કારણોને લઈ બહુચરાજી ગટરલાઈનો ઉભરાઈ રહી છે. બહુચરાજી ગ્રામ પંચાયત ખડેપગે રહી ગટર મેઇન્ટનન્સ માટે પોતાના યથા શક્તિ પ્રયાસ કરી રહી છે પરંતુ પૂરતી સફાઈ માટે સાધન સામગ્રી ના હોવાથી બહુચરાજી ગ્રામ પંચાયત લાચાર બન્યું છે.
જિલ્લા વહીવટી તંત્ર રજુઆત છતાં ઘોર નિંદ્રામાં
આ અંગે વારંવાર જિલ્લા કક્ષાએ કલેકટર, DDO ને રૂબરૂ રજુઆત સ્થાનિક નાગરિકો દ્વારા કરવા છતા નઘરોળ જિલ્લા વહીવટી તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી. હવે જો બહુચરાજી પંથકમાં જો રોગચાળો વકરે તો તેની સીધી જવાબદારી વહીવટી તંત્રની રહેશે એવું લાચાર બહુચરાજી ની જનતા જણાવી રહી છે.
અહેવાલ : મહેશ જોશી
આ પણ વાંચો : Surat : ગુજરાતમાં બાળકોને બાઈક આપતા માતા-પિતા ચેતજો, સ્ટંટબાજ બાળકો સાથે પરિવાર પણ એટલો જ જવાબદાર બનશે