ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kutch Mango: વિદેશમાં કચ્છી કેરીની છે બોલબાલા! UK ની બજારમાં દરરોજ 1 લાખ કિલો કેશર કેરીની ડિમાન્ડ

Kutch Mango: ભારતમાં તો કેસર કેરીઓની તો ભારે બોલબાલા રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો કચ્છ (Kutch)ની કેશર કેરી અત્યારે વિદેશની બજારમાં પહોંચી છે. આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું થયું છે, ત્યારે માર્કેટમાં કેરીનો ભાવ પણ કાર્ગોના ભાવને...
10:43 AM Jun 23, 2024 IST | VIMAL PRAJAPATI
Kutch Mango

Kutch Mango: ભારતમાં તો કેસર કેરીઓની તો ભારે બોલબાલા રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો કચ્છ (Kutch)ની કેશર કેરી અત્યારે વિદેશની બજારમાં પહોંચી છે. આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું થયું છે, ત્યારે માર્કેટમાં કેરીનો ભાવ પણ કાર્ગોના ભાવને લઈને વધવા પામ્યો છે. ભારતીય સાથે વિદેશીઓ પણ હોંશે હોંશે કેરીનો સ્વાદ માણી રહ્યા છે. ભાવ ભલે ગમે તે હોય કેરીનો સ્વાદ અચૂક માણતા હોય છે. દર વર્ષે કચ્છની કેસર વિદેશ પહોંચાડવા માટે ખેડૂતોને અગાઉથી ઓર્ડર મળી જતા હોય છે. ત્યારે આ વર્ષે જૂન મહિનાના પ્રથમ તબક્કે જ કેશર ખાસ કરીને યુનાઇટેડ કિંગડમમાં પહોંચી છે. અહીંના લંડન, માન્ચેસ્ટર, લેસ્ટર અને બર્મિંગહામ ખાતે કેસર પહોંચી છે. દરરોજ 100 ટન કેરી યુ.કે.ની બજારમાં પહોંચી રહી છે.

ભારતીય સાથે વિદેશીઓને પણ પસંદ છે કેશર કેરી

મૂળ કચ્છના દહીંસરાના વતની અને હાલમાં ધંધાર્થે લંડનમાં નોર્થઆમટનમાં રોથવેલ ગ્રોસરી નામના ફ્રુટ મોલ ધરાવતા મેઘજીભાઈ ભુડિયાના જણાવ્યા પ્રમાણે જૂન મહિનાની શરૂઆતથી કચ્છની કેસરની ડિમાન્ડ વધી છે. ભારતીય સાથે વિદેશીઓને પણ કેશર કેરી વધુ પસંદ કરે છે. કારણ કે, આ કેરી સુગંધી અને ખાવામાં મીઠી હોય છે. કેરીને રસિયાઓ કટકી સાથે ગોટલા સુધી સ્વાદમાં મીઠાશ હોય છે. હાલમાં સિઝનને લઈને સવારથી સાંજ સુધી સતત વ્યસ્ત હોઈએ છીએ. આ વ્યવસાયમાં પત્ની કલાવંતીબેન, પુત્ર પરેશ સહયોગ આપે છે. હાલમાં યુ.કેની બજારમાં આ કેરી કિલોના હિસાબે નહીં પણ નંગના હિસાબે વહેંચાય છે. જેમાં એક બોક્સમાં 12 નંગ આવે જે 15 પાઉન્ડથી 17 પાઉન્ડ સુધી વહેંચાય છે આ બોક્સમાં કેરીની સાઈઝ મોટી હોય છે. જે બોક્સ પર જંબો લખવામાં આવે છે. કચ્છની વિમાની માર્ગે કાર્ગોમાં પહોંચતા આ કેરીનો ભાવ વધી જતો હોય છે. તેમ છતાં કેરી રસિયાઓ સ્વાદ લેવાનું ભૂલતા નથી. કેટલાક લોકો તો યુકેમાં જ ઘરબેઠા કેરીનો પાર્સલ મેઘજીભાઈ પાસે મંગાવી લે છે. કચ્છથી યુનાઇટેડ કિંગડમમાં કેરી 48 કલાકમાં પહોંચી જતી હોય છે.

વિમાની કાર્ગોમાં 48 કલાકમાં વિદેશની બજારમાં કેરી પહોંચે છે

ક્ચ્છ જિલ્લામાં આ વર્ષે કેશર કેરીનું ઉત્પાદન સિઝન દરમિયાન સાડા ચાર લાખથી પાંચ લાખ ટન થયું છે. તેવું અંજાર તાલુકાના ખેડોઈના ખેડૂત આઘેવાન સુનીલસિંહ જાડેજાએ જણાવ્યું હતું. હાલમાં કચ્છમાં વિમાની કાર્ગોની વ્યવસ્થા ન હોવાથી વિદેશ એક્સપોર્ટ માટે ખેડૂતોને અમદાવાદ અથવા મુંબઇ માલ પહોંચાડવો પડે છે. જ્યાંથી વિમાનમાં કાર્ગો મારફતે માલ 48 કલાકમાં પહોંચી જાય છે. વિમાનમાં ખાસ રેફ્રિજરેટરની વ્યવસ્થા હોય છે જેથી કેરી બગડે નહીં. દરેક વિમાનમાં ક્ષમતા અલગ અલગ હોય છે. ખેડુતો વિમાનમાં કેરી મોકલે એટલે તેનો ચાર્જ પણ વધુ ચૂકવવો પડતો હોય છે. જે કેરી કચ્છ (Kutch)માં હોલસેલ 50થી 100 રૂપિયામાં કિલોના ભાવે વહેંચાતી હોય છે તે વિદેશમાં વિમાની દરના ભાડા પછી ભાવ બમણો થઈ જાય છે.

 મોટા પાયે થાય છે કેશર કેરીનું ઉત્પાદન

કચ્છ (Kutch)ના ખેડૂતોના કહેવા મુજબ મુન્દ્રાથી વિમાની કાર્ગો સેવા શરૂ કરે તો અનેક ખેડૂતોને કેરી, ખારેક અને દાડમ મોકલવા સરળ થઈ શકે છે. આ બાબતે ત્રણ વખત રજુઆત કરી હોવાનું ખેડુઈના ખેડૂત આઘેવાન સહદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું. હાલમાં કચ્છ જિલ્લામાં ભુજ, અંજાર, ભચાઉ, રાપર, માંડવી, મુન્દ્રા અને નખત્રાણા તાલુકા મથકે કેશર કેરીનું ઉત્પાદન મોટા પાયે થાય છે. ખેડૂતોને વિદેશ એક્સપોર્ટ માટે ટેમ્પામાં અમદાવાદ બોક્સમાં પેકીંગ કરીને પહોંચાડવામાં આવે છે. જ્યાંથી વિમાની માર્ગે જે તે સ્થળે પહોંચે છે.

વાતાવરણને લઈને આ વર્ષે ઉત્પાદન ઘટ્યું

ક્ચ્છ જિલ્લા બાગાયત અધિકારી પરસાનિયાના કહેવા મુજબ ગત વર્ષે જિલ્લા 75,000 મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થયું હતું. જો કે આ વર્ષે વાતાવરણમાં વરસાદ અને પવનના કારણે 20 ટકા ઉત્પાદન ઓછું થયું છે. જેમાં અંદાજીત 55,000થી 60,000 મેટ્રિક ટન ઉત્પાદન થવાનો અંદાજ છે. જિલ્લામાં બાગાયત ક્ષેત્રે સતત ખેડૂતો પ્રેરાઈ રહ્યા છે. કેરી સાથે ખારેક અને દાડમનું પણ સારું ઉત્પાદન કચ્છમાંથી થઈ રહ્યું છે.

ભુજ તાલુકામાંથી દોઢ ટન કેરી મહિને વિદેશ માત્ર કુરિયર કંપનીઓ પહોંચાડે છે

આજે કચ્છ (Kutch)ના મોટાભાગના લોકો વિદેશ વસવાટ કરે છે. જેઓ સિઝન સમયે કેસર કેરી અચૂક મંગાવે છે. ભુજના કુરિયર કંપનીના માલીક નારણભાઈ ભટ્ટના કહેવા પ્રમાણે યુનાઇટેડ કિંગડમની જો વાત કરીએ તો ભુજથી કેરીનું પાર્સલ વિમાની માર્ગે પહોંચાડવું હોય તો એક કિલોનો દર 850 છે. જેમાં ફરજિયાત 11 કિલો નિયમ મુજબ મુકવાની હોય છે. હાલમાં લોકો પોતાના સ્નેહી, મિત્રોને કેરી મોકલવાનું ચૂકતા નથી. ભાવ ગમે તેવો હોય પણ કેરી મોકલાવે અચૂક છે. હાલ ભુજ તાલુકામાંથી એક મહિના દરમિયાન અંદાજીત દોઢ ટન કેરી કુરિયર મારફતે પહોંચે છે. જેમાં યુનાઇટેડ કિંગડમ અને દુબઇનો સમાવેશ થાય છે. રેલડીના ખેડૂત જસીબેન ભુડિયા કહે છે કે, તેઓની વાડીની કાચી કેરીનું તેઓ અથાણું બનાવે છે જે યુનાઇટેડકિંગડમ, દુબઇ અને નૈરોબી સુધી મોકલાવે છે.

કેરીનો રસની પણ ડિમાન્ડ વધી છે

વિદેશમાં વસતા કેટલાક કેરી રસિકો ફળ લેવાના બદલે કેરીનો રસ પણ મંગાવે છે, જેમાં કેટલાક ખેડૂતો આ સુવિધા પણ આપી રહ્યા છે. કેરીનો રસ કાઢીને તેને રેફ્રિજરેટરના ટેમ્પરેચરમાં મૂકીને સમય મર્યાદામાં કેરીનો રસ મોકલે છે. વર્ષોથી લંડનમાં રહેતા અને હાલમાં કચ્છમાં ખેતી કરતા બળદિયાના રમીલાબેન વેકરીયાના જણાવ્યા પ્રમાણે તેઓ દર વર્ષે કેસર કેરીનો રસ કાઢીને વિમાની માર્ગે વિદેશ મોકલે છે. જે રસ ગમે ત્યારે 364 દિવસ ખાઈ શકાય છે. કચ્છની કેસર ખાવામાં મીઠી અને સ્વાદિષ્ટ હોવાથી વધુ ડિમાન્ડ હોય છે.

અહેવાલઃ કૌશિક છાંયા, કચ્છ

આ પણ વાંચો: Hindu Temple: અમેરિકામાં ઉમિયા માતાજીના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા, મોટી સંખ્યામાં લોકો આ ભવ્યાતિભવ્ય સમારોહ જોડાયા

આ પણ વાંચો: Rain Forecast: વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી, આગામી ત્રણ કલાકમાં આવશે વરસાદી ઝાપટા

આ પણ વાંચો: Reborn Story: ‘પહેલે મેં અંજાર મે થી, જહા મેરા નામ પિંજલ થા’ પાલનપુરની દક્ષા કરી રહી છે પુનર્જન્મનું રટણ

Tags :
ExportMangoFAMOUS MANGOGujarat Newskesar mangoKesar MangoesKutch mangoKutch mango DemandKutch newsLatest Gujarati Newsmango DemandVimal Prajapati
Next Article