khyati Hospital કાંડમાં અનેક ચોંકાવનારા ખુલાસા...
- ખ્યાતિ હોસ્પિટલના ખેલને લઈને મોટો ખુલાસો
- PMJAY અંતર્ગત નથી યોજી શકાતો કોઈ ફ્રી કેમ્પ
- ખ્યાતિ હોસ્પિટલે નિયમો નેવે મુકીને કેમ્પ યોજ્યો
- ફ્રી કેમ્પ યોજીને ખ્યાતિ હોસ્પિટલે લીધા જીવ!
khyati Hospital : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ (khyati Hospital) ના વિવાદમાં મોટો ઘટસ્ફોટ થયો છે. PMJAY વિભાગના અધિકારીઓએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે PMJAY અંતર્ગત કોઈ ફ્રી કેમ્પ યોજી શકાતો નથી અને આમ છતાં ખ્યાતિ હોસ્પિટલે તમામ નિયમો નેવે મુકીને કેમ્પ યોજ્યો હતો. ગ્રામજનોને વિશ્વાસમાં લઇને તેમની સાછે છેતરપિંડી કરીને ફ્રી કેમ્પ યોજીને ખ્યાતિ હોસ્પિટલે નિર્દોષ ગ્રામજનોના જીવ લીધા છે.
ખ્યાતિ હોસ્પિટલ જાણીતા બિલ્ડર કાર્તિક પટેલ સંચાલિત
બીજી તરફ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ખ્યાતિ હોસ્પિટલ જાણીતા બિલ્ડર કાર્તિક પટેલ સંચાલિત છે.કાર્તિક પટેલ બિલ્ડર અને અને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા છે. કાર્તિક પટેલ પલોડીયામાં પણ ખ્યાતિ કોલેજ કેમ્પસ ધરાવે છે.
સંચાલકોના માથે રાજકીય માથાઓનો હાથ
બીજી તરફ ખ્યાતિ હોસ્પિટલમાં મોતના ખેલમાં મોટો ખુલાસો એ પણ થયો છે કે સંચાલકોના માથે રાજકીય માથાઓનો હાથ હોવાની ચર્ચા છે. આ હોસ્પિટલના ઉદ્ધાટનમાં મોટા નેતાઓ પહોંચ્યા હતા . ખ્યાતિ હોસ્પિટલના ઉદ્ઘાટનમાં ભાજપના વરિષ્ઠ નેતા બાબુ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હોસ્પિટલ પર ચાર હાથ
ખ્યાતિ હોસ્પિટલમાં મોતના ખેલમાં મોટો ખુલાસો થયો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હોસ્પિટલ પર ચાર હાથ છે. હોસ્પિટલને મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે એવોર્ડ અપાયો હતો . હોસ્પિટલના ડૉક્ટરોની આરોગ્ય મંત્રી સાથે નિકટતા હોવાનું જાણવા મળ્યું છે. ખ્યાતિ હોસ્પિટલના ડૉક્ટરો પર મંત્રીની મીઠી નજર છે જેથી સવાલ એ છે કે શું આરોગ્ય મંત્રીને અગાઉની ઘટના અંગે જાણ હતી ? કારણ કે બીજી વખત ખ્યાતિ હોસ્પિટલમાં મોતનો ખેલ ખેલાયો છે અને તેલાવ બાદ બોરીસણામાં ફ્રી કેમ્પના નામે નવું કૌભાંડ બહાર આવ્યું છે.
ફ્રી મેડિકલ સારવારના નામે કેમ્પ યોજી લોકોના જીવ સાથે ચેડાં
ખ્યાતિ હોસ્પિટલે ફ્રી મેડિકલ સારવારના નામે કેમ્પ યોજી લોકોના જીવ સાથે ચેડાં કર્યા હતા. આ રીતે સરકારી યોજનામાં રૂપિયા પડાવવાનો મોટો કારસો રચાયો હતો. અગાઉ પણ અનેક મેડિકલ કેમ્પ યોજ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ ઘટનામાં બોરીસણાના બે દર્દીના મોત, પાંચ ICUમાં સારવાર હેઠળ છે.
આ પણ વાંચો----Ahmedabad : સરકારી યોજનામાંથી રૂપિયા ખંખેરવાનો હોસ્પિટલનો કારસો! 2 દર્દીનાં મોતથી હોબાળો
વર્ષ 2022માં પણ આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું
ખ્યાતિ હોસ્પિટલમાં આવું કૌભાંડ બહાર આવવું તે પહેલીવાર નથી બન્યું. વર્ષ 2022માં પણ આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. બે વર્ષ પહેલાં સાણંદના તેલાવ ગામમાં હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે પણ આ પ્રકારે દર્દીઓને હોસ્પિટલ બોલાવી સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતાં. તે વખતે પણ ત્રણ દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા હતાં. જેમાં દર્દીના પરિવારજનોએ આવો જ આરોપ મૂકી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.
આરોગ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા
આ ગંભીર ઘટના મુદ્દે આરોગ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. જો કે આરોગ્ય મંત્રી આદેશ આપીને હાલ મહારાષ્ટ્રની ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે.
હોસ્પિટલના મેનેજમેન્ટ સાથે બેઠક કરવા માગ
બીજી તરફ આ ઘટનાના બાદ બેઠકોનો દોર શરુ થયો હતો. હોસ્પિટલના સંચાલકોએ ગ્રામજનો અને સરપંચ સાથે બેઠક કરવાના બદલે તબીબો સાથે બેઠક કરી હતી. બેઠકમાં 2 દર્દીના મોત નળી બ્લોક થવાના કારણે થયા હોવાનું જણાવાયું હતું. ગ્રામજનોને આ જવાબ સંતોષકારક લાગ્યો ન હતો અને તેમણે હોસ્પિટલના મેનેજમેન્ટ સાથે બેઠક કરવા માગ કરી હતી.
સમગ્ર ઘટના પર એએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે
બીજી તરફ અમદાવાદ કોર્પોરેશનના હેલ્થ ઓફિસર ભાવિન સોલંકીએ કહ્યું કે સમગ્ર ઘટના પર એએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. પરિવારજનોની ફરિયાદ હેલ્થ વિભાગમાં સ્વીકારવામાં આવશે અને પ્રોપર ડોક્યુમેન્ટેશન લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં હાજર ગામના લોકોની લેખિતમાં રજૂઆત લેવામાં આવશે. હોસ્પિટલના મેનેજમેન્ટનો ટેલીફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે પણ હજું હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે કોઈ વાત થઈ નથી . તેમણે કહ્યું કે અગાઉ કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નહી તેની માહિતી લેવામાં આવશે . નિયમ એમ કે છે કોઈપણ વ્યક્તિનું ઓપરેશન તેના સંબંધીને પૂછ્યા વિના ના કરી શકાય. મેનેજમેન્ટ ઓથોરિટી સાથે વાત કર્યા બાદ તમામ કાર્યવાહી કરવામાં આવશે