IND vs AUS : સુર્યાએ કેપ્ટનશિપમાં ડેબ્યૂ કરીને ઓસ્ટ્રેલિયાથી જીતી સિરીઝ, Team India એ રચ્યો ઈતિહાસ...
ભારતીય ક્રિકેટ ટીમે શુક્રવારે રાયપુરમાં રમાયેલી ચોથી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 20 રનથી હરાવ્યું. આ સાથે જ યજમાન ટીમે 5 મેચની આ શ્રેણી પર કબ્જો કરી લીધો છે. શક્તિશાળી બેટ્સમેન સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપની શરૂઆત પણ શ્રેણી જીત સાથે થઈ. આ મેચમાં, ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટે 174 રન બનાવ્યા હતા, જે બાદ ઓસ્ટ્રેલિયા 7 વિકેટે 154 રન જ બનાવી શક્યા હતા.
T20 માં સૌથી વધુ જીત
આ સાથે ભારતીય ટીમે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ જીત મેળવી છે. ભારતે 213માંથી 136 મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને પાછળ છોડી દીધું. T20 ઈન્ટરનેશનલમાં પાકિસ્તાને 135 જીત મેળવી છે અને ભારત તેનાથી આગળ નીકળી ગયું છે. આ સાથે જ ભારતે ઘરઆંગણે સતત 14મી શ્રેણી જીતી હતી.
A special win in Raipur 👏#TeamIndia now has the most wins in Men's T20Is 🙌#INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/edxRgJ38EG
— BCCI (@BCCI) December 1, 2023
રિંકુ અને યશસ્વીએ પોતાની તાકાત બતાવી
ભારત તરફથી રિંકુ સિંહે સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. તેણે 29 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. ઓપનર યશસ્વી જયસ્વાલે 28 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 37 રન ઉમેર્યા હતા. ઋતુરાજ ગાયકવાડે 32 રન બનાવ્યા હતા જ્યારે વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માએ 19 બોલમાં 1 ફોર અને 3 સિક્સર સાથે 35 રનની તોફાની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી બેન દ્વારશુઈસે 3 વિકેટ ઝડપી હતી. જેસન બેહરનડોર્ફ અને તનવીર સંઘાએ 2-2 વિકેટ લીધી હતી. એરોન હાર્ડીએ 1 વિકેટ લીધી હતી.
અક્ષર અને દીપકનો ચમત્કાર
લક્ષ્યનો પીછો કરતી વખતે ઓસ્ટ્રેલિયાએ 52 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. રવિ બિશ્નોઈએ ઓપનર જોશ ફિલિપને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને પહેલો ઝટકો આપ્યો હતો. આ પછી અક્ષર પટેલે સતત 3 વિકેટ ઝડપી અને ઓસ્ટ્રેલિયાની હાલત ખરાબ થઈ ગઈ. કેપ્ટન મેથ્યુ વેડ અંત સુધી અડગ રહ્યો જેણે 23 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને 36 રનનું યોગદાન આપ્યું. ઓપનર ટ્રેવિસ હેડે પણ 31 રન બનાવ્યા હતા. સ્પિનર અક્ષર પટેલે 16 રનમાં 3 વિકેટ લીધી હતી. દીપક ચહરે 2 વિકેટ લીધી હતી, પરંતુ 44 રન આપ્યા હતા. રવિ બિશ્નોઈ અને અવેશ ખાનને 1-1 વિકેટ મળી હતી.
આ પણ વાંચો : રિંકૂ સિંહને વનડે ટીમમાં સ્થાન આપવા આશિષ નહેરાનું નિવેદન