રાહુલ ગાંધીને મોટો ઝટકો , સુરત કોર્ટે સજા રદ કરવાની અરજી ફગાવી
રાહુલ ગાંધીને માનહાની કેસમાં ઝટકો મળ્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે ચાલી રહેલા માનહાની કેસમાં સુરતની સેશન્સ કોર્ટ ચુકાદો સંભળાવ્યો છે. સેશન્સ કોર્ટે માનહાની કેસમાં રાહુલ ગાંધીની બે વર્ષની સજા યથાવત રાખી છે. ત્યારે હવે રાહુલ ગાંધી દ્વારા હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવશે. રાહુલ ગાંધીએ તેમનું કન્વિક્શન રદ કરવાની અપીલ કરતી અરજી દાખલ કરી હતી. જેના પર ગત સપ્તાહે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન બંને પક્ષોએ લગભગ 5 કલાક સુધી દલીલો કરી હતી. જે બાદ કોર્ટે તેમનો ચુકાદો અનામત રાખ્યો હતો. ત્યારે હવે આજે સેશન્સ કોર્ટ રાહુલ ગાંધીની બે વર્ષની સજા યથાવત રાખી છે.
બંને પક્ષ તરફથી શું દલીલો થઇ હતી ?
ગત સુનાવણીમાં રાહુલ ગાંધીના વકીલ આર.એસ.ચીમાએ સજા રદ કરવાની અપીલ સાથે દલીલો કરી હતી. તેમણે કોર્ટ સમક્ષ જણાવ્યું હતુ કે રાહુલ ગાંધીનું ભાષણ અપમાનજનક ન હતું અને તેને સંદર્ભ વગર જોવામાં આવ્યું હતું. તેમણે દાવો કર્યો કે રાહુલ ગાંધી વડાપ્રધાન મોદી વિરુદ્ધ નીડરતાપૂર્વક બોલતા રહે છે જેના કારણે આ કેસ ચલાવવામાં આવ્યો છે.
રાહુલ ગાંધીના વકીલે ન્યાય અધિકાર ક્ષેત્ર પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં ભાષણ આપ્યું હતું અને ફરિયાદી કે જેઓ સુરતમાં રહે છે તેમને વોટ્સએપ થકી મેસેજ મળ્યો હતો. જેથી ન્યાય અધિકારક્ષેત્ર પર પણ પ્રશ્નો સર્જાય છે. તેમણે ટ્રાયલ કોર્ટના ચુકાદા અંગે કહ્યું કે કોર્ટ દ્વારા રાહુલને દોષી ઠેરવ્યા બાદ અડધા જ કલાકમાં મહત્તમ અને કઠોર સજા સંભળાવી દેવામાં આવી હતી. મને વિશ્વાસ છે કે કોર્ટ બરાબર જાણતી હતી કે જો તેમને એક દિવસ પણ ઓછી સજા કરવામાં આવશે તો તેઓ સાંસદપદેથી સસ્પેન્ડ થશે નહીં.
શું છે સમગ્ર કેસ ?
વર્ષ 2019માં લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર નિશાન તાકતાં દેશનાં કૌભાંડોની વાત જાહેર મંચ પરથી કરી હતી. તેમણે કહ્યુ હતુ કે જેમ અલગ-અલગ કૌભાંડો બહાર આવ્યાં હતાં, એમાં નીરવ મોદી અને લલિત મોદીનાં નામ પણ બહાર આવ્યાં હતાં. ત્યારે રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે આ તમામ કૌભાંડીઓ અને ચોરોનાં નામ પાછળની અટક મોદી જ કેમ હોય છે. તમામ મોદી ચોર હોય છે. આ નિવેદનથી વિવાદ સર્જાયો હતો
જેના પગલે મોદી અટક ધરાવતાં સમાજમાં આક્રોશ વ્યાપ્યો હતો. ત્યારે સુરત વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ સુરત કોર્ટમાં દાખલ કરાયો હતો.જ્યારે કેસ કરનાર પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે અમારા સમાજના 13 કરોડ લોકો દેશભરમાં વસવાટ કરે છે. એ દરેક મોદીને ચોર કહીને અપમાન કરાયું હતું, જેથી આ માનહાનિનો કેસ કર્યો છે
આપણ વાંચો- રાજકોટ પૂર્વ શિક્ષણમંત્રી સુશીલાબેન શેઠનું નિધન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ