"પોલીસ સ્ટેશનમાં શાંતિ અને સારી નોકરી કરવી હોય તો મને રૂપિયા આપવા પડશે" ASI નો અધિકારી જેવો રોફ
રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં ACB દ્વારા છટકું ગોઠવીને લાંચ લેતા અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હોય જેમાં ગૃહ વિભાગના સૌથી વધુ કર્મચારીઓ સંકળાયેલા છે. ત્યારે આ વખતે શહેરના પૂર્વ વિસ્તારના એક પોલીસ મથકના ASI પોતાના પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ રાઈટર હેડની ફરજ બજાવે છે. જ્યાં પોતાના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીને બંદોબસ્ત ફાળવવો અને પેટ્રોલિંગ માટેની ડ્યુટી સોંપવાનું કામ કરે છે. આ સાથે તેમના વિસ્તારમાં લાગતાં VVIP બંદોબસ્તની પણ જવાબદારી તેની પાસે હોય છે કે કયા કર્મચારીને બંદોબસ્તમાં મૂકવા.
પોલીસ સ્ટેશનના કર્મીઓ પણ ત્રાસ પામી ગયા
આ ASI એ પોલીસ મથકે એક મોટો અધિકારી હોય તેવો વ્યવહાર કરી રહ્યો છે. જેમાં મનગમતી નોકરી માટે તેને 2 હજારથી લઈને 10 હજાર સુધીનો માસિક હપ્તો આપવો પડે છે. જેને લઇને પોલીસ સ્ટેશનના કર્મીઓ પણ ત્રાસ પામી ગયા છે.
કયા પ્રકારની ડ્યુટી માટે આપવા પડે છે રૂપિયા
1. પોતાના વિસ્તારમાં લાગતાં બંદોબસ્તમાં ના જવું હોય તો આપવાની લાંચ
2. બંદોબસ્ત દરમિયાન ઘરે રહેવાનું અને હાજરી પૂરી આપવાની
3. VVIP બંદોબસ્તથી હંમેશા દૂર રહી સામાન્ય બંદોબસ્ત લેવાનો હોય
4. નોકરી દરમિયાન PCR વાનમાં ફરજ બજાવવાની હોય
5. પોલિસ સ્ટેશનમાં મનગમતી નોકરી અથવા મનગમતી ચોકી જોઈતી હોય તો
6. રાત્રિની નોકરી દરમિયાન રીંગ રોડ જેવા વિસ્તારમાં પેટ્રોલિંગ અથવા બંદોબસ્તમાં હાજર રહેવું
સૌથી વધુ રૂપિયા શહેરના રીંગ રોડ ખાતે ફરજ પર રહેવું હોય તો માસિક હપ્તો સમયસર આપવો અને જો ના આપવામાં આવે તો આગળના મહિનાથી પોલીસ સ્ટેશનમાં ફરજ આવે અને ના ગમતી નોકરી કરાવી હેરાન કરવામાં આવે. જેમાં વારમાં વાર પોતાના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસના કર્મચારીને કેદી જાપ્તા આપવામાં આવે, વારમાં વાર VVIP બંદોબસ્ત આપવામાં આવે કે જેનાથી કર્મચારી માનસિક ત્રાસ અનુભવે અને તેને રૂપિયા આપવા લાગે.
હાલતો આ ASIની ચર્ચા ACB કચેરીમાં પણ થઈ રહી છે. કેમકે અત્યાર સુધી તો જનતા પાસેથી લાંચ લેતા અધિકારીઓને ઝડપી પાડયા છે પરંતુ હવે તો સરકારી કર્મચારી પાસે જ લાંચ માંગવામાં આવી રહી છે જેને લઈને ACB પણ આ ASIની અત્યાર સુધીની તમામ કુંડળી કાઢી રહી છે. અને તેની સામે કાર્યવાહી અંગે ACB દ્વારા પણ ટીમ બનાવીને કામગીરી પણ શરૂ કરી હોવાની માહિતી મળી રહી છે.
અહેવાલ : પ્રદીપ કચિયા
આ પણ વાંચો : VADODARA : મોડી રાત્રે ટુ વ્હીલર અને કાર વચ્ચે અકસ્માત બાદ પોલીસ દોડતી થઇ