Israel Hamas War : ગાઝાને બે ભાગમાં વિભાજિત કર્યાનો IDFનો મોટો દાવો, જાણો ઇઝરાયેલનો માસ્ટર પ્લાન
અમેરિકા સહિત અનેક દેશોના દબાણ છતાં ઈઝરાયેલ ગાઝામાં હુમલા કરી રહ્યું છે. ઈઝરાયલના સૈન્ય (IDF)એ દાવો કર્યો છે કે તેણે ગાઝા શહેરની સંપૂર્ણપણે ઘેરાબંધી કરી લીધી છે. તેના પછી તેમણે ગાઝા પટ્ટીને બે ભાગમાં વહેંચી દીધાનો પણ મોટો દાવો કરી દીધો છે.
ઈઝરાયેલની સેનાના પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું કે હવે ત્યાં બે ગાઝા અસ્તિત્વમાં છે. એક ઉત્તરી ગાઝા અને બીજું દક્ષિણ ગાઝા. ઈઝરાયલે તેને યુદ્ધનો મહત્ત્વપૂર્ણ તબક્કો ગણાવ્યો છે. ત્યારે મળી માહિતી અનુસાર ઈઝરાયલી આગામી 48 કલાકમાં ઈઝરાયલી સૈનિકો ગાઝા શહેરમાં પ્રવેશી શકે છે. જ્યારે ગત રાતે નોર્થ ગાઝામાં જોરદાર બોમ્બમારો કરાયો હતો.
ઇઝરાયેલ યુદ્ધવિરામની જાહેરાત કરવાના મૂડમાં નથી
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને ગાઝા અને ઈઝરાયેલની મુલાકાત લીધી હતી અને માનવતાવાદી સહાય માટે યુદ્ધવિરામની વિનંતી કરી હતી. જોકે, ઈઝરાયેલનું કહેવું છે કે જ્યાં સુધી હમાસનો સંપૂર્ણ નાશ ન થાય ત્યાં સુધી તે યુદ્ધવિરામની જાહેરાત કરશે નહીં.
અમેરિકાએ નિંદા કરી
એન્ટની બ્લિંકન પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસને પણ મળ્યા હતા. અબ્બાસે ગાઝામાં થઈ રહેલા નરસંહારની નિંદા કરી હતી. નોંધનીય છે કે, ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 9770 લોકો માર્યા ગયા છે. જેમાં મોટાભાગના સામાન્ય નાગરિકો છે. ગાઝામાં ઈન્ટરનેટ સેવા ત્રીજી વખત બંધ કરવામાં આવી છે.
ઇઝરાયેલના પીએમે કહ્યું, હમાસને સંપૂર્ણ રીતે ખતમ કરવામાં આવશે
ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું, અમે અમારા દુશ્મનો અને મિત્રો બંનેને કહેવા માંગીએ છીએ કે હમાસને સંપૂર્ણ રીતે ખતમ કરી દેવામાં આવશે. જ્યાં સુધી અમે જીતીશું નહીં ત્યાં સુધી આ યુદ્ધ ચાલુ રહેશે. આ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ઈઝરાયેલની સેનાએ ફૂટેજ જાહેર કર્યા છે જે દર્શાવે છે કે સેના ગાઝામાં ઘરો પર પણ હુમલો કરી રહી છે.
આ પણ વાંચો -ISRAEL-HAMAS WAR: ઈઝરાયેલ પર હુમલાની તૈયારીઓ, આત્મઘાતી બોમ્બર બનવાની કરી જાહેરાત!