ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ભારે વરસાદે (Heavy rain) વિનાશ સર્જ્યો છે. હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) સહિતના પહાડી રાજ્યોને સૌથી વધુ નુકસાન થયું છે. છેલ્લા 24 કલાકમાં મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન, વાદળ ફાટવા, મકાન ધરાશાયી થવા, ઝાડ અને વીજળી પડવાને કારણે...
ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ભારે વરસાદે (Heavy rain) વિનાશ સર્જ્યો છે. હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) સહિતના પહાડી રાજ્યોને સૌથી વધુ નુકસાન થયું છે. છેલ્લા 24 કલાકમાં મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન, વાદળ ફાટવા, મકાન ધરાશાયી થવા, ઝાડ અને વીજળી પડવાને કારણે 34 લોકોના મોત થયા છે. સૌથી વધુ 11 મોત હિમાચલમાં થયા છે. આ સિવાય યુપીમાં 8, ઉત્તરાખંડમાં 6, દિલ્હીમાં 3, જમ્મુ-કાશ્મીર, હરિયાણા અને પંજાબમાં બે-બેના મોત થયા છે. હિમાચલના મંડીમાં વ્યાસ નદીના વહેણમાં 40 વર્ષ જૂનો પુલ ધોવાઈ ગયો છે. દિલ્હીમાં 41 વર્ષ બાદ જુલાઈમાં એક જ દિવસમાં 153 મીમી વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે ઉત્તર રેલવેએ 17 ટ્રેનો રદ કરી છે. 12 ટ્રેનોના રૂટ બદલવા પડ્યા છે.
હિમાચલ પ્રદેશમાં વરસાદે તારાજી સર્જી
હિમાચલ પ્રદેશમાં વરસાદે તારાજી સર્જી છે. ચારેબાજુ ભારે જળપ્રવાહ જોવા મળી રહ્યો છે. તમામ નદીઓમાં ભારે પૂર આવ્યા છે. ઘણા મકાનો અને હોટલો તથા વાહનો નદીમાં તણાઇ ગયા છે. અનેક રસ્તાઓ બંધ છે અને પ્રવાસીઓ પણ અટવાઇ ગયા છે.
ઠેર ઠેર મકાનો ધરાશાયી
સોમવારે શિમલા જિલ્લાના થેઓગ તહસીલના પાલવી ગામમાં એક મકાન ધરાશાયી થયું હતું જેમાં 3 ના મોત થયા છે. બિલાસપુર જિલ્લામાં એક વૃદ્ધ તણાઇ ગયો છે. જ્યારે મનાલીમાં 3 લોકો તણાઇ ગયા છે. ભારે તબાહીના કારણે શ્રીખંડ યાત્રા પણ સ્થગિત કરી દેવાઇ છે.
6 રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 828 રસ્તાઓ અવરજવર માટે બંધ
હિમાચલ પ્રદેશમાં 6 રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 828 રસ્તાઓ અવરજવર માટે બંધ કરી દેવાયા છે. 4686 પાવર ટ્રાન્સફોર્મર બંધ થઇ ગયા છે. કુલ્લુના અખાડા બજારમાં આવેલા બેઈલી બ્રિજને ભારે નુકસાન થયું છે. વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. સોલન જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર પરવાનુમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સેક્ટર 4માં પાણીના જોરદાર પ્રવાહમાં અનેક વાહનો ધોવાઈ ગયા હતા. લોકો ગભરાટમાં છે.
ચંદીગઢ મનાલી નેશનલ હાઈવે બંધ
ચંદીગઢ મનાલી નેશનલ હાઈવે ગાંભરોલા પાસે ભૂસ્ખલનને કારણે બંધ થઈ ગયો છે, જેના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો છે. જાહેર બાંધકામ વિભાગના કર્મચારીઓ કાટમાળ હટાવવાની કામગીરીમાં લાગેલા છે. ભૂસ્ખલનને કારણે કિરાતપુર નેરચોક ફોરલેન સહિત 35 સંપર્ક માર્ગો બંધ છે.
વ્યાસ નદીનું વિકરાળ સ્વરૂપ
વરસાદને કારણે વ્યાસ નદીનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. નદીના કાંઠાના વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. વ્યાસ કિનારે અનેક મકાનો અને હોટલો ધોવાઈ ગયા છે. પાર્વતી અને તીર્થન નદી અને અન્ય નદી નાળાઓમાં પૂર જેવી સ્થિતિ છે. નદી કિનારે આવેલા ગામો અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.
બે દિવસથી અંધારપટ
કુલ્લુ જિલ્લામાં બે દિવસથી અંધારપટ છે. રસ્તાઓ અને પીવાના પાણીનો પુરવઠો બંધ થવાથી લોકો અને પ્રવાસીઓ પરેશાન છે. સોમવારે સવારે મનાલીના કિસાન ભવનમાં ફસાયેલા તમામ 29 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. તેમાં ઘણા પ્રવાસીઓ પણ હાજર છે.
દિલ્હી, યુપીના અનેક શહેરોમાં વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા
ઉત્તર ભારતમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. પૂર અને વરસાદને કારણે અત્યાર સુધીમાં 19 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ લોકોના મોત વરસાદ અને ભૂસ્ખલનના કારણે થયા છે. બીજી તર રાજધાની દિલ્હીમાં પણ યમુના નદીનું જળસ્તર ખતરાના નિશાનની નજીક પહોંચી ગયું છે. દિલ્હી, યુપીના અનેક શહેરોમાં વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા છે. ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં પણ વરસાદનો પ્રકોપ જોવા મળ્યો છે.
દિલ્હીમાં પણ પૂરનો ભય
દિલ્હીમાં 1978 જેવા પૂરનો ભય છે. હથિનીકુંડ બેરેજમાંથી છોડાયેલું પાણી આવતીકાલ સુધીમાં દિલ્હી પહોંચવાની ધારણા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભારે પૂરની સંભાવના છે. દિલ્હી ઉપરાંત એનસીઆરમાં પણ હવામાનની પેટર્ન મુશ્કેલીનું કારણ બની છે. વરસાદના એલર્ટ વચ્ચે આજે ઘણા શહેરોમાં શાળાઓ બંધ છે.