Gujarati Top News : આજે 9 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
Gujarat : આજે 9 એપ્રિલ 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. ગુજરાતવાસીઓને અંગ દઝાડતી ગરમીમાં શેકાઉ પડશે. જેમાં બે દિવસ ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી છે તથા JITO (જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન) અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન જન સુધી પહોંચાડવા આજે 9 એપ્રિલે 'વિશ્વ નવકાર મહામંત્ર' દિવસનું અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં ઐતિહાસિક આયોજન કરાયું તેમજ પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી હોસ્પિટલમાં દાખલ, આરોગ્યમંત્રી ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા છે.
ગુજરાતવાસીઓને અંગ દઝાડતી ગરમીમાં શેકાઉ પડશે
ગુજરાતવાસીઓને અંગ દઝાડતી ગરમીમાં શેકાઉ પડશે. જેમાં બે દિવસ ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, રાજકોટ, મહેસાણા, પાટણમાં ગરમીને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે સુરેન્દ્રનગર, ગાંધીનગરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં મહતમ તાપમાન 43 ને પાર રહેશે. ગઇકાલના મહતમ તાપમાન પર નજર કરીએ તો રાજકોટ 44 ડિગ્રી સાથે હોટેસ્ટ શહેર રહ્યું છે. તેમજ અમદાવાદ 43 ડિગ્રી, ગાંધીનગર 42 ડિગ્રી, ડીસા 43.1 ડિગ્રી, વડોદરા 42.2 ડિગ્રી, ભુજ 43.1 ડિગ્રી, કંડલા 43.4 ડિગ્રી, અમરેલી 43.8 ડિગ્રી, મહુવા 43.4 ડિગ્રી, કેશોદ 42.8 ડિગ્રી તથા ભાવનગર 39.4 ડિગ્રી અને પોરબંદર 39.4 ડિગ્રી તાપમાન રહ્યું છે.
અમદાવાદમાં નવકાર મંત્રોનો વિશ્વ રેકોર્ડ આજે રચાશે
JITO (જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન) અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન જન સુધી પહોંચાડવા આજે 9 એપ્રિલે 'વિશ્વ નવકાર મહામંત્ર' દિવસનું અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં ઐતિહાસિક આયોજન કરાયું છે. વિશ્વ કલ્યાણના અર્થે આ મહત્ત્વપૂર્ણ આયોજન છે. જેમાં અમદાવાદમાં નવકાર મંત્રોનો વિશ્વ રેકોર્ડ આજે રચાશે. ત્યારે વિશ્વભરમાં આજે નવકાર મંત્રોચ્ચાર થશે. તેમાં અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં નવકાર મંત્રોચ્ચારનો કાર્યકમ યોજાશે. GMDCમાં 20 હજારથી વધુ લોકો ધાર્મિક કાર્યકમમાં જોડાશે. જેમાં 20 હજારથી વધુ લોકો મંત્રોચ્ચાર કરશે. નવકાર મંત્રોચ્ચારના કાર્યકમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે. તેમજ PM નરેન્દ્ર મોદી કાર્યકમમાં દિલ્લીથી વર્ચુઅલ જોડાશે.
અમદાવાદમાં સાબરમતીના તટે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન
અમદાવાદમાં સાબરમતીના તટે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન છે. જેમાં 3000 નેતા-કાર્યકર્તાઓ પાર્ટીના એજન્ડા પર ચર્ચા કરશે, ત્યારે ગુજરાત કોંગ્રેસને લઈ મોટો નિર્ણય થઈ શકે છે. અમદાવાદમાં કોંગ્રેસની બેઠકના બીજા દિવસે આ સત્ર યોજાશે. રાષ્ટ્રીય સંમેલન આજે 9 એપ્રિલના રોજ સવારે 9 વાગ્યે અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે શરૂ થશે. કોંગ્રેસે આ સત્રને ન્યાયપથ નામ આપ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેરાએ આ અંગે કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી ન્યાયના માર્ગે ચાલશે અને લોકોનો ટેકો મેળવશે. જેમ કોંગ્રેસે સ્વતંત્રતા માટે સખત મહેનત કરી હતી, તેવી જ રીતે પાર્ટી ગુજરાતમાં પણ સખત મહેનત કરશે અને સત્તામાં પાછી આવશે. ઉલ્લેખનીય છે કે 64 વર્ષ પછી ગુજરાતમાં પાર્ટીનું સંમેલન યોજાવા જઈ રહ્યું છે.
પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી હોસ્પિટલમાં દાખલ, આરોગ્યમંત્રી ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા
કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરની તબીયત લથડતા તેઓને સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમનાં ખબર અંતર પૂછવા આરોગ્યમંત્રી ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા હતા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા હતા.પી ચિદમ્બરમના સ્વાસ્થ્ય અંગે રાજ્યના આરોગ્યમંત્રીએ પૂછપરછ કરી. મુખ્યમંત્રીની સૂચનાથી રાજ્યના આરોગ્ય મંત્રી પી ચિદમ્બરમની ખબર અંતર પૂછવા ગયા હતા.
સંસ્કારી નગરી વડોદરામાં વધુ એક અકસ્માત
સંસ્કારી નગરી વડોદરામાં વધુ એક અકસ્માત થયો છે. જેમાં ગોત્રી ESI હોસ્પિટલ પાસે અકસ્માત થયો છે. કારચાલકે કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઇ છે. તેમાં સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટ્યા છે. કારચાલકને ગોત્રી પોલીસ મથકે લઇ જવાયો છે. તેમાં કારચાલક નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. ત્યારે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: Rashifal 9 April 2025 : બુધાદિત્ય યોગના શુભ સંયોજનથી આ રાશિના લોકોને લાભ થશે