Gujarat First reality check: બાળકોને ભણવું છે પરંતુ શિક્ષકો સમયસર આવવા તૈયાર નથી! ભારતનું ભાવિ કોના ભરોસે?
Gujarat First reality check: ‘સમજણ જીવનમાંથી જાય તો જોવા જેવી થાય’ આવું જ કંઈક થયું છે નસવાડી તાલુકાની હરિપુરા વદેશીયા શાળામાં. અહીં શાળાનો સમય 07:30 છે પરંતુ શિક્ષકોને ભારતના ભાવિની કોઈ ચિંતા જ નથી તેવી બાબત સામે આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, નસવાડી તાલુકાની હરિપુરા વદેશીયા શાળાની કે જે સવારના આઠ વાગ્યાં સુધી ખુલી ન હતી. ભણવાની આશાએ બાળકો શિક્ષકોની રાહ જોઈને ઓટલા ઉપર બેઠા હતા. બાળકોને ભણવું તો છે પરંતુ સાહેબો વેકેશન મોડમાંથી બહાર નથી નીકળ્યા. શિક્ષકો હજું પણ જાણે વેકેશનમાં હોય તેમ સમયસર શાળાએ જવાનું ભાન ભુલ્યા હતા. મીડિયામાં એહવાલો પ્રસારિત થતા તંત્ર દ્વારા જવાબદારો સામે લાલ આંખ કરી છે.
શિક્ષકો હજી વેકેશન મોડમાંથી બહાર નથી આવ્યા
રાજ્ય સરકાર ‘ભણશે ગુજરાત અને આગળ વધશે ગુજરાત’ ના સ્લોગન સાથે શૈક્ષણિક કામગીરી ઉપર ભાર મૂકે છે. શિક્ષણની જાગૃતતા અને ગુણવત્તા વધે તે માટે પ્રવેશોત્સવ ગુણોત્સવ ઉજવવામાં આવે છે. તેવામાં છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં શિક્ષણની લાલીયાવાડીની વરવી વાસ્તવિકતા દર્શાવતા વાયરલ વીડિયો સામે આવ્યા છે. ગુરૂવારના રોજથી શરૂ થયેલા નવા શૈક્ષણિક સત્રના બીજા દિવસે જ વેકેશન વિદ્યાર્થીઓ માટે તો પૂરું થઈ ગયું હોય પરંતુ જાણે કે શિક્ષકો હજી વેકેશન મોડમાંથી બહાર ના આવ્યા હોય તેમ શાળાના ઓટલા ઉપર વિદ્યાર્થીઓ શિક્ષકોની રાહ જોઈને બેઠા હતા. સાહેબો આળસ ખંખેરી શાળા આવવા બેદરકાર બન્યા હોવાના સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા હતા.
સમય થયો છતાં નથી ખુલી શાળા
અહીં વાત થઈ રહીં છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની હરિપુરા વદેશીયા શાળાની કે જે સવારના આઠ વાગ્યાં સુધી ખુલી ન હતી. બાળકો શિક્ષકોની રાહ જોઈને ઓટલા ઉપર બેઠા હતા. 12 જેટલાં આદિવાસી બાળકો શાળા ન ખુલતા બહાર રાહ જોઈ બેસી રહ્યા હતાં. ઉનાળું વેકેશન પૂર્ણ થયા બાદ પણ શિક્ષકો રજાના મૂડમા હોવાનું સામે આવ્યું હતું. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુર જિલ્લાની આ એક શાળાની વાત નથી. પરંતુ આવી અનેક શાળાઓ અનિયમિત શિક્ષકોની હાજરીને લઈ આદિવાસી વિસ્તારના બાળકોના શિક્ષણ ઉપર ગંભીર સવાલો ઊભા થતા આવ્યા છે.
ભારતના ભાવિનું ભવિષ્ય કોના હાથમાં?
વાત અહીં એ છે કે, આદિવાસી બાળકોને ભણવું છે પરંતુ શિક્ષકોની બેદરકારીને લઈ ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનું સ્તર સાવ કથળી રહ્યું છે. આ અંગે ગુજરાત ફર્સ્ટ (Gujarat First)ની ટીમ દ્વારા છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાથે વાત કરતા તેઓ જણાવેલ કે, આ અંગે તપાસ કરવા એક કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં તાલુકા શિક્ષણાધિકારી બીઆરસી અને બીટ નિરીક્ષકનો સમાવેશ થાય છે. જેમાં તપાસ અહેવાલ બાદ જવાબદારો સામે કડક રાહે પગલાં ભરવામાં આવશે.