Kheda: ખેડા જીલ્લા શિક્ષણ અધિકારીની બેદરકારી, જાહેર કરેલ પરિણામની યાદીમાં છે ગંભીર ભૂલ
Kheda: ગુજરાતમાં અત્યારે ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર થઈ ગયું છે. પરિણામને લઈને અત્યારે વિદ્યાર્થીઓમાં ભારે ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. પરંતુ ખેડામાં જિલ્લા શિક્ષણ અધિકારીની ગંભીર બેદરકારી સામે આવી છે. જે વિદ્યાર્થીનું પરિણામ સારૂ આવ્યું હોય પરંતુ જો તેનો યશ તની જગ્યાએ કોઈ બીજાને આપી દેવામાં આવે તો? શું કોઈ વિદ્યાર્થીની લાગણીઓ આ રીતે દુભાવવી જોઈએ? તમને જણાવી દઇએ કે, ખેડા જીલ્લા શિક્ષણ અધિકારી (Kheda District Education Officer)ની ગંભીર બેદરકારી સામે આવી છે. ખેડા જીલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12 ના જાહેર કરેલ પરિણામની યાદીમાં ગંભીર ભૂલ સામે આવ્યું છે.
કૃતિ પટેલ 99.97 ઑવરઓલ પર્સન્ટાઈલ સાથે બીજા નંબરે ટોપર
તમને જણાવી દઇએ કે, ખેડામાં 618 ગુણ સાથે દ્વિતીય ક્રમાંકે પાસ થયેલ દિકરીને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિદ્યાર્થીઓની યાદીમાં સ્થાન આપવામાં નથી આવ્યું. નોંધનીય છે કે, પટેલ કૃતિ અશ્વિનભાઈ મૂળ રીતે જિલ્લામાં બીજા ક્રમે આવી છે. કૃતિ પટેલ 99.97 ઑવરઓલ પર્સન્ટાઈલ સાથે બીજા નંબરે ટોપર છે પરંતુ તેને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં સ્થાન આપવામાં નથી આવ્યું.
618 ગુણ સાથે પાસ થનાર દીકરીને કેમ બાકાત રાખાઈ?
આ યાદીની વાત કરવામાં આવે તો, યાદીમાં પહેલા ક્રમાંકે 619, દ્વિતીય ક્રમાંકે 613, અને તૃતીય ક્રમાંકે 608 ગુણ સાથે પાસ થનાર વિદ્યાર્થીઓને સ્થાન આપવામાં આવ્યું છે. 613 ગુણ સાથે પાસ થનારને બીજો ક્રમ આપવામાં આવ્યો છે પરંતુ 618 ગુણ સાથે પાસ થનાર દીકરીને બાકાત રાખવામાં આવી છે. સ્વાભાવિક રીતે જોવામાં આવે તો પ્રથમ ક્રમાંક 619ને પ્રથમ ક્રમાક આવે તો બીજા ક્રમે 618 ગુણ સાથે પાસ થયેલ કૃતિ પટેલને સ્થાન મળવું જોઈએ અને 613 સાથે પાસ થનારને ત્રીજો ક્રમ મળવો જોઇએ. પરંતુ આ યાદીમાં ગંભીર બેદરકારી સામે આવી છે.
મારી દીકરી કૃતિને 618 ગુણ આવ્યા છે: વિદ્યાર્થિનીના પિતા
નોંધનીય છે કે, યાદીમાં નામ જાહેર ન કરાતા વિદ્યાર્થિની અને પરિવાર નાસીપાસ થયો છે. પિતાએ કહ્યું કે, ‘મારી દીકરી કૃતિને 618 ગુણ આવ્યા છે તો તેને બીજા ક્રમે સ્થાન મળવું જોઈએ પરંતુ તેને સ્થાન આપવામાં આવ્યુ નથી’ અશ્વિનભાઈએ કહ્યું કે, તનતોડ મહેનત કરીને આટલું સારૂ પરિણામ લાવવા છતાં પણ જાહેરમાં સન્માન ના મળતું હોય તો દુઃખ થાય છે. વધુમાં અશ્વિનભાઈએ કહ્યું કે, ભવિષ્યમાં આવું કોઈ અન્ય વિદ્યાર્થી સાથે ના થાય તેનું અધિકારીઓએ ધ્યાન રાખવું જોઈએ.