Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kheda News : ખેડાના કાજીપુરામાં પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ચાલતી અનોખી બેન્ક

વેપાર-વણજ એ ગુજરાતીઓના રગેરગમાં છે. નાણાકીય વ્યવસ્થાપનના પાઠ યુવા ગુજરાતીઓને શીખવવા પડતા નથી. યુવા વયે જ યુવાઓને આ ઉદ્યોગસાહસિકતા સાથે બચતના ગુણો ખીલે તે જરૂરી છે. ખેડા જિલ્લાના ખેડા તાલુકાના કાજીપુરા ગામની સરકારી શાળા દ્વારા આ માટે એક પહેલ કરવામાં...
kheda news   ખેડાના કાજીપુરામાં પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ચાલતી અનોખી બેન્ક
Advertisement

વેપાર-વણજ એ ગુજરાતીઓના રગેરગમાં છે. નાણાકીય વ્યવસ્થાપનના પાઠ યુવા ગુજરાતીઓને શીખવવા પડતા નથી. યુવા વયે જ યુવાઓને આ ઉદ્યોગસાહસિકતા સાથે બચતના ગુણો ખીલે તે જરૂરી છે.

ખેડા જિલ્લાના ખેડા તાલુકાના કાજીપુરા ગામની સરકારી શાળા દ્વારા આ માટે એક પહેલ કરવામાં આવી છે. નાના બાળકોને શિક્ષણની સાથે નાણાંના વપરાશની યોગ્ય સમજ આપી નાણાંનું વ્યવસ્થાપન કેટલું જરૂરી છે તેના પાઠ પણ શીખવાડવામાં આવે છે. આ સરકારી શાળામાં આ માટે અનોખી બેન્ક શરૂ કરવામાં આવી છે. આ બેન્કનું નામ ‘બેંક ઓફ કાજીપુરા’ રાખવામાં આવ્યું છે. આ બેન્કનું સંપૂર્ણ સંચાલન કાજીપુરા શાળાના ધોરણ-૧ થી ધોરણ-૮ ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે.

Advertisement


કાજીપુરા શાળાના આચાર્ય શ્રી સુનિલભાઈ આ બેંક વિશે જણાવે છે કે, આ બેન્કની શરૂઆતથી વિદ્યાર્થીઓ શાળાકાળથી જ નાણાનું મહત્વ સમજે, પોતાના ખર્ચ પોતે ઉપાડી આત્મનિર્ભર બને અને બચત વિશેનો ખ્યાલ તેમનામાં કેળવાય તે છે. અમારી શાળાના વિદ્યાર્થીઓ પોતાના શિક્ષણ માટે જરૂરી નાણાની અછત ન વર્તાય તે માટે તેઓ બહારની ચીજવસ્તુઓ ખાવામાં વપરાતા નાણાને બચાવીને એ પૈસાની બચત કરે છે. જેથી આ બચતના નાણાનો ભવિષ્યમાં પોતાના શિક્ષણ પાછળ ઉપયોગ થઇ શકે અને માતા-પિતા પાસેથી પૈસા માંગવા ન પડે. પોતાની બચતમાંથી જ પોતાના શિક્ષણનો ખર્ચ ઉપાડી આત્મનિર્ભર બને તેવો મૂળ હેતુ આ બેન્ક શરૂ કરવા પાછળનો છે તેમ તેઓ વધુમાં ઉમેરે છે.

Advertisement

બચત કરેલા નાણાં તેઓ પ્રવાસ, બાળમેળા, સ્કૂલ યુનિફોર્મ, અન્ય પુસ્તકો તેમજ પોતાના શિક્ષણને લગતી ચીજવસ્તુઓમાં વાપરે છે. બાળકોની આ બેંક ‘નાણાં હોય ત્યારે બધા વાપરવા નહીં, પણ તેની થોડી બચત પણ કરવી’ ના ધ્યેયમંત્ર સાથે કાર્ય કરે છે. બાળપણમાં શિક્ષણની સાથે બચતનો પણ ગુણ કેળવાય તે સિદ્ધાંત સાથે આ શાળા અને આ બેન્ક એકસાથે કાર્યરત છે.

આ બેન્કમાં ધોરણ-૬માં અભ્યાસ કરતો દ્રવેશ ઠાકોર મેનેજર અને ધોરણ -૭ માં અભ્યાસ કરતી પ્રિયા ઠાકોર કેશિયર તરીકે ફરજ બજાવે છે. આ બેંકમાં કુલ ૨૪૨ ખાતા છે. આ બેંક દ્વારા બાળકોના પૈસા પર વાર્ષિક ૮ % વ્યાજ શાળાના શિક્ષકો દ્વારા આપવામાં આવે છે. આ રીતે વિદ્યાર્થીઓને નાનપણથી જ બચત અને તેના ફાયદાના ગુણો ખીલવવામાં આ બેન્ક ઉપયોગી સાબિત થઇ રહી છે. ભવિષ્યમાં આ ગુણોને સથવારે કોઇ વિદ્યાર્થી આઇ.આઇ.એમ. અને અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાનોમાં જાય તો નવાઇ નહીં. જી-૨૦ અંતર્ગત ગુજરાતના આંગણે અત્યારે રિઝર્વ બેંકના ગવર્નર અને નાયબ ગવર્નર, જી-૨૦ દેશોના નાણા મંત્રીશ્રીઓની બેઠકો યોજાઇ રહી છે. ત્યારે ખેડા જિલ્લાની નાનકડા ગામની વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત શાળાએ નાણાકીય વ્યવસ્થાપનનું એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે.

અહેવાલ : કૃષ્ણા રાઠોડ, ખેડા

આ પણ વાંચો : મુશળધાર વરસાદથી વેરાવળ દરિયો બન્યું, NDRF ની ટીમ દ્વારા 100 થી વધુ લોકોના જીવ બચાવાયા, Video

Tags :
Advertisement

Trending News

.

×