Gondal: માર્કેટયાર્ડમાં ચણાની ઐતિહાસિક આવક, માર્કેટ યાર્ડ બહાર વાહનોની લાંબી કતાર લાગી
- રાજકોટ ગોંડલ માર્કેટયાર્ડમાં ચણાની ઐતિહાસિક આવક
- માર્કેટયાર્ડમાં ચણાના ઐતિહાસિક 1.75 લાખ કટ્ટાની આવક
- ખેડૂતોને લાઈનમાં ન ઉભા રહેવું પડે તે માટે ટોકન અપાયા
સૌરાષ્ટ્રનું અગ્રીમ અને ગુજરાતમાં મોખરે સ્થાન ધરાવતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ ચણાની ઐતિહાસિક તેમજ રેકોર્ડબ્રેક અંદાજે 1.75 લાખ કટ્ટાથી વધુ આવક નોંધાઈ હતી. યાર્ડની બાજુમાં આવેલ પાર્કિંગના મેદાનો ચણા ભરેલ વાહનોથી ખચોખચ ભરાય જવા પામ્યું હતું. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગતરાત્રીના ચણાની આવક શરૂ કરવામાં આવી હતી. યાર્ડમાં 4 દિવસ અગાઉ ઘણાની રેકોર્ડબ્રેક આવક થવા પામી હોય યાર્ડના છાપરા તેમજ ગ્રાઉન્ડ ધાણાની જણસીથી ભરાયા હોય ઉપરાંત ચણાની આવક કરતા ગોંડલના છાપરા તેમજ ગ્રાઉન્ડ ચણા અને ધાણાની જણસીથી ઉભરાયા હતા.

હજુપણ યાર્ડની બહાર 800 થી વધુ વાહનો હોવાની વિગતો
ગોંડલ યાર્ડની બહાર નેશનલ હાઇવે પર સિક્સ લેનનું કામ ચાલુ હોય યાર્ડની બહાર વિવિધ જણસીઓની લાંબી કતાર લાગી જવા પામી હોય અને હાઇવે પર અવાર નવાર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા હોય છે ત્યારે યાર્ડના સત્તાધીશો દ્વારા યાર્ડની બાજુમાં આવેલ ગ્રાઉન્ડ ભાડે રાખી જણસી ભરેલ વાહનો ત્યાં રાખવામાં આવે છે. ગતરોજ યાર્ડના પાર્કિંગમાં ચણાના 2000 થી વધુ વાહનો નોંધણી થવા પામી હતી. ગતરાત્રીના ચણાની આવક શરૂ કરાતા 1100 વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જ્યારે હજુપણ 800થી વધુ વાહનો યાર્ડની બહાર આવેલ પાર્કિંગમાં હોય તેનો આજરોજ દિવસ દરમ્યાન સમાવેશ કરવામાં આવશે.
ચણાના ભાવમાં સુધારો થતા આવકમાં વધારો થયો
માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી તરુણભાઈ પાંચાણી જણાવ્યું હતું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 4 એપ્રિલ 2025ના રોજ ચણાની 1.25 લાખ કટ્ટાની આવક થવા પામી હતી. હાલમાં ચણાની હરાજીમાં ભાવમાં થોડો સુધારો થવાથી ખેડૂતોને પોતાનો માલ વેચવાનો પ્રેશર વધ્યું છે. અને આગામી સમયમાં ચણાની આવકમાં ઘટાડો થશે તેવો અંદાજ છે કારણકે ભાવમાં વધઘટ થવાની શક્યતાઓ હોય આવકમાં ઘટાડો થશે. હાલ યાર્ડમાં ચણાની રેકોર્ડબ્રેક આવક પગલે યાર્ડના સત્તાધીશો દ્વારા ચણાની આવકને લઈને અન્ય જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ચણાની આવક સદંતર બંધ કરવામાં આવી છે.
ખેડૂતો પોતાની જણસી વેચવા ગોંડલ યાર્ડને પ્રથમ પસંદગી આપતા હોય છે
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ ચણાની રેકોર્ડબ્રેક આવક થતા હરાજીમાં સાદા ચણાનો 20 કિલોનો ભાવ રૂપિયા 900/- થી 1100/- જ્યારે સફેદ ચણાનો 20 કિલોનો ભાવ રૂપિયા 1100/- થી 2100/- સુધીનો બોલાયો હતો. સમગ્ર સૌરાષ્ટ્રભર માંથી ખેડૂતો જેમકે રાજકોટ, જૂનાગઢ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર સહિતના જીલ્લાઓ માંથી ખેડૂતો પોતાની જણસી વેહચવા અહીં ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદગી આપતા હોય છે.
આ પણ વાંચોઃ Valsad : સિવિલમાં દવા લેવા આવેલી બે બહેનોનું એક બાદ એક મોત, જુઓ હચમચાવે એવો Video!
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી- ગોંડલ