Gondal : તીર્થધામ અક્ષર મંદિરે મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં અન્નકૂટોત્સવની ઉજવણી
- નૂતન વર્ષ નિમિત્તે તીર્થધામ અક્ષર મંદિરે ભવ્ય અન્નકૂટ દર્શન યોજાયા (Gondal)
- પ.પૂ. મહંતસ્વામી મહારાજના સાનિધ્યમાં અન્નકૂટોત્સવની ઉજવણી
- ઠાકોરજી સમક્ષ 1 હજારથી વધુ વાનગીઓનો અન્નકૂટ ભોગ ધરાવાયો
Gondal : વિક્રમ સંવત 2081 કારતક સુદ પડવાની શુભ દિવસે નૂતન વર્ષની ઉજવણી ગોંડલનાં તીર્થધામ અક્ષર મંદિર (Akshar Temple) ખાતે પૂજ્ય મહંતસ્વામીનાં સાન્નિધ્યમાં ખૂબ જ ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. વહેલી સવારથી જ દેશ-વિદેશથી અનેક ભક્તો અક્ષર મંદિરે આવ્યા હતા. સમગ્ર મંદિરને નવા વર્ષનાં પર્વને અનુલક્ષીને રંગબેરંગી રોશની અને શણગારથી શણગારવામાં આવ્યું હતું. નૂતન વર્ષે સૌ સંતો-ભક્તોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળતો હતો.
નૂતન વર્ષે પ્રથમ પ્રભાતે સૌ હરિભક્તો પર આશીર્વર્ષા કરતા જણાવ્યું કે, "નવા વર્ષનાં સર્વને જય શ્રી સ્વામિનારાયણ... સૌના દેશકાળ સારા થાય અને સૌ હરિભક્તો તન, મન અને ધનથી સુખી થાય. સૌમાં વિશેષ ભક્તિ વૃદ્ધિ પામે અને સત્સંગની સેવા થાય." વરિષ્ઠ સંતોએ વિવિધ કલાત્મક હાર વડે પૂજ્ય મહંતસ્વામી મહારાજને સત્કાર્યા હતા. નૂતન વર્ષ નિમિત્તે મંદિરમાં ઠાકોરજી સમક્ષ, શ્રી અક્ષરદેરીમાં તથા યોગીસ્મૃતિ મંદિરમાં (Yogi Smriti temple, Gondal) ભવ્ય અન્નકૂટ ગોઠવવામાં આવ્યો હતો. કુલ 1 હજાર કરતા પણ વધુ વાનગીને ઠાકોરજી સમક્ષ અદ્ભૂત રીતે ગોઠવવામા આવી હતી.
મંદિરમાં ગોવર્ધન પૂજા પણ કરવામાં આવી હતી. પ. પૂ. મહંતસ્વામી મહારાજ તથા વરિષ્ઠ સંતોએ મંદિરમાં ઠાકોરજી સમક્ષ, શ્રી અક્ષર દેરી તથા યોગીસ્મૃતિ મંદિરે પધારી નૂતન વર્ષે અન્નકૂટની પ્રથમ આરતી ઉતારી હતી. ઠાકોરજી સમક્ષ ધરેલા અન્નકૂટનાં દર્શન (Annakoot Darshan,) કરવા માટે દેશ-વિદેશનાં અનેક હરિભક્તો ગોંડલ (Gondal) ખાતે પધાર્યા હતા. અન્નકૂટ દર્શન માટેની હરિભક્તોની લાંબી લાઇન અક્ષર મંદિરે લાગી હતી. સવારે 9 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી અન્નફૂટ દર્શનનો લાભ હરિભક્તો-ભાવિકોએ લીધો હતો. આમ, નૂતન વર્ષ નિમિત્તે મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ધામધૂમપૂર્વક અન્નફૂટ ઉત્સવની ઉજવણી કરાઇ હતી.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો -Happy New Year : કષ્ટભંજન દેવને સુવર્ણ વાઘાનો સુંદર શણગાર, ભગવાન શામળિયાને સોનાની ભેટ