'ફસ ગયે રે ઓબામા'...! પોતાની ટિપ્પણી પર ચારેબાજુથી ઘેરાયા પૂર્વ રાષ્ટ્રપતિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત ઘણી રીતે ઘણી સફળ રહી. જો કે પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા કરવામાં આવેલી એક ટિપ્પણી ચર્ચામાં રહી હતી. આ ટિપ્પણીમાં ઓબામાએ ભારતમાં મુસ્લિમોના અધિકારો પર સવાલ ઉઠાવ્યા હતા....
06:02 PM Jun 26, 2023 IST
|
Vipul Pandya
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત ઘણી રીતે ઘણી સફળ રહી. જો કે પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા કરવામાં આવેલી એક ટિપ્પણી ચર્ચામાં રહી હતી. આ ટિપ્પણીમાં ઓબામાએ ભારતમાં મુસ્લિમોના અધિકારો પર સવાલ ઉઠાવ્યા હતા. આ ટિપ્પણી માટે ઓબામાને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ભાજપના તમામ નેતાઓની સાથે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિને સંભળાવી દીધું છે. ભારત ઉપરાંત અમેરિકામાં પણ ઓબામા પર સવાલો ઉઠી રહ્યા છે.
રાજનાથ સિંહે શું કહ્યું
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ ઓબામાની ટિપ્પણી પર વાંધો ઉઠાવ્યો છે. રાજનાથ સિંહે કહ્યું કે ભારત વસુધૈવ કુટુમ્બકમની ભાવના પર આધારિત દેશ છે. આપણા માટે આખું વિશ્વ આપણું ઘર છે. તેમણે કહ્યું કે ઓબામાએ એ ન ભૂલવું જોઈએ કે વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે જે વિશ્વમાં રહેતા લોકો સાથે પોતાના પરિવારના સભ્યોની જેમ વર્તે છે. રાજનાથ સિંહ અહીં જ અટક્યા નથી. તેમણે વધુમાં કહ્યું કે ઓબામાએ એ ન ભૂલવું જોઈએ કે તેમણે કેટલા દેશો પર હુમલા કર્યા.
નિર્મલા સીતારમણે પણ સંભળાવી દીધુ
આ પહેલા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને સંભળાવી દીધુ હતું. તેમણે કહ્યું કે અમે અમેરિકાના મિત્ર છીએ, પરંતુ ઓબામાના કારણે છ મુસ્લિમ દેશો પર 26000થી વધુ બોમ્બ ફેંકવામાં આવ્યા. જેમાં સીરિયાથી લઈને યમન સુધીનો સમાવેશ થાય છે. નાણામંત્રીએ કહ્યું કે હું આવું કહેવા માટે મજબૂર છું કારણ કે આ નિવેદન ભારતની ધાર્મિક સહિષ્ણુતાની વિરુદ્ધમાં આવ્યું છે. આ સિવાય એક અમેરિકન અધિકારીએ પણ અમેરિકી રાષ્ટ્રપતિ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિએ સવાલ ઉઠાવવાને બદલે ભારતના વખાણ કરવા જોઈએ.
ઓબામાનો શું હતો ઈન્ટરવ્યુ
ઉલ્લેખનીય છે કે મોદી જ્યારે અમેરિકામાં હતા ત્યારે ઓબામાએ પ્રખ્યાત અમેરિકન પત્રકાર ક્રિશ્ચિયન અમનપોર સાથે મુલાકાત કરી હતી. આ ઈન્ટરવ્યુમાં અમેરિકન પત્રકારના સવાલ પર ઓબામાએ હિન્દુ બહુમતીવાળા ભારતમાં મુસ્લિમ લઘુમતીઓની સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા હતા. એમ પણ કહ્યું કે જો મેં મોદી સાથે વાત કરી હોત તો મેં દલીલ કરી હોત કે જો તમે લઘુમતીઓના અધિકારોની સુરક્ષા માટે પગલાં નહીં ભરો તો બની શકે કે ભવિષ્યમાં ભારતમાં વિભાજન વધે. આ ભારતના હિતોની વિરુદ્ધ હશે.
Next Article