ડમી કાંડ મામલો,યુવરાજસિંહના સાળાની સુરતથી કરાઇ ધરપકડ
ભાવનગરના કથિત તોડકાંડમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ બાદ મુશ્કેલી વધી છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી કાંડનો પર્દાફાશ કરનાર યુવરાજસિંહ જાડેજા હવે પોતે આરોપી બન્યો છે. ત્યારે ભાવનગર SOGએ 10 કલાક લાંબી પૂછપરછ બાદ યુવરાજસિંહની ધરપકડ કરી હતી. જેમાં યુવરાજસિંહના સાળાએ રૂપિયા લીધા હોવાની યુવરાજે કબૂલાત કરી હોવાનો સૂત્રોનો દાવો છે. જોકે, આ મામલે હવે મોટા સમાચાર એ છે કે, યુવરાજસિંહના સાળાની સુરતથી અટકાયત કરાઈ છે. યુવરાજસિંહ જાડેજાના સાળા કાનભા ગોહિલની અટકાયત કરવામાં આવી છે
યુવરાજસિંહ વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદ બાદ પોલીસે અન્ય આરોપીઓને પકડવા ભાવનગર SOGની ટીમે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે કાનભા ગોહિલ, શિવુભા, ઘનશ્યામ લાઘવા જોષી, બિપિન ત્રિવેદી અને રાજુભાઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જેમાં પ્રકાશ ઉર્ફે પીકે અને પ્રદીપ બારૈયા પાસેથી ટોળકીએ એક કરોડ પડાવ્યાનો આરોપ છે. કાનભા અને શિવુંભા બન્ને આરોપીઓ યુવરાજસિંહ જાડેજાના સંબંધી અને મુખ્ય ષડ્યંત્ર કરનાર હોવાનું પોલીસ ચોપડે નોંધાયુઁ છે. ત્યારે સુરત પોલીસે કાનભાને ઝડપી લીધા હોવાના સમાચાર સામે આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કાનભા શરૂઆતમાં સુરતના વેલંજામાં છુપાયો હતો. બાદમાં વહેલી સવારે અઠવા ગેટ પર પહોંચ્યો હતો. સુરત પીસીબી પોલીસે બાતમીના આધારે કાનભાને ઝડપી પાડ્યો છે. કાનભાને ઝડપીને ભાવનગર પોલીસને સોંપી દીધો છે. હવે તેની પૂછપરછ હાથ ધરાશે.
ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. મોડી રાત્રે 1.20 કલાકે ભાવનગર SOG એ યુવરાજસિંહની ધરપકડ કરી છે. ગઈકાલે સમન્સના પગલે યુવરાજસિંહ પોલીસ સામે હાજર થયા હતા. 10 કલાકની પૂછપરછ બાદ યુવરાજ સામે ફરિયાદ દાખલ થઈ હતી.
આપણ વાંચો - યુવરાજસિંહની ધરપકડ મુદ્દે જાણો શું કહ્યું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે