Social Media: આખીર DGP કો ગુસ્સા ક્યું આયા...?
હાલ સોશિયલ મીડિયા (social media)નો જમાનો છે અને લોકો પોતાના ફોટા અને રીલ્સ બનાવીને કે વીડિયો બનાવીને સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ્સ પર પોસ્ટ કરતા રહે છે. જો કે તેમાં શિસ્તનો પર્યાય ગણાતું પોલીસ તંત્ર પણ બાકાત નથી. પોલીસ તંત્રના ઘણા...
હાલ સોશિયલ મીડિયા (social media)નો જમાનો છે અને લોકો પોતાના ફોટા અને રીલ્સ બનાવીને કે વીડિયો બનાવીને સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ્સ પર પોસ્ટ કરતા રહે છે. જો કે તેમાં શિસ્તનો પર્યાય ગણાતું પોલીસ તંત્ર પણ બાકાત નથી. પોલીસ તંત્રના ઘણા કર્મચારીઓ અને અધિકારીઓ સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ છે અને પોસ્ટ કે રીલ્સ શેર કરતાં રહે છે. જો કે અગાઉ પણ રાજ્ય પોલીસ વડા તરફથી સોશિયલ મીડિયામાં આવા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સોશિયલ મીડિયામાં પોસ્ટ ના કરવા જણાવાયું હતું પણ તેનો ચુસ્ત અમલ થતો નથી જેથી ડીજીપી વિકાસ સહાયે ફરી એક વાર પરિપત્ર કરીને તમામ પોલીસ કર્મીઓ અને અધિકારીઓને સોશિયલ મીડિયા સંબંધિત આચારસંહિતાનું કડકાઇથી પાલન કરવા જણાવાયું છે.
પોલીસ તંત્રમાં ફરજ બજાવતા યુવા અધિકારીઓ અને કર્મચારીઓ અન્ય સામાન્ય માણસની જેમ જ સોશિયલ મીડિયામાં એક્ટિવ
સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ્સ પર અવાર નવાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પોસ્ટ જોવા મળે છે અને ક્યારેય વીડિયો કે રીલ્સ કે ફોટા જોવા મળે છે. સામાન્ય રીતે પોલીસ તંત્ર શિસ્તને વરેલું હોય છે અને શિસ્તનું કડક પાલન કરવામાં આવે છે પણ પોલીસ તંત્રમાં ફરજ બજાવતા યુવા અધિકારીઓ અને કર્મચારીઓ અન્ય સામાન્ય માણસની જેમ જ સોશિયલ મીડિયામાં એક્ટિવ જોવા મળે છે જેથી અગાઉ પણ રાજ્ય પોલીસ વડા તરફથી સૂચના આપવામાં આવી હતી પણ તેને કોઇ ગાંઠતું ના હોય તેવું જોવા મળ્યું હતું.
સોશિયલ મીડિયાના ઉપયોગ બાબતી આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ કરવા જણાવ્યું
હવે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે ફરીથી પોલીસ વિભાગના તમામ હેડ, પોલીસ કમિશ્નરો, પોલીસ અધિક્ષકો, રેન્જના વડાઓ અને સેનાપતિઓને પરિપત્ર કર્યો છે. પરિપત્રમાં જણાવાયું છે કે અત્રેની કચેરી દ્વારા ગુજરાત પોલીસના સદસ્યો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ બાબતની આચાર સંહિતા 2023 બહાર પાડવામાં આવી છે જેમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી અને કર્મચારીઓને સોશિયલ મીડિયાના ઉપયોગ બાબતી આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ કરવા જણાવેલું છે છતાં સોશિયલ મીડિયાની આ આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ થતો નથ. ખાસ કરીને પોલીસ અધિકારી અને કર્મચારીએ દ્વારા ફરજ પર તથા ફરજ સિવાયના સમયે પોલીસ યુનિફોર્મમાં રીલ્સ અને વીડિયો બનાવી તેને અલગ અલગ સોશિયલ મીડિયાની એપ્લિકેશન પર પોસ્ટ કરી પોલીસની છબીને કલંકિત કરતા હોવાનું ધ્યાન પર આવ્યું છે જેથી આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન થાય તે અતિ આવશ્યક છે અને જો કોઇ પોલીસ અધિકારી કે કર્મચારી દ્વારા સોશિયલ મીડિયાની આચાર સંહિતાનો ભંગ કરવામાં આવે તો તુરત તેમની વિરુદ્ધમાં ત્વરિત સંજ્ઞાન લઇ કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવે છે.
પોલીસ અધિકારી અને કર્મચારીઓ પર તવાઇ
રાજ્ય પોલીસ વડાની કડકાઇના કારણે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરતા પોલીસ અધિકારી અને કર્મચારીઓ પર તવાઇ આવશે તે નક્કી છે.
Advertisement