દિલ્હી-ઉત્તર પ્રદેશ સહિત આ રાજ્યોમાં વરસાદને લઇને એલર્ટ, હવામાન વિભાગે કરીઆગાહી
દેશના મોટાભાગના રાજ્યોમાં ભારે વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. જો કે કેટલીક જગ્યાએ લોકોને પાણી ભરાવા જેવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં વરસાદ લોકો માટે આફતરૂપ બન્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 29 જૂન સુધી ભારે વરસાદ પડી શકે છે અને 30 જૂનથી વરસાદનુ જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે.
ઉત્તર પ્રદેશમાં વરસાદનું એલર્ટ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દિલ્હીમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત આગામી 4 જુલાઈ સુધી દિલ્હીમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે દિલ્હી સહિત ઉત્તર પ્રદેશમાંના 31 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે તેમજ આ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ રાજ્યોમાં વરસાદની આગાહી
હિમાચલ પ્રદેશમાં વરસાદથી ભારે તારાજી સર્જાઈ છે. રાજ્યમાં સતલજ નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે સ્થિતિ વણસી રહી છે. ભારે વરસાદને કારણે ઘણા લોકોના મોત થયા છે. બીજી તરફ ઘણા લોકો બેઘર બન્યા છે. શિમલામાં ભૂસ્ખલનના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં વરસાદને કારણે આવી જ સ્થિતિ પ્રવર્તી રહી છે. ઉત્તરાખંડમાં આજે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત હવમાન વિભાગે રાજસ્થાન, ગુજરાત, કોંકણ, ગોવા, કેરળ અને માહેમાં ભારેથી અતિભારે વરસાદની અપેક્ષા છે. મધ્યપ્રદેશ અને વિદર્ભમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડી શકે છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઝારખંડમાં વરસાદની સંભાવના છે.
આપણ વાંચો-મોદી સરકારમાં મોટા ફેરબદલની સંભાવના…! આ રાજ્યના અધ્યક્ષ બદલાશે