આ સમર વેકેશનમાં ગુજરાતીઓનું ફેવરિટ બન્યું દમણ...!
અહેવાલ----રિતેશ પટેલ, દમણ રાજ્યમાં સમર વેકેશનની શરૂઆત થઇ છે ત્યારે હરવા ફરવાના શોખીનો એવા ગુજરાતીઓ સિમલા, દીવ કે પછી ગોઆ ફરવા ઉપડી રહયા છે . તેવામાં વલસાડ જીલ્લાને અડી ને આવેલ નાનકડો સંઘપ્રદેશ દમણ હવે ફરવા માટે ગુજરાતીઓની પહેલી પસંદ...
અહેવાલ----રિતેશ પટેલ, દમણ
રાજ્યમાં સમર વેકેશનની શરૂઆત થઇ છે ત્યારે હરવા ફરવાના શોખીનો એવા ગુજરાતીઓ સિમલા, દીવ કે પછી ગોઆ ફરવા ઉપડી રહયા છે . તેવામાં વલસાડ જીલ્લાને અડી ને આવેલ નાનકડો સંઘપ્રદેશ દમણ હવે ફરવા માટે ગુજરાતીઓની પહેલી પસંદ બની રહ્યું છે. મહત્વનું છે કે છેલ્લા 3 વર્ષ માં દમણની કાયાપલટ બાદ દમણના બીચ અને સી રાઈડ્સ ગોવાને પણ ટક્કર આપી રહયા છે. મધ્યમ પરિવાર જેઓનું બજેટ પણ મધ્યમ છે તેવા ગુજ્જુઓએ હવે ગોવાને બદલે દમણની વાટ પકડી છે. મીની ગોવા તરીકે જાણીતા દમણમાં હાલે સમર વેકેશનમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા છે. જેના કારણે 3 વર્ષથી કોરોનાના કારણે ઠપ્પ પડેલા દમણના પ્રવાસન ઉદ્યોગને પણ વેગ મળ્યો છે.
દમણ પર્યટન માટે ખૂબ જ જાણીતું નામ
રાજ્યના પડોશમાં આવેલો નાનકડો સંઘપ્રદેશ દમણ પર્યટન માટે ખૂબ જ જાણીતું નામ છે. દરિયા કિનારે આવેલો પ્રદેશ હોવાથી આ નાનકડો સંઘપ્રદેશ પર્યટન માટે દેશભરમાં જાણીતો છે. એક તરફ શાંત દરિયો અને બીજી તરફ આથમતો સૂરજ અને બીચની શીતળ લહેરો આ નયનરમ્ય નજારો દમણના દરિયા કિનારે જોવા મળે છે. દેશભરના પર્યટકો દમણની મુલાકાત લે છે અને દમણના દરિયા કિનારાની સુંદરતા જોઈ અને દર વર્ષે પર્યટકોની સંખ્યામાં વધારો થતો રહે છે.
પ્રવાસીઓ સી ફેસ રોડ (નમો પથ) ની અચૂક મુલાકાત લઈ રહ્યા છે
તાજેતરમાં જ દમણના દેવકા બીચના સી ફેસ રોડ (નમો પથ) નું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે દમણમાં ફરવા આવતા પ્રવાસીઓ આ સી ફેસ રોડ (નમો પથ) ની અચૂક મુલાકાત લઈ રહ્યા છે. રાત્રીના સમયે રોશનીથી ઝળહળી ઉઠતા આ સી ફેસ રોડ પર લટાર મારી પર્યટકો રોમાંચિત થઈ રહ્યા છે. દમણમાં દેવકા બીચ, જામ્પોર બીચ, લાઈટ હાઉસ બીચની સાથે અહીંના ઐતિહાસિક કિલ્લાઓ અને ચર્ચ પણ પ્રવાસીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બની રહ્યું છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ પરિવાર સાથે અહીંની મુલાકાત લઈ રહ્યા છે.
દમણ મીની ગોવા તરીકે પણ ઓળખાય છે
વલસાડ જીલ્લાને અડીને આવેલ દમણના બીચની હાલ કાયાપલટ થઇ ગઈ છે અને દમણ હવે હકીકતમાં પ્રવાસીઓને વિશ્વ કક્ષાના બીચ પૂરા પાડી રહ્યું છે. આથી દમણ મીની ગોવા તરીકે પણ ઓળખાય છે. પર્યટકોને આકર્ષવા માટે દમણમાં દેવકા બીચ અને જામ્પોર બીચ સહિતના સ્થળો પર વોટર રાઇડની સાથે સુંદર અને સ્વચ્છ દરિયાકિનારો હોવાથી મોટી સંખ્યામાં પર્યટકો દમણના દરિયા કિનારે ફરવા આવે છે. ગોવામાં જોવા મળતી પેરાસેલિંગ, સ્પીડ બોટ રાઇડ્સ, જેટ સ્કી રાઇડ્સ, બમ્પી રાઇડ્સ, બનાના રાઇડ્સ હવે દમણના દરિયા કિનારે જોવા મળી રહી છે. નાના બાળકો થી લઇ ને તમામ ઉમરના લોકો દમણના દરિયા કિનારે મોજ કરતા જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે હરવા ફરવા ના શોખીનો દર વર્ષે દમણની મુલાકાત લે છે ત્યારે સમર વેકેશનમાં હાલ અમદાવાદ, વડોદરા, સુરત સહીત દક્ષિણ ગુજરાત તેમજ પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર સહિત દેશના અનેક વિસ્તારો માંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે અને દમણના બીચ પર મજા માણતાં જોવા મળી રહયા છે.
દમણના દરિયા કિનારા પર્યટકોથી ઉભરાઈ રહ્યા છે
કોરોના કાળમાં સંઘ પ્રદેશ દમણના પર્યટન ઉદ્યોગને ખૂબ જ મોટો ફટકો પડયો હતો. કોરોના ને કારણે દમણના પર્યટન સ્થળો સૂમસામ ભાસી રહ્યા હતા આથી મોટેભાગે પર્યટન પર જ નિર્ભર આ પ્રદેશ સાથે હોટલ ઉદ્યોગ અને અન્ય સંબંધિત ઉદ્યોગ પણ મુશ્કેલીમાં હતો. જોકે આ સમર વેકેશનમાં આ નાનકડા પર્યટન સ્થળની રોનક પરત ફરી રહી છે અને ફરી એક વખત દમણના દરિયા કિનારા પર્યટકોથી ઉભરાઈ રહ્યા છે અને પર્યટકોની ફરી એક વખત આ સુંદર નાનકડા પ્રદેશની મુલાકાત લેવાની શરૂઆત થઇ છે. પ્રદેશના જામ્પોર બીચ અને દેવકા દરિયા બીચ પર મોટી સંખ્યામાં પર્યટકો આવી રહ્યા છે અને વેકેશનના માહોલમાં ફરી વખત દમણની રોનક પરત ફરી રહી છે.
હોટેલ્સ હાઉસફુલ
સમર વેકેશનમાં પર્યટકો પરિવાર સાથે દમણની મુલાકાત લઈ રહ્યા છે જેથી નાના વેન્ડર થી લઈને દમણ વાસીઓ ને પણ આર્થિક ફાયદો થઇ રહ્યો છે. હાલે સમર વેકેશન માં દમણ બીચ કિનારે આવેલ હોટેલ્સ હાઉસફુલ જોવા મળી રહી છે અને હોટલ સંચાલકો પણ તમામ પ્રવાસીઓ ને આવકારવા સજ્જ છે તમામ લોકો ને પરવળે તેવા પેકેજ રાખવામાં આવ્યા છે તો અવનવી વાનગીઓ થી મેનુ પણ તૈયાર કરવામાં આવ્યું છે.
પર્યટકોની સંખ્યામાં પણ વધારો
મહત્વપૂર્ણ છે કે સંઘ પ્રદેશ દમણ દરિયા કિનારે આવેલું છે અને દરિયાની સુંદરતાને કારણે દેશભરમાં જાણીતું છે આથી ગુજરાત અને નજીકના રાજ્યના પર્યટકો દરિયા ની મોજ માણવા માટે ગોવા ની જગ્યાએ દમણ ને વધારે પસંદ કરે છે. દમણનો દરિયા કિનારો મીની ગોવા જેવો આભાસ કરાવે છે. છેલ્લા ત્રણ વર્ષથી જે રીતે પ્રદેશના દરિયા કિનારો નો ચોમેરથી વિકાસ થયો છે તેને કારણે હવે દમણનો દરિયા કિનારો વિદેશના દરિયાકિનારાને પણ ટક્કર આપે તેવા સુંદર લાગી રહ્યો છે આથી પર્યટકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે.
Advertisement