IMDની ચેતવણી, વાવાઝોડું 'બિપોરજોય' અતિ પ્રચંડ બનશે, સાત રાજ્યોમાં ખતરો વધ્યો
અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન બિપોરજોય હવે ખૂબ જ ગંભીર વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે તેની અસર સાત રાજ્યોમાં જોવા મળી શકે છે. જોકે વિભાગનું કહેવું છે કે, 15 જૂને ગુજરાતમાં પવનની ઝડપ 150 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે અને ભારે પવન સાથે વરસાદ પડશે. રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત દક્ષિણના ઘણા રાજ્યોમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડું 15 જૂનની બપોરના સુમારે સૌરાષ્ટ્ર, કચ્છ અને માંડવી (ગુજરાત) અને કરાચી (પાકિસ્તાન) વચ્ચેના પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે. 125 થી 150 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝાડું ગંભીર બને તેવી શક્યતા છે.
દરિયામાં ઉછળ્યા ઊંચા મોજા
ચક્રવાતી તોફાન ભારત-પાકિસ્તાન તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે
પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પરનું બિપોરજોય 9 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું હતું અને છેલ્લા 6 કલાક દરમિયાન પવનની ઝડપ 165 થી 175 કિમી પ્રતિ કલાકથી લઈને ઝડપે 195 કિમી પ્રતિ કલાક સુધી પહોંચતા તે અત્યંત તીવ્ર બન્યું હતું. ટાયફૂન રીસર્ચ સેન્ટર અને જેજુ નેશનલ યુનિવર્સિટીના સંશોધક વિનીત કુમારે કહ્યું કે, બિપોરજોય વાવાઝોડું તાઉતે વાવાઝોડા કરતા પણ ખતરનાક છે.
વાવાઝોડા પહેલા રાખવાની તકેદારીઓ
આગાહી માટે રેડિયો, ટી.વી. પર સમાચારો સતત સાંભળતા રહેવા, તેમજ અફવા ફેલાવવી નહીં, ગભરાવું નહીં. ઘરના બારી-બારણાં અને છાપરાની મજબૂતી તપાસવી. ફાનસ, ટોર્ચ, ખાવાની વસ્તુઓ, પાણી, કપડાં, રેડિયો જેવી તાત્કાલિક જરૂરિયાતની વસ્તુઓ તૈયાર રાખવી, જરૂરી અને કિંમતી સામાન પ્લાસ્ટિકમાં પેક કરી શક્ય હોય તો ઉપરના માળે ખસેડી લેવો, વાહનો સલામત સ્થળે તેમજ ચાલી શકે તેવી સ્થિતિમાં રાખવા, જોખમી વિસ્તારમાં રહેતા લોકોએ વાવાઝોડાની પ્રથમ આગાહી સમયે જ જરૂર જણાયે સલામત સ્થળે ખસી જવું તેમજ પોતાના પ્રાણીઓને પણ સલામત સ્થળે લઈ જવા.
વાવાઝોડા દરમિયાન રાખવાની તકેદારીઓ
પાણીના સ્ત્રોતથી દૂર રહેવું તથા ઝાડ કે થાંભલાઓ પાસે ઊભા ના રહેવું. ઘરની બહાર નીકળવાનું ટાળવું, વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા, ઘરના તમામ બારી બારણાં બંધ કરી દેવા, ટેલિફોન દ્વારા શક્ય હોય તો કંટ્રોલ રૂમમાંથી સાચી માહિતી મેળવવી અને અફવાઓથી દૂર રહેવું.
વાવાઝોડા બાદ રાખવાની તકેદારીઓ
સૂચના મળ્યા પછી જ ઘરની બહાર નીકળવું, અજાણ્યા પાણીમાંથી પસાર થવું નહીં તેમજ ખુલ્લા – છૂટા પડેલા વાયરોને અડકવું નહી, ઇજા પામેલાઓને પ્રાથમિક સારવાર આપી દવાખાને ખસેડવા, કાટમાળમાં ફસાયેલાઓને તાત્કાલિક બચાવ કરવો, ક્લોરિનયુક્ત પીવાના પાણીનો ઉપયોગ કરવો, ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ કરવો. સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે.
આ પણ વાંચો : આઝાદી પછીના 6 દાયકામાં સરેરાશ વાર્ષિક વરસાદ ઘટ્યો, જાણો