Rajkot માં કોંગ્રેસનો રમકડાંના પ્લેન બતાવીને અનોખો વિરોધ
Hirasar International Airport : તાજેતરમાં રાજકોટમાં આવેલા હિરાસર એરપોર્ટ (Hirasar International Airport)પર ચોમાસાની શરૂઆતમાં જ કેનોપી તૂટી પડવાની ઘટના બની હતી અને ત્યારબાદ ફરી એક વાર હિરાસર એરપોર્ટ વિવાદમાં આવ્યું છે. હિરાસર એરપોર્ટને લઈ કોંગ્રેસે ગુરુવારે આશ્ચર્યજનક કાર્યક્રમ યોજ્યો હતો અને રમકડાંના પ્લેન બતાવીને વિરોધ કરાયો હતો.
રમકડાંના પ્લેન બતાવી વિરોધ કરવામાં આવ્યો
રાજકોટ હિરાસર એરપોર્ટને લઈ કોંગ્રેસનો આશ્ચર્યજનક કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટના બહુમાળી ચોકમાં ગુરુવારે કોંગ્રેસના કાર્યકરો એકત્ર થયા હતા અને રમકડાંના પ્લેન બતાવી વિરોધ કરવામાં આવ્યો હતો. કાર્યકરોએ રમકડાંના પ્લેન બતાવીને પૈસા ઉડાડ્યા હતા અને વિરોધ પ્રદર્શીત કર્યો હતો.
સૌરાષ્ટ્રવાસીઓને ચિંગમ આપી છે
પ્રદર્શન કરી રહેલા કાર્યકરોએ જણાવ્યું હતું કે ગઇ કાલે રિપોર્ટ આવ્યો કે માપદંડો ના હોવાથી હિરાસર એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડી નહી શકે. ભાજપે 1400 કરોડનો ખર્ચો કરીને સૌરાષ્ટ્રવાસીઓને મામુ બનાવ્યા છે. હિરાસર એરપોર્ટ ડોમેસ્ટીક રાખવું હતું તો જુનુ એરપોર્ટ શું ખોટું હતું. આમા જમીન કૌંભાડ હોવાની અમને શંકા છે. કાર્યકરોએ કહ્યું કે ભાજપ હવાઇ જાહેરાતો કરે છે અને સૌરાષ્ટ્રવાસીઓને ચિંગમ આપી છે જેથી અમે એરપોર્ટ પર ચિંગમ લગાડી છે. સરકારે 1400 કરોડથી વધુનો ખર્ચો કરી જનતાને ઉલ્લુ બનાવી છે. માત્ર મત લેવા માટે આ કાર્ય કરાયું છે. કોંગ્રેસે કહ્યું કે ઇન્ટરનેશનલ ફ્લાઇટના બણગાં ફૂંકાયા હતા પણ હજું ડોમેસ્ટીક ફ્લાઇટ જ ચાલી રહી છે. કોંગ્રેસના નેતા રોહિત રાજપૂત અને રણજીત મુંધવાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શીત કરાયો હતો.
15 ઓગસ્ટ સુધીમાં એરપોર્ટ ખાતે સ્થાયી ટર્મિનલનું નિર્માણ
ઉલ્લેખનિય છે કે 15 ઓગસ્ટ સુધીમાં એરપોર્ટ ખાતે સ્થાયી ટર્મિનલનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે અને નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ સ્થાયી ટર્મિનલમાં ડોમેસ્ટિક ફ્લાઈટનું સંચાલન કરવામાં આવશે. ઇન્ટરનેશનલ ફ્લાઈટના સંચાલન માટે અન્ય સ્થાયી ટર્મિનલ બનાવવા બાબતે પ્લાનિંગ ચાલી રહ્યું છે
અસ્થાયી ટર્મિનલમાં કાર્ગોનું સંચાલન કરવામાં આવશે.
આ પણ વાંચો---- Rajkot : ચૂંટણી સમયે વકરેલા પત્રિકા વિવાદને લઈને નરેશ પટેલની પ્રતિક્રિયા