Negligence : FIR માં જ કલેક્ટર અને મ્યુનિ.કમિશ્નર સામે સવાલ
Negligence : વડોદરા ( vadodara)ના હરણી મોટનાથ તળાવમાં ગુરુવારે સાંજે બોટીંગ દરમિયાન ન્યુ સનરાઇઝ શાળાના 12 બાળકો અને 2 શિક્ષકોના ડૂબી જવાની ઘટનાથી જવાબદાર તંત્રની ઘોર બેદરકારી છતી થઇ છે. આ મામલે ફન પાર્કના સંચાલકોની સાથે મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણા અને કલેક્ટર એ.બી.ગોર પણ એટલા જ જવાબદાર છે. એસી ચેમ્બરમાં બેસીને વહિવટ કરતા આ અધિકારીઓ જો ખરેખર આ પ્રકારના સ્થળોએ જઇ સરપ્રાઇઝ ચેકીંગ કરતા હોત તો કદાચ આ દુર્ઘટનાને નિવારી શકાઇ હોત...!
જનતા સરકારી બાબુઓ પાસે જવાબ માગી રહી છે
જનતા સરકારી બાબુઓ પાસે જવાબ માગી રહી છે. એરેના ફન પાર્કના સંચાલકો સાથે જ્યારે કોન્ટ્રાક્ટ કર્યો ત્યારે તેને સૂચના તો બધી જ અપાઇ હતી પણ શું તેનું પાલન થતું હતું કે કેમ તે જાણવાની તસ્દી મ્યુનિસીપલ કમિશનર દિલીપ રાણા અને કલેક્ટર એ.બી.ગોર દ્વારા લેવાઇ હતી ખરી ? તેવો સવાલ ઉભો થઇ રહ્યો છે.
જે પોલીસ ફરિયાદ નોંધી છે તેમાં જ આ સવાલોના જવાબ
તમને સવાલ થશે કે અમે આ સરકારી અધિકારીઓને કેમ સવાલ પુછી રહ્યા છીએ તો જાણી લો કે મહાનગરપાલિકાના અધિકારીએ જે પોલીસ ફરિયાદ નોંધી છે તેમાં જ આ સવાલોના જવાબ છે.
કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણે ફરિયાદ નોંધાવી
મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણે જે પોલીસ ફરિયાદ નોંધાવી છે તેમાં તેમણે લખ્યું છે કે હરણી લેકઝોનનો વર્ક ઓર્ડર 2017થી કોટીયા પ્રોજેક્ટને સોંપવામાં આવ્યો હતો. તેમને સાંજે સાડા ચાર વાગે જાણ થઇ હતી કે હરણી લેક ઝોનમાં એક સ્કૂલના બાળકોને બોટમાં વધુ ક્ષમતામાં બેસાડી બોટ પલટી ખાઇ ગઇ છે. જેથી તે સ્થળ પર જતા ન્યુ સનરાઇઝ સ્કુલના શિક્ષક માનસીબેન પરમારને મળ્યા હતા.
બોટ હાલક ડોલક થઇ હતી અને આગળના ભાગેથી પાણી ભરાવા લાગ્યું
શિક્ષક માનસીબેને તેમને જણાવ્યું કે 25 બાળકો અને 4 શિક્ષીકા બોટમાં બેસી તળાવમાં ફરાવતા હતા અને બેઠકની ક્ષમતા કરતા વધુ સંખ્યામાં પહેલાથી જ બાળકોને બેસાડી બોટીંગ કરાવતા હતા. લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બાળકોને બેસાડ્યા હતા. બોટ આગળ જતાં બોટ હાલક ડોલક થઇ હતી અને આગળના ભાગેથી પાણી ભરાવા લાગ્યું હતું. જેથી બોટ વધુ હાલક ડોલક થતાં સંતુલન ગુમાવતાં બોટ પલટી ગઇ હતી અને બાળકો ડૂબવા લાગ્યા હતા
ગુનાહીત કૃત્ય કરી બેદરકારી અને નિષ્કાળજી
તેમણે જવાબદારો સામે નામજોગ ફરિયાદ કરીને આગળ લખાવ્યું છે કે યોગ્ય સમારકામ, મેઇન્ટેનન્સ, લાઇફ જેકેટ, સેફ્ટીના સાધનો બોટ રીંગ, દોરડા, જરુરી સુચનાના બોર્ડ નહી લગાડી, બોટીંગ કરાવતા પહેલા પણ સુચના આપી ન હતી. બોટમાં ક્ષમતા કરતા વધુને બેસાડી અણમુક બાળકોને લાઇફ જેકેટ ના આપી ગુનાહીત કૃત્ય કરી બેદરકારી અને નિષ્કાળજી દાખવી છે.
મ્યુનિસીપલ કમિશનર દિલીપ રાણા અને કલેક્ટર ગોર પણ જવાબદાર
હવે આ જ ફરિયાદના આધારે સવાલ એ થાય છે કે ફન પાર્કના સંચાલકો જો આ તમામ નીતિ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા તો પછી મ્યુનિસીપલ કમિશનર દિલીપ રાણા અને કલેક્ટર ગોરની જવાબદારી ન હતી કે તે વારંવાર આવા સ્થળે જઇને સરપ્રાઇધઝ ચેકિંગ કરે ? શું એક વાર કોન્ટ્રાક્ટ આપીને પ્રજાને કોન્ટ્રાકટરના ભરોસે મુકી દેવાની ? શું તેમણે ખાલી એસી ચેમ્બરમાં બેસીને માત્ર વહિવટ જ કરવાનો છે ? શું પ્રજાના ટેક્સના નાણાંનો ઉંચો પગાર અને સુવિધા મેળવવા માટે તેમને બેસાડ્યા છે . કલેક્ટર અને મ્યુનિ.કમિશનર પણ એટલા જ જવાબદાર છે કારણ કે તેઓ પણ તેમની ફરજ ચૂક્યા છે. લેક ઝોનમાં આ પ્રકારની નિષ્કાળજી કેટલા સમયથી ચાલતી હશે તે પણ સવાલ છે. કલેક્ટર ગોર અને મ્યુની.કમિશ્નર દિલીપ રાણા તમારે પણ આગળ આવીને જવાબ આપવો જોઇએ કે ઇન્સ્પેક્શન કરાતું હતું કે કેમ..
આ પણ વાંચો---HARNI KAND: માસૂમોના ભોગ બાદ શાળા સંચાલકે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેર્યા..