Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સૌરાષ્ટ્રમાં મેઘો મહેરબાન, આ જિલ્લાઓમાં મન મૂકીને વરસ્યો વરસાદ

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જેને લઈને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. ગાજ વીજ સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. રાજકોટ જિલ્લાના જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ...
સૌરાષ્ટ્રમાં મેઘો મહેરબાન  આ જિલ્લાઓમાં મન મૂકીને વરસ્યો વરસાદ

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જેને લઈને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. ગાજ વીજ સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા.

Advertisement

રાજકોટ જિલ્લાના જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખબક્યો છે. જસદણ, આટકોટ, વિરનગર, લીલાપુર, પાલરપર, કોઠી, જીવાપર, પાંચવડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે ખારી નદીનો કોઝવે બંધ થઇ ગયો છે. ત્યારે ભારે વરસાદને પગલે પાંચ ગામોનો સંપર્ક તૂટ્યો છે. ચિતલીયા, લાખવડ, કોઢી, શાંતિનગર અને કનેસરા ગામનો વાહન વ્યવહાર ખોરવાયો છે. જસદણ શહેરના ચિતલીયા રોડ, નવા બસ સ્ટેન્ડ સહિત વિસ્તારોમાં પાણી ભરાયા છે.

Advertisement

ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી જ કેટલાક તાલુકા મથક પર વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે છેલ્લા 3 કલાક કરતા વધુ સમયથી ઉના વિસ્તારમાં પડેલા વરસાદના કારણે 3 ઇંચ જેટલો વરસાદ નોંધાતા ચારે તરફ પાણી પાણી જોવા મળી રહ્યું છે. ખેડૂતોના ખેતરો પાણીથી તરબોળ બન્યા છે. ઉના, દેલવાડા, નાઠેજ, સામતેર, ગાંગડા, સનખડા અને ગીર ગઢડા, નીટલી, વડલી, દ્રોણ, જરગલી, વડવિયાળ સહિતના ગામડામાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં વધારે આનંદની લાગણી જોવા મળી રહી છે.

Advertisement

ગીર સોમનાથના વેરાવળ માં પ્રથમ વરસાદે જ મુખ્ય બજારોમાં પાણી ભરાયા છે. જેમાં ગાંધીચોક વિસ્તારમાં પાણી ભરાયા છે. જેમાં પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલતા દ્રશ્યો સામે આવ્યા છે. પ્રતિવર્ષ પાલિકા તંત્ર લાખો રૂપિયા પ્રિમોન્સૂન કામગીરી પાછળ ખર્ચે છે. પરંતુ આ પ્રિમોન્સૂન કામગીરી ફક્ત કાગળ પર જ થતી હોય તેવા દ્રશ્યો સર્જાય છે.

હવામાન વિભાગ દ્વારા કરાયેલ વરસાદની આગાહીને લઈને જૂનાગઢમાં પણ મેઘમહેર વર્ષી હતી. સવારથી જ જૂનાગઢમાં મેઘાવી માહોલ બંધાયા બાદ માળીયાહાટીનામાં મેઘ તાંડવ શરૂ થયું હતું અને છેલ્લા બે કલાકથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે રસ્તાઓ પણ પાણી ફરી વળ્યા હતા ઉપરાંત નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તોફાની વરસાદને લઈને સ્થાનિક નદીઓમાં પુર આવતા નદીઓ બે કાંઠે વહી હતી.

ઉપરાંત બોટાદ જિલ્લામાં પણ મેઘ મહેર જોવા મળ્યા છે. જેમાં ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ છવાયો હતો. જેને લઈને રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને જાણે રસ્તા ઉપર નદીઓ વહી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ભારે વરસાદને પગલે જીનનાકા, મધરપાટ બસ સ્ટેશન રોડ, પોલીસ સ્ટેશન રોડ વિસ્તારમાં પાણી ભરાયા હતા. ઠેર ઠેર પાણી ભરાતા વાહનચાલકો પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો.

અરવલ્લી જિલ્લામાં વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે. ત્યારે નદી, તળાવ, કોતરોમાં પણ પાણીનો ધસમસતો પ્રવાહ શરૂ થયો છે. ધનસુરા તાલુકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ શરૂ થયો છે. ધનસુરા ગામ પાસે આવેલા અમરાપુર ગામે નદીમાં ભારે પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો. તેવામાં એક યુવક નદી ક્રોસ કરવા જતાં તાણાયો હતો.

આ સિવાય છોટાઉદેપુરના બોડેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે ભારે વરસાદને કારણે માર્ગમાં પાણી ભરાતા અવરજવર કરતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Tags :
Advertisement

.