Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Chandrayaan-3 : વૈજ્ઞાનિકોની સિદ્ધિને સન્માન આપવા હેમ રેડિયો ઓપરેટર ખાસ કોલ સાઇનનો ઉપયોગ કરી શકશે

ભારતે 23 ઓગષ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પગ મુકીને ઇતિહાસ સર્જ્યો છે અને વિશ્વભરમાં ભારતના ઇસરોના વૈજ્ઞાનિકોની ભરપૂર પ્રશંસા થઇ રહી છે. વૈજ્ઞાનિકોની આ સિદ્ધિ દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ છે. ભારતીયોની છાતી ગજગજ ફુલી રહી છે અને ત્યારે વૈજ્ઞાનિકોની...
07:13 PM Aug 24, 2023 IST | Vipul Pandya
ભારતે 23 ઓગષ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પગ મુકીને ઇતિહાસ સર્જ્યો છે અને વિશ્વભરમાં ભારતના ઇસરોના વૈજ્ઞાનિકોની ભરપૂર પ્રશંસા થઇ રહી છે. વૈજ્ઞાનિકોની આ સિદ્ધિ દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ છે. ભારતીયોની છાતી ગજગજ ફુલી રહી છે અને ત્યારે વૈજ્ઞાનિકોની આ સિદ્ધિને સન્માન આપવા માટે ભારત સરકાર દ્વારા ભારતના હેમ રેડિયો ઓપરેટરોને પોતાની કોલ સાઈન પાછળ એક ખાસ કોલસાઇન સફીક્સ વાપરવા દેવાની પરવાનગી આપવામાં  આવી છે.  ભારતના તમામ હેમ રેડીઓ ઓપરેટર પોતાની કોલસાઈન પાછળ તારીખ 30 મી ઓગસ્ટ સુધી આ સફિક્સ વાપરી શકાશે.

ખાસ કોલસાઇન સફિક્સનો ઉપયોગ કરી શકે તેવી મંજૂરી
હેમ રેડિયો ઓપરેટર જ્યારે અન્ય હેમ રેડિયો ઓપરેટર જોડે વાત કરે ત્યારે પોતાને ફાળવાયેલી ખાસ કોલ સાઇનનો ઉપયોગ કરે છે, અને હવે ઇસરોના વૈજ્ઞાનિકોની સિદ્ધિને વિશ્વભરમાં સન્માન મળે તે માટે પોતાની કોલસાઇનની સાથે આ ખાસ કોલસાઇન સફિક્સનો ઉપયોગ કરી શકે તેવી મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. સરકારની આ મંજૂરીથી તમામ ભારતીય હેમ રેડિયો ઓપરેટર ગર્વ અનુભવી રહ્યા છે.
કુદરતી આફતોમાં હેમ રેડીયોની અસરકારક કામગીરી
કુદરતી આફતોમાં જયારે કોમ્યુનિકેશનના તમામ માધ્યમો નિષ્ફળ થાય ત્યારે હેમ રેડીયો અસરકારક કામગીરી બજાવે છે.  હેમ રેડિયો એક એવું વાયરલેસ ઉપકરણ છે કે જેના દ્વારા વિશ્વના કોઈ ખૂણે વાત કરવા અને મેસેજ મોકલવા માટે વીજ પુરવઠો, સંચાર સાધનો કે નેટની જરૂર નથી. આ માટે માત્ર જરૂરી છે એક ખાસ પ્રકારનો રેડિયો, એન્ટીના અને કારની ૧૨ વોલ્ટની બેટરી. ઇન્ટરનેટના વળગણના યુગમાં પણ જ્યારે સુનામી, તૌકતે જેવું વાવાઝોડુ, ભૂકંપ કે જળપ્રલય સર્જા‍ય અને ઉપગ્રહ આધારિત સંદેશાવ્યવહાર ઠપ્પ થાય ત્યારે સેટેલાઇટ ફોન કે નેટ કામ લાગતા નથી તે પણ એટલી જ કડવી વાસ્તવિકતા છે.  આવા સમયે છેલ્લી એક સદીથી એક હોબી રૂપે સચવાઇ રહેલો હેમ રેડિયો એટલે કે એમેચ્યોર રેડિયો જ માનવજીવન બચાવવા અને રાહત કામગીરી માટે સંકટ સમયની સાંકળ પુરવાર થયો છે. હવે તો હેમ રેડિયોના માધ્યમે ફક્ત વાતચીત જ નહીં ડિજિટલ મોડમાં ઇ-મેઇલ થઈ શકે છે અને ઈમેજ પણ મોકલી શકાય છે. તે પણ નેટની સુવિધા વગર.
હેમ રેડિયો ઓપરેટર પોતાની કોલસાઇનની સાથે ચંદ્રયાનની સિદ્ધિને પણ વણી શકશે
જો કે ભારતે ચંદ્રની ધરતી પર પગ મુકીને મેળવેલી સિદ્ધિ સાથે હવે હેમ રેડિયો ઓપરેટર પણ સંકળાયા છે. ઇસરોના વૈજ્ઞાનિકોની આ સિદ્ધિને વિશ્વભરમાં સન્માન મળે તે માટે હેમ રેડિયો ઓપરેટર પોતાની કોલસાઇનની સાથે ચંદ્રયાનની સિદ્ધિને પણ વણી શકશે.
કેન્દ્ર સરકારે /3CY સફિક્સ ફાળવી
કેન્દ્ર સરકારે /3CY સફિક્સ ફાળવી છે. છેલ્લા 38 વર્ષથી હેમ રેડિયો ઓપરેટર તરીકે કામ કરતા અધીર સૈયઢે કહ્યું કે ચંદ્રયાન-3 મિશનને ટ્રિબ્યુટ મળે તે માટે હેમ ઓપરેટરને કોલસાઇન /3CY સફિક્સનો ઉપયોગ કરવા મંજૂરી આપી છે. હવે દરેક હેમ વિશ્વભરમાં કોઇ પણ હેમ ઓપરેટર સાથે કોમ્યુનિકેશન કરશે ત્યારે તેઓ આ કોલસાઇન સફિક્સનો ઉપયોગ કરી શકશે.
આ સાથે સ્પેશિયલ કોલસાઇન AT2ISRO નો પણ તેઓ ઉપયોગ કરી શકશે.
અધીર સૈયઢે એમ પણ કહ્યું કે ચંદ્રયાનની સિદ્ધિને સેલિબ્રેટ  કરવા માટે આ કોલસાઇન સફિકસ લગાડવાની સરકારે મંજૂરી આપી છે, જેથી અમે જ્યારે બીજા દેશના હેમ જોડે વાત કરીએ તો પ્રાઉડ ફીલ થાય છે. જ્યારે અન્ય હેમ ઓપરેટર સાથે વાતચીત થાય ત્યારે અમે હાર્ડ કોપી રૂપે QSL કાર્ડ તરીકે ઓળખાતા કાર્ડ પણ  એક્સચેન્જ કરતા હોઇએ છીએ. અને તેમાં આ વસ્તુ એડ થશે તો જુદી લાગણી અનુભવી શકાશે.
જાપાનના કુલ વસ્તીના 85 ટકા કરતા વધુ લોકો હેમ રેડિયો ઓપરેટર
ઉલ્લેખનિય છે કે દેશ વિદેશમાં મિત્રો બનાવવાથી માંડી ભૂકંપ, પુર , વાવાઝોડા જેવી હોનારતના સમયે માનવસેવા કરવા માટેનું ઉત્તમ સાધન એ આ હેમ રેડિયો છે. તેમાં ટેકનિકલ નોલેજનો ભરપૂર ઉપયોગ કરી શકાય છે. ઇલેક્ટ્રોનિકના ક્ષેત્રમાં આજે જાપાનને કોઇ મ્હાત નથી આપી શકતું તેનું એકમાત્ર કારણ એ છે કે જાપાનના કુલ વસ્તીના 85 ટકા કરતા વધુ લોકો હેમ રેડિયો ઓપરેટર છે.
ભારતમાં પણ હેમ રેડીયો સ્ટેશનો ઓપરેટ કરતા અનેક સાહસિકો 
વિશ્વમાં ઘટેલી અનેક આપદાઓ અને યુદ્ધોમાં હેમ રેડીયોની સેવા નોંધપાત્ર બની રહી છે. ભારતમાં પણ હેમ રેડીયો સ્ટેશનો ઓપરેટ કરતા અનેક સાહસિકો છે. એક દોઢ દાયકા પહેલા જ્યારે ભયાનક સુનામી ત્રાટક્યું હતું. ત્યારે સમગ્ર દેશની હેમ કોમ્યુનિટી ભારે મદદરૂપ બની હતી. ગુજરાતથી પણ એક ટીમ ગઈ હતી. ઉત્તરાખંડમાં જળપ્રલય આવ્યો ત્યારે પણ રાજકોટ ગુજરાતમાંથી ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમના ભાગરૂપે હેમ રેડિયો ઓપરેટરોની મદદ લેવાઈ હતી.  તાજેતરમાં જ બિપરજોય વાવાઝોડા વખતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા હેમ રેડીઓ ઓપરેટર ની મદદ માંગવામાં આવેલી ત્યારે ગાંધીનગર સ્થિત ગુજરાત એમેચ્યોર રેડીઓ ઇન્સ્ટિટ્યૂટ GIAR દ્વારા ગુજરાતના છ થી વધુ સ્થળોએ અલગ અલગ હેમ રેડીઓ ઓપરેટર ની ટીમો મોકલેલી અને ઝીરો કેઝ્યુઅલ્ટી નું લક્ષ પૂરું કરેલું.
 અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે હેમ ફેસ્ટ 2023 યોજાશે
દર વર્ષે સમગ્ર દેશના હેમ રેડીઓ ઓપરેટરોનું એક વાર્ષિક અધિવેશન કે જે હેમ ફેસ્ટ ના નામે ઓળખાય છે, ભારત ના અલગ અલગ શહેરમાં આયોજિત થતું હોય છે. આ વર્ષે નવેમ્બર માસમાં તારીખ 25 અને 26 મી દરમ્યાન અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે આ હેમ ફેસ્ટ 2023 યોજાનાર છે. જેમાં ભારતભરના હેમ રેડીઓ ઓપરેટર ભાગ લેવા આવશે અને સાથે સાથે વિદેશી હેમ રેડીઓ ઓપરેટર પણ આવશે. જેમાં હેમ રેડીઓ ને લગતા અલગ અલગ ટેકનિકલ વિષયો પર ચર્ચા કરવામાં આવશે અને લાઈવ ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવશે.
આ અધિવેશનમાં કોઈ પણ ભાગ લઈ શકે છે. રજીસ્ટ્રેશન આ લિંક દ્વારા કરી શકાશે
www.hfi2023.com
આ પણ વાંચો---FIDE WORLD CUP CHESS TOURNAMENT : પ્રજ્ઞાનંધા FIDE વર્લ્ડ કપ ફાઈનલમાં હાર્યો, વર્લ્ડ ચેમ્પિયન મેગ્નસ કાર્લસેન જીત્યો
Tags :
achievementmChandrayaan-3Ham radio operatorsISROScientistsspecial call sign
Next Article