Chandola Lake Demolition Day 2: આજે ફરી સવારે 8 વાગ્યાથી જ ડિમોલિશન કામગીરી શરૂ, 60 ટકા કામગીરી પૂર્ણ
- સતત બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી ચાલુ
- ગઇકાલે સવારે 8થી સાંજે 6 સુધી 60 ટકા કામગીરી પૂર્ણ કરાઇ
- બાકી રહેલા ગેરકાયદે બાંધકામો પણ કરવામાં આવશે દૂર
Chandola Lake Demolition Day 2: અમદાવાદમાં ઓપરેશન 'ચંડોળા તળાવ ક્લીન' યથાવત્ છે. જેમાં સતત બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી ચાલુ છે. તેમાં ગઇકાલે સવારે 8થી સાંજે 6 સુધી 60 ટકા કામગીરી પૂર્ણ કરાઇ છે. બાકી રહેલા ગેરકાયદેસર બાંધકામો પણ દૂર કરવામાં આવશે. ડિમોલિશનની કામગીરીને લઇ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ગેરકાયદેસર બાંધકામો દૂર કરી 1 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે.
890 શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પૂછપરછ
આ ડિમોલિશનની શરૂઆતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલ લલ્લા બિહારીના ફાર્મ હાઉસ ખાતે અંદાજે 150 ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાના ચંડોળા તળાવમાં આવેલા અંદાજીત 2000 જેટલા બાંગ્લાદેશી નાગરિકો દ્વારા બનાવવામાં આવેલા કાચા-પાકા ઝૂંપડા દૂર કર્યા હતા. આમ અંદાજે 1 લાખ ચો.મી. જેટલો દબાણયુક્ત તળાવનો ભાગ ખુલ્લો કરવામાં આવ્યો છે. અમદાવાદ JCP એ જણાવ્યું કે, 890 શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પૂછપરછમાં લલ્લા બિહારીનું નામ સામે આવ્યું જેણે ચંડોળા તળાવામાં માટી નાખીને મસમોટું ફાર્મ હાઉસ બનાવ્યું હતું અને તેમાં દેહવેપારનાં ધંધાનું સંચાલન કરતો હતો.
લલ્લા બિહારી (Lalla Bihari), તેના પુત્ર સહિત અન્ય લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો
વ્યાજખોરી, બોગસ ડોક્યુમેન્ટ સહિત અનેક ગેરકાયદેસરની પ્રવૃત્તિઓમાં પણ તે સંડોવાયેલો છે. લલ્લા બિહારી (Lalla Bihari), તેના પુત્ર સહિત અન્ય લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેસીપીએ (JCP Sharad Sindhal) જણાવ્યું કે, લલ્લા બિહારી અને તેનાં પુત્રની અટકાયત કરવામાં આવી છે અને બંનેનાં રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરાઈ છે. લલ્લા બિહારી અને તેના પુત્રની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની વકી છે. આ સાથે તેમણે જણાવ્યું કે, સૂચના છે કે જ્યાં સુધી સંપૂર્ણ રીતે ગેરકાયદેસરનાં દબાણો દૂર ન થાય ત્યાં સુધી કાર્યવાહી ચાલું રહેશે.
ચંડોળા તળાવ વિસ્તારમાં રહેતા બાંગ્લાદેશીઓ પર જોરદાર એક્શન લેવામાં આવ્યું
મહત્વનું છે કે, વર્ષ 2010 માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા પણ ચંડોળા તળાવ વિસ્તારમાં રહેતા બાંગ્લાદેશીઓ પર જોરદાર એક્શન લેવામાં આવ્યું હતું. અને તે સમયે તેમને મોટી સંખ્યામાં ડિપોર્ટ કરીને તેમના દેશ પરત મોકલી આપવામાં આવ્યા હતા. સાથે જ મેગા ડિમોલીશન કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જો કે, તે સમયે કેટલીક રાજકીય પાર્ટીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અને આ મામલે કોર્ટમાંથી સ્ટે મેળવી લેવામાં આવ્યો હતો. જે બાદ ખોટી દેશ વિરોધી રાજનિતીના કારણે તે લોકોને ફાવતું મળ્યું હતું, અને તેઓ પરત ફર્યા હતા. બાદમાં તેમના પુનર્વસનનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રની સુરક્ષાને ધ્યાને રાખીને ગુજરાત સરકારે જબરદસ્ત એક્શન લીધા
આ મામલે સમયાંતરે સ્ટે હટતાની સાથે જ ગુજરાત સરકાર દ્વારા ડિમોલીશન કાર્ય હાથ ધરવાની કામગીરી કરવામાં આવી હતી. આ વખતે દેશહિતમાં અને રાષ્ટ્રની સુરક્ષાને ધ્યાને રાખીને ગુજરાત સરકારે જબરદસ્ત એક્શન લીધા છે. અને ચંડોળા તળાવ નજીકના દબાણોનો મોટા પાયે સફાયો કરી નાંખવામાં આવ્યો છે. ગુજરાત સરકારની કાર્યવાહીને દેશભરમાં બિરદાવવામાં આવી રહી છે. અને ગુજરાત પોલીસની ત્વરિતતાને જોતા અન્ય રાજ્યોમાં બિનઅધિકૃત રહેતા નાગરિકો વિરૂદ્ધની કામગીરી વેગ પકડે તેવી પ્રબળ શક્યતાઓ છે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 30 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?