પ્રાકૃતિક પ્રોડક્ટનું જાતે જ માર્કેટીંગ અને વેચાણ કરી અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરણારૂપ
કચ્છ (Kutch) માં પ્રાકૃતિક ખેતી (Natural Farming) સાથે સંકળાયેલા ખેડૂતો (Farmers) ગુણવત્તાયુકત પાક સાથે તેમાંથી અવનવી ઉપયોગી પ્રોડક્ટ જાતે જ બનાવી બજારમાં પણ પ્રાકૃતિક પ્રોડકટ (Natural Products) માટે પોતાનું અલગ સ્થાન બનાવી રહ્યા છે. અંજારના ચંદિયાના એમબીએ ખેડૂત દિપક ભગવાનભાઇ સોરઠીયા (MBA farmer Deepak Bhagwanbhai Sorthia) આવા જ સાહસી ખેડૂત છે. જે પ્રાકૃતિક ખેતી સાથે તેના ઉત્પાદનમાંથી મૂલ્યવર્ધન કરી વિવિધ ઉત્પાદન બનાવી રહ્યા છે.
પ્રાકૃતિક ઉત્પાદનના પાયલોટ દિપક સોરઠીયા
આ અંગે દિપકભાઇ જણાવે છે કે, હું વર્ષ 2017 વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરું છું, મારે 2 દેશી ગાયો છે. આત્મા યોજના દ્વારા મળેલા ડ્રમની મદદથી હું જીવામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને ઘનજીવામૃત બનાવુ છું. હું આચ્છાદન અને મિક્સ પાકો પણ કરું છુ. આત્મા યોજના સાથે જોડાયેલો છું તથા પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધી છે. ખેતીવાડી તથા આત્માના અધિકારીશ્રીઓની મદદથી મેં પ્રાકૃતિક કૃષિ અપનાવી છે. આત્મા યોજના દ્વારા અંજાર તાલુકામાં યોજાતી તાલીમમાં હાજર રહીને માર્ગદર્શન સતત માર્ગદર્શન મેળવતો રહું છું. હાલ 7 એકરમાં પ્રાકૃતિક રીતે લીંબુની ખેતી કરી રહ્યો છું. આ સાથે કેરી અને સરગવો પણ ઉગાડ્યો છે. મારી તમામ પ્રાકૃતિક ઉત્પાદનોનું હું મૂલ્યવર્ધન કરીને તેમાંથી વિવિધ ઉત્પાદન બનાવું છે. જેમ કે, લીંબુનું અથાણું, બિજોરાનું અથાણું, છાશ મસાલો, સરગવાના પાનનો પાઉડર વગેરે બનાવીને વેચાણ કરૂ છું. આમ, મને રાસાયણિક ખેતીના ઉત્પાદન કરતા સારા ભાવ મળી રહે છે.
કચ્છના ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતીની અપીલ
પ્રાકૃતિક ખેતીના ઉત્પાદન માટે લોકો જાગૃત થયા હોવાથી તમામ પાક સારા ભાવમાં વેચાઇ જાય છે. રાસાયણિક ખેતીમાં દવાઓ અને ખાતરનો ખર્ચો વધી જતો હતો. ઉપરાંત જમીનનું બંધારણ પણ બગડ્યું હતું તથા ક્ષાર વધી ગયો હતો. પરંતુ પ્રાકૃતિક ખેતીના કારણે જમીનની ગુણવત્તા વધી છે. તથા પ્રાકૃતિક ખેતીમાં લાંબા સમય બાદ રોગ, જીવાત આવતા નથી. મારી એક જ અપીલ છે કે, કચ્છમાં વધુમાં વધુ ખેડૂતો સ્વહિત તથા જનકલ્યાણના ઉદેશથી પ્રાકૃતિક ખેતી તરફ વળે તે જરૂરી છે.
અહેવાલ - કૌશિક છાંયા
આ પણ વાંચો - Gondal શહેરમાં જળબંબાકાર, વાવણી પછી શ્રીકાર વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ
આ પણ વાંચો - ખેડૂતભાઈઓ સાવધાન! …નહીં તો કિસાન સન્માન નિધીનો 18 મો હપ્તો થશે કટ