ઈમરાન ખાનને 1 કલાકમાં અમારી સામે રજૂ કરો, આજે જ નિર્ણય લેવામાં આવશે : SC
પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ બાદ ગૃહયુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હાલત એવી બની છે કે, દેશમાં જ્યા ત્યા અમુક લોકો રસ્તે ઉતરી જાહેર મિલ્કતોને આગ ચાંપી રહ્યા છે અને કરોડોની મિલ્કતોને નષ્ટ કરી રહ્યા છે. ત્યારે હવે ઈમરાન ખાનની ધરપકડ સામેની તેમની અરજી પર હાલ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન કોર્ટે કહ્યું કે, ઈમરાન ખાનની ધરપકડ ગેરકાયદેસર છે અને તેમને એક કલાકની અંદર કોર્ટમાં રજૂ કરવામાં આવે. ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલે કોર્ટ પરિસરમાંથી ઈમરાન ખાનની ધરપકડ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે જો કોઈ વ્યક્તિ કોર્ટમાં આવે છે તો ત્યાંથી તેની ધરપકડ કેવી રીતે થઈ શકે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે આ ન્યાયના અધિકારનું ઉલ્લંઘન છે. આ ઉપરાંત કોર્ટ પરિસરમાં ધરપકડ એ ખતરનાક વલણ છે. જો આમ જ ચાલતું રહેશે તો કોર્ટમાં કોઈ પણ વ્યક્તિ સલામતી અનુભવી શકશે નહીં.
આ સમય ભવિષ્ય માટે દાખલો બેસાડવાનો : પાક. સુપ્રીમ કોર્ટ
ભ્રષ્ટાચારના કેસમાં નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NAB) દ્વારા મંગળવારે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કર્યા બાદ સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું કે તેમને (ઈમરાન ખાન) એક કલાકની અંદર અમારી સમક્ષ હાજર કરો. પૂર્વ વડાપ્રધાનની ધરપકડને ગેરકાયદેસર ગણાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે ખાનની ધરપકડના મામલે આજે જ નિર્ણય લેવામાં આવશે. કોર્ટે એમ પણ કહ્યું કે આજનો સમય રેખા દોરવાનો અને ભવિષ્ય માટે દાખલો બેસાડવાનો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે NABને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને એક કલાકની અંદર કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે આ સમય ભવિષ્ય માટે દાખલો બેસાડવાનો છે. તેમણે કહ્યું કે તેઓ પાકિસ્તાનને જેલ નહીં બનવા દે. તપાસ એજન્સી NAB એ દેશને ઘણું બગાડ્યું છે. મંગળવારે પાકિસ્તાનના નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (એનએબી)ના આદેશ પર અર્ધલશ્કરી દળના જવાનોએ ઈસ્લામાબાદ હાઈકોર્ટના એક રૂમમાં ઘૂસીને ઈમરાન ખાનની ધરપકડ કરી હતી. બુધવારે એન્ટી કરપ્શન કોર્ટે તેને આઠ દિવસના રિમાન્ડ પર મોકલી દીધા હતા. ભ્રષ્ટાચારના કેસમાં કોર્ટ સંકુલમાંથી પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ખાનની નાટકીય ધરપકડથી દેશભરમાં વ્યાપક હિંસા ફેલાઈ છે, જેમાં ઓછામાં ઓછા આઠ લોકો માર્યા ગયા છે અને વિરોધીઓ અને કાયદા અમલીકરણ એજન્સીઓ વચ્ચે અથડામણ થઈ છે. લગભગ 300 અન્ય લોકો ઘાયલ થયા છે.
#UPDATE | Pakistan | Police took Imran Khan to the Supreme Court: Pakistan's Samaa TV reports
— ANI (@ANI) May 11, 2023
ધરપકડ બાદ ઈમરાન ખાને હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ SC નો કર્યો સંપર્ક
જણાવી દઇએ કે, ઈમરાન ખાને તેમની ધરપકડ પર ઈસ્લામાબાદ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. પીટીઆઈએ ઈમરાન ખાનની ધરપકડને માન્ય ગણાવતા ઈસ્લામાબાદ હાઈકોર્ટના નિર્ણયને રદ કરવાની માંગ કરતી અરજી સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે હાઈકોર્ટનો આદેશ બંધારણની કલમ 10A વિરુદ્ધ છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ઈસ્લામાબાદ હાઈકોર્ટનો નિર્ણય વિરોધાભાસથી ભરેલો છે. SCમાં દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો એટલે કે NABના અધ્યક્ષ દ્વારા જારી કરાયેલ વોરંટ ગેરકાયદેસર છે.
આ પહેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ, ભ્રષ્ટાચારના કેસમાં ઈમરાન ખાનની ધરપકડથી ગુસ્સે ભરાયેલા પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડા ઈમરાન ખાનના સમર્થકો બુધવારે સેનાના જનરલ હેડક્વાર્ટરમાં ઘૂસી ગયા હતા. તેઓએ સૈન્યના વાહનો અને સ્થાપનો પર હુમલો કર્યો અને લાહોર કોર્પ્સ કમાન્ડરના આવાસને આગ ચાંપી દીધી. પીટીઆઈના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ શાહ મહમૂદ કુરેશી અને અન્યો પર મંગળવારે લાહોર છાવણીમાં 'જિન્નાહ હાઉસ' તરીકે ઓળખાતા કોર્પ્સ કમાન્ડરના નિવાસસ્થાન પર હુમલો કરવા બદલ હત્યા, આતંકવાદ અને 20 અન્ય જઘન્ય ગુનાઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - કંગાળ પાકિસ્તાનના કરોડપતિ ઈમરાન, 600 એકર જમીન ઉપરાંત આટલા કરોડોનો છે માલિક
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ