ભ્રષ્ટાચારને નિત્યક્રમ બનાવનારા પીઆઈ સામે BJP MLA ની ફરિયાદ, ઉત્તર ગુજરાતના PI ફરી હાંસિયામાં ધકેલાયા
BJP MLA : ઉત્તર ગુજરાતના એક જિલ્લામાં લગભગ ત્રણેક વર્ષથી બેટિંગ કરી રહેલા પોલીસ ઈન્સ્પેક્ટરને હાંસિયામાં મુકી દેવાતા પ્રજા તેમજ સ્થાનિક BJP MLA એ હાશકારો અનુભવ્યો છે. ભ્રષ્ટાચારની કુટેવ ધરાવતા Police Inspector ને પૂર્વ અને વર્તમાન જિલ્લા પોલીસ વડા ખૂબ સાંચવતા હતા. રાજકીય વગ અને સાહેબોને સાચવી લેવાની આવડત ધરાવતા આ PI માટે સ્થાનિક ધારાસભ્યને અનેક રજૂઆત કરવી પડે તેનાથી મોટી કઈ વાત કહેવાય. હાંસિયામાં ધકેલી દેવાયેલા આ PI રાજકીય વગના આધારે મનપસંદ પોસ્ટિંગ મેળવતા હતા, પરંતુ સ્થાનિક BJP MLA આકરા થયા હોવાની ચર્ચા છે. જો કે, આ મામલે ભાજપના ધારાસભ્ય ખૂલીને બોલવા માટે તૈયાર નથી.
ભ્રષ્ટાચાર PI નો નિત્યક્રમ, સાહેબો સાચવી લેતાં
ત્રણેક વર્ષ અગાઉ ઉત્તર ગુજરાત (North Gujarat) ના એક જિલ્લાના પોલીસ સ્ટેશનમાં નિમણૂક મળી ત્યારે PI એકશન મોડમાં રહેતા હતા. ગણતરીના દિવસોમાં પોલીસ સ્ટાફ અને ગુનેગારોને ખબર પડી ગઈ કે, આ એકશન મોડ પાછળનું કારણ તોડ છે. પોલીસ સ્ટેશનની હદમાં આવેલી ફેક્ટરીઓના માલિકોને ડરાવીને મહિને પ્રત્યેક ફેક્ટરી પાસેથી 25 થી 50 હજાર રૂપિયા પોલીસ ઈન્સ્પેક્ટર સેરવી લેતા હતા. ત્યારબાદ તત્કાલિન DSP એ તેમને અન્ય મહત્વના સ્થાનો પર નિમણૂક આપી હતી. ત્યાં પણ તેમણે પોત પ્રકાશ્યું હતું. જો કે, પોસ્ટિંગ આપનારા સાહેબને પીઆઈ સાચવી લેતા હતા. જેથી 'તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ' જેવી સ્થિતિ બની. નવા આવેલા જિલ્લા પોલીસ વડાએ પણ આ પોલીસ ઈન્સ્પેક્ટરની કાબેલિયત (તોડપાણી) જાણી લીઘી અને જિલ્લાના મલાઈદાર પોલીસ સ્ટેશનો પૈકીના એકમાં તેની નિમણૂક કરી દીધી. પછી શું પીઆઈ અને તેમના સાહેબોને મજા પડવા લાગી. છેલ્લાં એકાદ વર્ષમાં ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો જિલ્લા પોલીસની કચેરીમાં પહોંચવા છતાં પોલીસ ઈન્સ્પેક્ટરનો વાળ વાંકો ના થયો. સાહેબોનો સાથ હોવાથી રૂપિયા લઈને ખોટું કરવામાં ભ્રષ્ટ પીઆઈને ફાવટ આવી ગઈ. ભ્રષ્ટાચાર માટે કુખ્યાત એવા આ પોલીસ ઈન્સ્પેક્ટરે મિઠાઈ-ફરસાણની દુકાનવાળાઓને પણ છોડ્યા નથી તેવી ચર્ચાઓ શહેરમાં ઊઠી છે.
આ પણ વાંચો -Gujarat High Court ના નકલી સરકારી વકીલને સોલા પોલીસે પકડ્યો, હત્યારો 9 મહિનાથી હતો ફરાર
આરોપો લાગતા પોલીસ સ્ટેશનના CCTV લેવાયા
ડબ્બા ટ્રેડિંગ, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને ક્રિકેટ સટ્ટા (Cricket Betting Case) ના કેસોમાં પીઆઈને ભ્રષ્ટાચારની ફાવટ આવી ગઈ. કેસમાં સમરી ભરવાના લાખો રૂપિયા લીધા હોવાનો આક્ષેપ છેક Range IG સુધી પહોંચ્યો હતો. આવી અનેક ફરિયાદો ઉચ્ચ અધિકારી સુધી પહોંચી હતી. આમ છતાં પીઆઈનો કોઈ વાળ વાંકો કરી શકે તેમ ન હતું. થોડાક દિવસો અગાઉ બે શખ્સોને પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા અને તેમને ત્રણ કલાક સુધી બેસાડવામાં આવ્યા હતા. પોલીસ ઈન્સ્પેક્ટર સામે એવા આરોપ લાગ્યા છે કે, સ્ટેશનમાં લઈ અવાયેલા શખ્સો પાસેથી MD Drugs મળી આવ્યું હતું. બંને શખ્સો પાસે કેટલી માત્રામાં ડ્રગ્સ હતું તેની કોઈ ઠોસ માહિતી સામે આવી નથી, પરંતુ આ બંને શખ્સોને ત્રણ કલાક પોલીસ સ્ટેશનમાં બેસાડી રખાયા બાદ રવાના કરી દેવાયા હતા. પોલીસ ચોપડે કેસ નહીં નોંધવા પેટે ચારેક લાખ રૂપિયા લેવા હોવાની ચર્ચા શહેરમાં ચાલી રહી છે. આ મામલે આક્ષેપ થતાં જિલ્લા LCB તેમજ રેન્જ કચેરીની એક ટીમે પોલીસ સ્ટેશનના CCTV Footage મેળવી તપાસ આરંભી હતી.
આ પણ વાંચો -Naroda Police : રાજ્યભરના ગુંડાઓને ફરી જેલમાં ધકેલવાની વાતો વચ્ચે નરોડા પોલીસે આવું કર્યું કામ
લિસ્ટેડ ગેમ્બલરે PIને બચાવી લીધા ?
પોલીસ ઈન્સ્પેક્ટરની એકાદ વર્ષ અગાઉ સ્ટેશનમાં નિમણૂક થઈ તેના થોડાંક જ સપ્તાહોમાં ગેમ્બલર સાથે 'મિલન' થયું ગયું. જુગારના અડ્ડા ચલાવનારો ગેમ્બલર પીઆઈ માટે કમાઉ દીકરો કમ વહીવટદાર બની ગયો. ક્રિકેટ સટ્ટો, ખાદ્ય ભેળસેળ તેમજ શેર ડબ્બા ટ્રેડિંગ (Dabba Trading) ના કેસો હોય કે ફરિયાદમાં ગોલમાલ કરવાની હોય આ પીઆઈ હંમેશા ગેમ્બલરને સાચવી લેતાં. ડ્રગ્સ કેસનો આરોપ લાગતા આ પીઆઈને બચાવવા ગેમ્બલર મેદાનમાં આવ્યો અને તેના અંગત માણસને તપાસ અધિકારી પાસે મોકલી આપ્યો. ગેમ્બલરના માણસે પોલીસ સ્ટેશનમાં લવાયેલા બે શખ્સોને ક્રિકેટ સટ્ટા આઈડીની તપાસ માટે લવાયા હોવાનું નિવેદન નોંધાવ્યું હોવાની ચર્ચા છે. આ નિવેદનના કારણે પીઆઈ સામે આકરા પગલાં લેવાય તેવી સ્થિતિ ના રહી. ઉચ્ચ પોલીસ અધિકારીને આખરે PI ને હાંસિયામાં ધકેલવાની ફરજ પડી છે.