Bhupendra Patel : 'પહેલા રોડ બનાવામાં આવે અને પછી ગટરવાળો આવી જાય'
રાજ્યની 8 મહાનગરપાલિકાઓ-વિવિધ નગરપાલિકાઓને એક જ દિવસમાં એક સાથે ૨૦૮૪ કરોડ રૂપિયાના ચેક વિકાસ કામો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) ચેક અર્પણ કર્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (Bhupendra Patel) તંત્રને હસતાં હસતાં ઘણા ચાબખા માર્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel)નું આ રુપ કોઇએ ક્યારેય અત્યાર સુધી જોયું ન હતું જેથી સૌ આશ્ચર્યમાં મુકાયા હતા. દાદાએ પોતાના ભાષણમાં ઘણી એવી વાતો કરી હતી જે પ્રજાના માનસપટમાં હોય છે.
નગરપાલિકા કે મનપામાં પૈસાનો સવાલ નથી
નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને ચેક વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે નગરપાલિકા કે મનપામાં પૈસાનો સવાલ નથી પણ પૈસા કઈ રીતે વાપરવા એ પ્રશ્ન છે. પદાધિકારી, અધિકારી અને પ્રજા એક થઇ જાય તો કોઈ બાબતની કમી રહેતી નથી. તેમ તેમણે કહ્યું હતું.
મનપા અને નગરપાલિકાને સ્વચ્છતાની બાબતમાં કોઈ બાંધછોડ નહિ રાખવામાં આવે
તેમણે કહ્યું કે સ્વચ્છતાની બાબત કોઈને કઈ તકલીફ પડતી હોય તો જાહેર મંચ પર કંઈ પણ કહેવાની છૂટ છે. નગરપાલિકા મે પણ કોર્પોરેટર તરીકે ચલાવી છે એટલે સ્વચ્છતા બાબતમાં કોઈ તકલીફ ન પડે તે બાબતનો મને ખ્યાલ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે મનપા અને નગરપાલિકાને સ્વચ્છતાની બાબતમાં કોઈ બાંધછોડ નહિ રાખવામાં આવે.
હવે નાની નગરપાલિકાઓ માટે કંઈક અલગ વ્યવસ્થાઓ કરવી પડશે
હોલમાં હાજર કમિશનરોને મુખ્યમંત્રીએ હસતા હસતા ટકોર કરતાં કહ્યું કે કમિશનર એક જ લાઈનમાં છે અને બધા એક થઈ ગયા છે. તેમણે કહ્યું કે ચેક વિતરણમાં મહાનગર પાલિકાઓ જ મોટી રકમ લઈ જાય છે જેથી હવે નાની નગરપાલિકાઓ માટે કંઈક અલગ વ્યવસ્થાઓ કરવી પડશે. તેમણે એમ પણ કહ્યું કે હું જોવું છું તો મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ વચ્ચે નાણાં ફાળવણીમાં મોટો તફાવત છે.
પહેલા રોડ બનાવામાં આવે અને પછી ગટરવાળો આવી જાય
સરકારી કામગીરી ને મુખ્યમંત્રીએ ટકોર કરતાં કહ્યું કે પહેલા રોડ બનાવામાં આવે અને પછી ગટરવાળો આવી જાય અને આ બાબતે તો પછી સાંભળવું તો પડે જ છે. માત્ર નગરપાલિકા જ નહીં પણ સરકારે પણ આ મુદ્દે સાંભળવું પડે છે. તેમ તેમણે કહ્યું હતું.
ક્વોલિટીમાં કોઇ બાંધછોડ નહિ ચાલે
સરકારી કામોમાં ગુણવત્તાને લઈ મુખ્યમંત્રીએ વધુ એક વખત ટકોર કરી હતી. તેમણે કહ્યું કે ક્વોલિટીમાં કોઇ બાંધછોડ નહિ ચાલે..કામમાં 2 મહિના મોડું થશે તો ચાલશે પણ કામની ગુણવતા સામે કોઈ બાંધછોડ નહિ ચાલે.તેમણે કહ્યું કે એક્શન ન લેવા પડે અને સારું કામ થાય તે બાબત નું ધ્યાન રાખવું. એક્શન લેવા પડે તો લેવા માટે પણ આપડે અચકાશું નહિ તેમ પણ મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું.
મેયર થઈ જાય એટલે એમના વોર્ડમાં જ કામ કરાવે તેવું ન ચાલે
મુખ્યમંત્રીએ કહ્યું કે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના દરેક વોર્ડના સરખા કામ થવા જોઈએ. મેયર થઈ જાય એટલે એમના વોર્ડમાં જ કામ કરાવે તેવું ન ચાલે અને ધારાસભ્ય બની ગયા એટલે નગરપાલિકામાં કબજો જમાવે તેવું પણ ન ચાલે. સમગ્ર કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ હસતા હસતા મેયર, ધારાસભ્ય અને કમિશ્નરને ટકોર કરી.
આ પણ વાંચો---URBAN DEVELOPMENT-રાજ્યની ૮ નગરપાલિકાઓને એક સાથે ૨૦૮૪ કરોડ રૂપિયાના ચેક વિકાસ કામો