બાબાના ગુજરાત મુલાકાત પહેલા કોંગ્રેસે કહ્યું : ભાજપ જનતાનું ધ્યાન ભટકાવે છે...
બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાતમાં મુલાકાત પહેલા જ કોંગ્રેસ પાર્ટીએ ઘણા સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાતમાં ત્રણ શહેરોમાં દિવ્ય દરબાર યોજાવાના છે. જેમા એક દિવ્ય દરબાર અમદાવાદમાં પણ યોજાવાનો છે જ્યા કાર્યક્રમો મુદ્દે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ પ્રેશ કોન્ફરન્સમાં નિવેદન આપી ભાજપ પર સીધો શાંબ્દિક પ્રહાર કર્યો હતો. તેમણે આ દરમિયાન કહ્યું કે, દેશભરમાં બાબાના દિવ્ય દરબારો થઇ રહ્યા છે, ભાજપ બાબાઓના માધ્યમથી સત્તા મેળવે છે. આ પાર્ટી બાબાને આગળ કરી જનતાનું ધ્યાન ભટકાવે છે.
બાબાના ગુજરાત આવ્યા પહેલા કોંગ્રેસ પાર્ટીએ ઉઠાવ્યા સવાલો
ગુજરાતમાં બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આવી રહ્યા છે તે પહેલા વિરોધના વંટોળ શરૂ થઇ ગયા છે. હવે આ મુદ્દે કોંગ્રેસ પાર્ટીએ પણ આગળ આવી ભાજપ પર શાંબ્દિક પ્રહાર કર્યો હતો. અમદાવાદ બાગેશ્વર ધામના ગુજરાતના કાર્યક્રમો મુદ્દે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ પ્રેસ કોન્ફરન્સ કરી દેશભરમાં બાબાના દિવ્ય દરબારો થઇ રહ્યા છે અને આ બાબાઓના માધ્યમથી ભાજપ સત્તા મેળવે છે તે જણાવ્યું હતું. તેમણે આગળ કહ્યું કે, ભાજપ આવા બાબાઓને આગળ કરી મૂળ મુદ્દાઓથી ધ્યાન ભટકાવે છે. આવું તેમણે 2019ની ચૂંટણીમાં પણ કરવામાં આવ્યું હતું. હવે 2024ની ચૂંટણી આવી રહી છે ત્યારે બાબાઓને આગળ કરાઇ રહ્યા છે. તેમણે આગળ કહ્યું કે, મોંઘવારી, બેરોજગારી, આર્થિક ડામાડોળ સ્થિતિ સહિત જનતાના મૂળ મુદ્દાઓ ઉકેલવામાં સદંતર નિષ્ફળ નીવડેલ ભાજપા ચૂંટણી જીતવા માટેની રણનિતીના ભાગરૂપે વધુ એક વખત “બાબા” ને આગળ કરીને જનતાનું ધ્યાન ભટકાવવાના કાર્યક્રમો શરૂ થઈ રહ્યાં છે. 2014 ના લોકસભા ચૂંટણી પહેલા અન્ન હજારે, બાબા રામદેવ સહિતના આંદોલનો કરીને દેશમાં ભાજપાએ સત્તા મેળવી.
ભાજપા પાસે નથી જવાબ એટલે જ... : મનીષ દોશી
બાબા દિવ્ય દરબારમાં ગુજરાતના નાગરિકો ઉપર કૃપા કરે તેવી માંગ સાથે પ્રશ્ન પુછતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ કહ્યું કે, લોકસભા 2014 અને 2019 પછી 10 વર્ષના સત્તામાં રહેનાર ભાજપાએ જનતાને જે જે વચનો આપ્યા હતા તે આજે જવાબ ન હોવાથી ફરી એકવારની એજ રણનિતીના ભાગરૂપે “બાબા” ઓ “દિવ્યદરબાર” આયોજન થઈ રહ્યા છે. “બાબા” ની સભાના આયોજક માં સુરત ખાતે ભાજપાના ધારાસભ્ય છે. રાજકોટ અને અમદાવાદમાં આયોજકના કોની સાથે સંબંધ છે. તે સમગ્ર દેશમાં જ્યાં જ્યાં “બાબા” ના દરબારો યોજાઈ રહ્યા છે તે માટે કોણ કોણ સંત્રી-મંત્રી મદદ કરી રહ્યા છે તે તપાસ નો વિષય છે.
ભાજપ-RSS પાસે એવા કોઈ મુદ્દા નથી કે જનતા વચ્ચે જઈ શકે : મનીષ દોશી
દોશીએ વધુમાં કહ્યું કે, બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબારમાં ગુજરાતના મુદ્દાઓનો ઉકેલ લાવે તો સારી વાત કહેવાય. રાજ્યમાં ડ્રગ્સ, દારૂ ક્યાથી આવે છે એ બાબા દિવ્ય દ્રષ્ટિથી દિવ્ય દરબારમાં જણાવે તો વધુ સારી વાત કહેવાય. તેમણે આગળ કહ્યું કે, બાબા કૃપા કરે અને કહે કે પેપર કેમ લીક થાય છે તો યુવાનોને મદદ મળશે, પ્રજાના પૈસા ભ્રષ્ટાચારથી ક્યા જાય છે એ પણ બાબા જણાવે, વારંવાર બ્રિજો તૂટ્યા છે ત્યારે આ સિમેન્ટ કોણ ચાઉં કરી ગયા એ બાબા જણાવે તો સારું, ગુજરાતની પ્રદૂષિત નદીઓ કેવી રીતે શુદ્ધ થાય તે પણ બાબા દિવ્ય દરબારમાં જણાવે, ફિક્સ પગારનો ભાર સહન કરનાર યુવાનોને ક્યારે રાહત થશે બાબા એ પણ જણાવે. ભાજપ-RSS પાસે એવા કોઈ મુદ્દા નથી કે જનતા વચ્ચે જઈ શકે માટે બાબાઓને આગળ કરાઈ રહ્યાં છે. અમે મીડિયાના માધ્યમથી માંગ કરીએ છીએ કે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી આ મુદ્દાઓ પર કૃપા દ્રષ્ટિ કરે તો આનંદ થશે. આ કિરણ પટેલ, સેરપુરીયા અને મોરબીથી પકડાયેલા ઠગો પાછળની વ્યવસ્થા ગોઠવનાર કોણ છે એ પણ બાબા દિવ્ય દરબારમાં જણાવે તો જનતાને જાણકારી મળી શકે.
જાણો બાબા બાગેશ્વરનો ગુજરાત મુલાકાતનો કાર્યક્રમ
આયોજન સમિતિના સદસ્યના જણાવ્યા મુજબ, બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં સૌથી પહેલા સુરતમાં પોતાનો દિવ્ય દરબાર યોજવાના છે. તેઓ 26મી મેથી 27મી મે સુધી દરબાર યોજશે. આ દરમિયાન તઓ કથાવાર્તા અને રોડ શોનું પણ આયોજન કરશે. ત્યારબાદ તેઓ અમદાવાદના મહેમાન બનશે. તેઓ 29મી મેથી 31મી મે સુધી અમદાવાદમાં દિવ્ય દરબાર યોજવાના છે. ત્યારબાદ તેઓ રાજકોટની રેસકોર્સ મેદાનમાં આગામી 1 જૂન અને 2 જૂનના રોજ દરબાર યોજાવાનો છે. જેમાં તેઓ સનાતન હિન્દુ ધર્મનો પ્રચાર કરશે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબારને લઈને બાગેશ્વરધામ સેવા સમિતિ રાજકોટ દ્વારા તડામાર તૈયારીઓ પણ શરુ કરી દેવામા આવી છે. અને આ માટે લોકલ કમિટી પણ બનાવવામાં આવી છે.
આ પણ વાંચો - બાબા બાગેશ્વર આ તારીખે બનશે ગુજરાતના મહેમાન, જાણો કયા શહેરોમાં અને ક્યારે યોજાશે દિવ્ય દરબાર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ