Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ન્યૂજર્સીના રોબિન્સવિલમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે ગુરુમહિમાને ઉજાગર કરતો વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

ન્યૂજર્સી (New Jersey)ના રોબિન્સવિલમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે ગુરુમહિમાને ઉજાગર કરતો વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.  ‘My Guru, My Guide’ – ‘મારા ગુરુ, મારા પથદર્શક’ - થીમ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં પરમાત્મા પ્રતિ શ્રદ્ધાને દ્રઢ કરાવનાર અને મહાન પથદર્શક એવા...
10:59 PM Aug 08, 2023 IST | Vipul Pandya
ન્યૂજર્સી (New Jersey)ના રોબિન્સવિલમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે ગુરુમહિમાને ઉજાગર કરતો વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.  ‘My Guru, My Guide’ – ‘મારા ગુરુ, મારા પથદર્શક’ - થીમ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં પરમાત્મા પ્રતિ શ્રદ્ધાને દ્રઢ કરાવનાર અને મહાન પથદર્શક એવા ગુરુના પ્રભાવને રજૂ કરતાં મનનીય પ્રવચનો અને પ્રેરણાદાયી કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા . મહાનુભાવોએ BAPS અને સ્વામિનારાયણ અક્ષરધામના અદ્વિતીય સાંસ્કૃતિક પ્રદાનને બિરદાવ્યું.
પ્રેરણાના મહોત્સવ”નો આરંભ
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક નેતા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં જુલાઇ ૧૬, ૨૦૨૩ ના દિને રોબિન્સવિલમાં “ફેસ્ટિવલ ઓફ ઈન્સપીરેશન્સ એટલે કે “પ્રેરણાના મહોત્સવ”નો આરંભ થયો હતો.
‘ મારા ગુરુ, મારા પથદર્શક’ થીમ હેઠળ વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન
આ મહોત્સવ અંતર્ગત, તા: 5 ઓગસ્ટના રોજ, સ્વામિનારાયણ અક્ષરધામ, રૉબિન્સવિલ, ન્યૂજર્સી ખાતે ‘ મારા ગુરુ, મારા પથદર્શક’ થીમ હેઠળ વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો હરિભક્તોની સાથે સેંકડો સંતો અને અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જીવનના કઠિનતમ પ્રશ્નોમાં યોગ્ય માર્ગદર્શન દ્વારા વ્યક્તિને હૂંફ આપીને, સાચો રસ્તો ચીંધીને, પરમાત્મામાં શ્રદ્ધા દ્રઢ કરાવનાર એવા ગુરુની વિરલ ભૂમિકા ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
ભક્તિસંગીતથી કાર્યક્રમનો શુભારંભ
અનેકવિધ સંગીતકારો દ્વારા ભક્તિસંગીતથી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. BAPSના પ્રસિદ્ધ વક્તા સંત એવા પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીએ જીવનમાં ગુરુના પ્રભાવ વિષયક પ્રવચન કરતાં જણાવ્યું, કે “ગુરુ માત્ર માર્ગદર્શક અને નૈતિક મૂલ્યોના રક્ષક જ નથી હોતા, પરતું તેઓ સારપ અને પરમાત્માના દ્વાર રૂપ છે. “  તેમણે પ્રમુખસ્વામી મહારાજે  અને મહંતસ્વામી મહારાજે લાખો લોકોને કેવી રીતે પત્રો દ્વારા, ટેલિફોન દ્વારા અને વ્યક્તિગત મુલાકાતો દ્વારા અમૂલ્ય માર્ગદર્શન અને હૂંફ આપ્યા છે તે વિષયક વાત કરી.
ગુરુ-શિષ્ય સંબંધ હિન્દુ ધર્મની શાશ્વત ઓળખ રહી છે. સાચા ગુરુ શિષ્યના જીવનને ઉન્નત બનાવે છે, જીવનનું આમૂલ પરિવર્તન કરે છે. જેવી રીતે બાળક માતા-પિતા પ્રત્યે, વિદ્યાર્થી શિક્ષક પ્રત્યે, રમતવીર પોતાના કોચ પ્રત્યે અને કર્મચારી પોતાના નેતા પ્રત્યે દિશાદર્શન માટે મીટ માંડે છે, તેવી જ રીતે શિષ્ય સાચા ગુરુ પાસે જીવનમાં સ્થિરતા અને પોતાના સાચા સ્વરૂપની અનુભૂતિ માટે માર્ગદર્શન મેળવે છે. સાચા ગુરુનું સાંનિધ્ય શિષ્યને સ્વ-જાગૃતિ બક્ષે છે અને જીવનને દિવ્ય, ઊર્ધ્વગામી બનાવી પરમાત્માની સમીપ લઈ જાય છે; શિષ્યના જીવનને પ્રેમ, કરુણા અને આનંદથી પરિપૂર્ણ કરે છે.
પ્રમુખ સ્વામી મહારાજે  અને મહંત સ્વામી મહારાજે સમાજમાં સારપ પ્રવાહિત કરી છે
અનેકવિધ શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન કેન્દ્રો અને રાહતકાર્યો જેવી માનવતાવાદી સેવાપ્રવૃત્તિઓ દ્વારા અને નિરંતર અપાર પુરુષાર્થ દ્વારા  પ્રમુખ સ્વામી મહારાજે  અને મહંત સ્વામી મહારાજે સમાજમાં સારપ પ્રવાહિત કરી છે, સમાજને ઉન્નત બનાવ્યો છે. આજે, 89 વર્ષની ઉંમરે, દિવ્યતા અને અગાધ આધ્યાત્મિક જ્ઞાનના મૂર્તિમંત સ્વરૂપ એવા મહંતસ્વામી મહારાજ ન કેવળ એક ઉત્તમ ગુરુ છે, પણ તેઓ આદર્શ શિષ્ય પણ છે; જેઓ પોતાના જીવન દ્વારા સૌને કેવી રીતે ગુરુના વચનમાં શ્રદ્ધા રાખી કાર્ય કરવું જોઈએ તેનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
નિ:સ્વાર્થ સેવા માટે ધીરજ, સહનશીલતા અને શ્રદ્ધા અનિવાર્ય
BAPS સંસ્થાના વરિષ્ઠ સંત, પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીએ આ પ્રસંગે પોતાના સંબોધનમાં જણાવ્યું, “નિ:સ્વાર્થ સેવા માટે ધીરજ, સહનશીલતા અને શ્રદ્ધા અનિવાર્ય છે. શ્રદ્ધાથી સઘળાં કાર્ય પાર પડે છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણાં ગુરુ પ્રમુખસ્વામી મહારાજે આપણામાં એવી શ્રદ્ધા જગાડી. તેમની પ્રેરણા અને હજારો સ્વયંસેવકોની નિઃસ્વાર્થ સેવાને કારણે, BAPS સ્વામિનારાયણ અક્ષરધામ, તેને નિહાળનાર લાખો લોકો માટે આસ્થાના કેન્દ્ર તરીકે ઊભું રહેશે.“
આજની સભામાં અનેકવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 
‘Health EC’ ના પ્રમુખ અને CEO એવા શ્રી આર્થર કપૂરે સ્વામિનારાયણ અક્ષરધામને હિન્દુ સંસ્કૃતિ અને મૂલ્યોના પ્રતીક તરીકે બિરદાવ્યું હતું. શ્રી કપૂર વિઝનરી ઉદ્યોગસાહસિક છે, જેમણે ‘data-driven’ સ્વાસ્થ્ય સેવાઓમાં નવો ચીલો ચાતર્યો છે. તેઓની સાથે તેમના પત્ની શ્રીમતી સંગીતા કપૂર પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી કપૂરે જણાવ્યું, કે “ આ પેઢીઓ સુધી તમારી સાથે રહેવાનું છે. તમને ક્યારેક એવું લાગે કે જીવનમાં અંધકાર વ્યાપી ગયો છે, ત્યારે જરા અહીં મંદિરમાં આવીને બેસજો, તમને ખૂટતો પ્રકાશ અહીંથી મળી જશે.”
હિન્દુ તરીકે આપણે સંસ્કૃતિનું જતન કરવું પડશે
આજના કાર્યક્રમમાં ‘વર્લ્ડ હિન્દુ ઈકોનોમિક ફોરમ’ ના ડિરેક્ટર શ્રી નરસિંહ કપ્પુલા અને તેમના પત્ની શ્રીમતી પ્રતિભા કપ્પુલા પણ ઉપસ્થિત રહ્યા હતા. ‘Ace Info Solutions’ ના સહ-સ્થાપક એવા શ્રી કપ્પુલા US સિક્યોરીટી કાઉન્સિલના સભ્યો સાથે વિશ્વના અનેક દેશો સાથે સંબંધો સુદ્રઢ કરવા જોડાયેલા છે.  શ્રી કપ્પુલાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું,કે  “ હિન્દુ તરીકે આપણે સંસ્કૃતિનું જતન કરવું પડશે, ખાસ કરીને યુવા પેઢીમાં. આ હેતુ માટે BAPS જે કાર્ય કરી રહી છે તે સરાહનીય છે.” BAPS ના વરિષ્ઠ સંતો અને મહાનુભાવોના પ્રેરણાદાયી વક્તવ્યો ઉપરાંત મહંતસ્વામી મહારાજ સાથે વિશિષ્ટ પ્રશ્નોત્તરી અને નૃત્યાંજલિ દ્વારા જીવનમાં ગુરુના અદ્વિતીય સ્થાન અને ગુરુના પ્રદાનથી કેવી રીતે અશક્યને શક્યમાં પરિવર્તિત કરી શકાય છે તેવી રોચક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી.
Tags :
BAPSBAPS Swaminarayan AkshardhamGuru MahimaNew JerseyRobbinsville
Next Article