Banaskantha: માત્ર 99 રૂપિયાની કૂપન ખરીદો અને જીતો લાખોના આકર્ષક ઈનામનું કૌભાંડ
- ધાનેરાના વાલેર ગામમાં યોજાયેલા લકી ડ્રો મુદ્દે ફરિયાદ
- બનાસકાંઠામાં ધાનેરા પોલીસ સ્ટેશનના PI બન્યા ફરિયાદી
- માસ્ટર માઈન્ડ અશોક માળી સહિત 10 વિરુદ્ધ ફરિયાદ
કહેવત છે કે, લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે. આપણે બધા આ સારી રીતે જાણીએ છીએ. તેમ છતા જ્યારે કોઈ લોભામણી સ્કીમ આવે છે તો સરળતાથી પૈસા કમાવવા કે ઈનામ જીતવા આપણે પણ તેનો ભાગ બનતા હોઈએ છીએ તેના કારણે બીઝેડ અને લકી ડ્રો જેવા કૌભાંડ થાય છે. બનાસકાંઠાના આવા જ એક કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ચાલો મિત્રો 99 રૂપિયામાં આપનું કિસ્મત અજમાવીએ મિત્ર સર્કલ દ્વારા આયોજીત ઈનામી યોજનાના નામે છેતરપિંડીનો ધંધો ચાલી રહ્યો છે.
માત્ર 99 રૂપિયાની કૂપન ખરીદો અને જીતો આકર્ષક ઈનામ
અનાથ બાળકોના શિક્ષણ અને વિકાસના લાભાર્થે ડ્રો છે. ફક્ત એકવાર માત્ર રૂ.299માં નિરાધારના આધાર બનો. ઓનલાઈન ડ્રોની ટિકિટ ખરીદો અને ટીવીથી લઈ કાર સુધીના ઈનામ જીતો તેવા સ્લોગનોથી લોકોને છેતરવામાં આવી રહ્યાં છે. બનાસ ધરા ફાઉન્ડેશન ઈનામી યોજનામાં 299 રૂપિયાની ટિકિટ ખરીદો અને મોબાઈલ, ઘરઘંટી, વોશિંગ મશીન, મિક્ષર, બાઈક તેમજ કાર જેવા આકર્ષક ઈનામો જીતો. જેમાં બનાસકાંઠામાં અશોક માળી નામનો ભેજાબાજ ક્યારેક અનાથ બાળકો તો ક્યારેક ગૌશાળા, ક્યારેક શિક્ષણ તો ક્યારેક અન્ય કોઈના નામે લકી ડ્રો કરતો હતો. આકર્ષક ઈનામો જીતવાની લાલચ આપી કરોડો રૂપિયા કમાતો હતો. અશોક માળી લકી ડ્રોની માયાજાળ રચી કૌભાંડ આચરતો હતો. આ બાબતે થયેલી ફરિયાદના આધારે અશોક માળીની તો ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારે, તેની વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે.
અલગ-અલગ લકી ડ્રોની ટિકિટો વેચી કરોડો રૂપિયા ઘરભેગા કર્યા
અશોક માળી અને તેની કંપનીએ કરોડોનું કૌભાંડ કર્યાનો આરોપ છે. અલગ-અલગ લકી ડ્રોની ટિકિટો વેચી કરોડો રૂપિયા ઘરભેગા કર્યા છે. જેમાં સરકારને ચેરીટી અને ઈન્કમટેક્સના નામે પણ ચુનો લગાડ્યો છે. પોલીસે લકી ડ્રોના નામે ચાર ગુના દાખલ કરી વધુ તપાસ હાથધરી છે. લોકોને લોભામણી લાલચ આપી લકી ડ્રો કરવામાં આરોપી અશોક માહેર છે.
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં લકી ડ્રોનું આયોજન કરવામાં આવતું
ખાસ કરીને બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં લકી ડ્રોનું આયોજન કરવામાં આવતું હતું. ગૌશાળા, શિક્ષણ અને અનાથ બાળકોના નામે લકી ડ્રોનું આયોજન કરવામાં આવે છે. લકી ડ્રોમાં કૂપનનો દર 99થી 399 રૂપિયા સુધીનો રાખવામાં આવતો હતો. ડ્રોની ટિકિટો વેચી આયોજકો અને અશોક માળી લાખો રૂપિયા કમાતા હતા. આ ટિકિટ ખરીદનારા લોકો લકી ડ્રોમાં આકર્ષક ઈનામો જીતી શકે છે તેવી પણ લાલચ અપાતી હતી. ઈનામની લાલચે લોકો ટિકિટ ખરીદતા હતા પરંતુ, તેમાંથી કોઈને ઈનામ લાગતું નહોતું. આવા ડ્રો બાબતે અરજદાર અને આરોપીઓના નિવેદન બાદ થરાદના DySP એસ.એમ. વારોતરીયા પોતે ફરિયાદી બન્યા હતા.
તપાસમાં કૌભાંડનો મસમોટો આંકડો બહાર આવે તેવી શક્યતા
અશોક માળી બનાસકાંઠામાં કલાકારોના ડાયરાની સાથે લકી ડ્રોનું આયોજન કરતો હતો. જેથી, કલાકારોની ચાહકો મોટી સંખ્યામાં આવતા હતા. લકી ડ્રોની ટિકિટ ખરીદતા હતા. આવી રીતે છેલ્લા ઘણા વર્ષોથી અશોક માળી ડ્રો યોજી કૌભાંડ આચરતો હતો. આ કૌભાંડનો ભોગ અનેક લોકો બન્યા છે. પોલીસ તો આ દિશામાં કાર્યવાહી કરી જ રહી છે સાથે જ ભોગ બનનારા લોકોને પોલીસ સ્ટેશન આવી ફરિયાદ કરવાની પોલીસની અપીલ છે. પોલીસની ઊંડાણપૂર્વક તપાસમાં કૌભાંડનો મસમોટો આંકડો બહાર આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: Surendranagar બહુમાળી ભવનમાં આવેલ સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીનો અભાવ