Banaskantha: સામાન્ય વરસાદ થતાની સાથે જ પુલ પર નદીનું વહેણ શરૂ, માર્ગ ધોવાતા લોકોને હાલાકી
Banaskantha: ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ થયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં પણ સારો એવો વરસાદ થયો છે. વિગતે વાત કરીએ તો, બનાસકાંઠા (Banaskantha)ના પાલનપુર તાલુકાના વેડંચા ગામથી ભાવિશાણા ગામ તરફ જવાના માર્ગ ઉપર લડબી નદી આવેલી છે. જોકે સામાન્ય વરસાદમાં જ તે માર્ગ પરથી નદીનું વહેણ શરૂ થઈ ગયું છે જેને લઇ તે પુલ ઉપરથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે. અત્યારે આ માર્ગ ઉપર નાળા કે પુલ બનાવવાની વર્ષોની માંગ આજે પણ અધ્ધરતાલ જોવા મળી રહી છે.
20થી વધુ ગામના લોકો સંપર્ક વિહોણા બની જાય છે
ઉલ્લેખનીય છે કે, ચોમાસામાં 20 થી વધુ ગામના લોકો સંપર્ક વિહોણા બને તેવી પરિસ્થિતિ સામે આવી છે. બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના મુખ્ય મથક પાલનપુર તાલુકાના વેડંચા અને ભાવીસણા ગામ વચ્ચે લડબી નદીનો પટ છે જેના પરથી 20થી વધુ ગામોને જોડતો રોડ બનાવવામાં આવ્યો છે. જોકે દર ચોમાસે લડબી નદીમાં આવતા ભારે વહેણના કારણે આ રોડ તૂટી જાય છે અને 20થી વધુ ગામના લોકો સંપર્ક વિહોણા બની જાય છે. જેથી પાલનપુરમાં ધંધા અને નોકરી અર્થે આવતા લોકો અને બાળકો શાળામાં પહોંચી શકતા નથી. આ સાથે સાથે સામાન્ય લોકો પણ ખુબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે.
નદીના પટમાં નાળા અને બ્રિજ બનાવવા માટેની માંગ
નોંધનીય છે કે, દર ચોમાસામાં ભારે વરસાદ વચ્ચે આસપાસના ગામના લોકો દયનિય હાલત રહેવા મજુબુર બને છે. જોકે આ અંગે તંત્ર સમક્ષ ગ્રામજનોએ અનેકવાર રજુઆત કરી નદીના પટમાં નાળા અને બ્રિજ બનાવવા માટેની માંગ કરી રહ્યા છે, આમ છતાં આ માંગ વર્ષોથી અધ્ધરતાલ જ છે. ગામલોકોનું કહેવું છે કે ચૂંટણી સમયે વોટ લેવા આવતા નેતાઓ સમક્ષ હાથ જોડી આ સમસ્યાના નિવારણ માટે અમે રજૂઆતો કરી થાકયા છીએ પરંતુ તંત્ર છે કે, અમારી રજૂઆતો સાંભળતું નથી ચોમાસામાં નદીમાં ભારે પુર જેવી સ્થિતિ બનતા અમારા બાળકો શાળામાં જઈ શકતા નથી. જેથી બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે. સામાન્ય લોકોએ કહ્યું કે, ‘અમે ધંધા અને નોકરી વિના ઘરે જ રહેવા માટે અમે મજબૂર બનીએ છીએ.’
સામાન્ય વરસાદમાં રોડ અને રસ્તાઓની હાલત બદથી બત્તર
મહત્વનું છે કે, આ રોડ 20થી વધુ ગામોને જોડતો રોડ છે. જે રોડ વચ્ચે આવતી લડબી નદી દર ચોમાસે આ ગામોનો સંપર્ક તોડી દે છે. જોકે તંત્ર અને નેતાઓએ આજદિન આશ્વાસન અને અને માત્ર વાયદાઓ જ આપ્યા છે પરંતુ નદીના પટ પર પુલ કે નાળા મુકવા માટે કોઈ જ નક્કર કાર્યવાહી કરવા આગળ આવ્યું નથી.નોંધનીય છે કે, સામાન્ય વરસાદના કારણે પણ રોડ અને રસ્તાઓની હાલતબદથી બત્તર થઈ ગઈ છે, તો પછી ભારે વરસાદના રોડ રસ્તાની હાલત કેવી થશે.